કચ્છમાં ખનિજની લીઝો બંધ થવાથી રોજગારીનો પ્રશ્ન બનશે વિકટ
કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ન્યાય સુસંગત અને લીધારકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા કરાઈ રજૂઆત : ચાઈનાક્લેની લીઝ બંધ થવાથી પ્રોસેસિંગ યુનિટ અને સિરામીક ઉદ્યોગને પણ માઠી અસર : પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હજારો લોકોના રોજગાર છીનવાશે તેવી ભીતિ
ભુજ : કચ્છ જિલ્લામાં પર્યાવરણીય પ્રમાણપત્રની પ્રક્રિયા ચાલુમાં હોવા છતાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા લીઝમાંથી ખનિજ ઉત્પાદન અને નિકાસ બંધ કરાવી દેવામાં આવ્યું છે. કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ મામલે સત્વરે ઉકેલ લાવવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. જો ૧૦ દિવસમાં આ મામલે કુદરતી ન્યાયને સુસંગત નિર્ણય લેવામાં નહીં આવે તો કચ્છના તમામ ખનિજ ઉત્પાદન કરતા લીઝધારકો તેમજ પ્રોેસેસિંગ કરતા એકમોને સાથે રાખી ચાઈનાક્લે - વ્હાઈટક્લેનું સમગ્ર કામકાજ જિલ્લામાં ઠપ્પ કરી ગાંચી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.કચ્છ ચાઈનાક્લે એસોસિએશને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ર૦૦થી વધારે નાની-મોટી ચાઈનાક્લેની ખાણ છ દાયકાથી કાર્યરત છે અને જિલ્લામાં તેના આનુસંગિક ઉદ્યોગ તરીકે ૪૦૦થી વધારે વોશીંગ - પ્રોેસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. આ ઉદ્યોગ દ્વારા જિલ્લામાંથી સરકારને ૪૦ થી પ૦ કરોડ જેટલી રોયલ્ટીની આવક થાય છે. આ ઉપરાંત જીએસટીની પણ કરોડોની આવક થાય છે. આ ખાણ મારફતે ખાણ માલિકો ઉપરાંત ખાણમાં કામ કરતા હજારો મજૂરોને રોજગાર મળી રહે છે. ઉપરાંત ૪૦૦ જેટલા પ્રોેસેસિંગ એકમો, મશિન ધારકો, ટ્રક-ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને રોજગાર મળી રહે છે. ચાઈનાક્લે ખનિજનો મુખ્યત્વે વપરાશ સિરામીક તથા અન્ય આનુસંગિક ઉદ્યોગમાં થાય છે. આ ખાણો બંધ થઈ જવાથી તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાણો બંધ થવાથી મોરબીમાં ચાલતા નાના-મોટા ૧૪૦૦ જટલા સિરામીક અને અન્ય ઉદ્યોગના કારખાનાઓ પર માઠી અસર થઈ છે, જેના કારણે અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. લીઝો બંધ થવાથી આ ઉદ્યોગ આધારીત વાહનો, ફેક્ટરીઓ જેમણે કરોડો રૂપિયાની બેંક લોન લીધેલી છે તે ભરી શકાશે નહીં, જેની અસર અર્થતંત્ર પર થવાની શક્યતા છે. કચ્છ જિલ્લામાં ચાઈનાક્લે, સિલિકા સેન્ડ, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ, બિલ્ડીંગ સ્ટોન, લાઈમસ્ટોન, બોક્સાઈટ, લેટેરાઈટ જેવી વિવિધ ખનિજની ખાણો આવેલી છે. તમામ ખાણોમાંથી આશરે ૩૦૦ કરોડથી વધારેની રોયલ્ટી સરકારને માત્ર કચ્છ જિલ્લામાંથી મળે છે. ઈસી અને માઈનિંગ પ્લાનના કારણે લીઝો બંધ કરાવવામાં આવી છે. લીઝધારકો દ્વારા ઈસી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી હોવાથી પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, તેથી સરકાર દ્વારા લીઝધારકોને અન્યાય ન થાય તે રીતે કુદરતી ન્યાય સુસંગત નિર્ણય લેવા એસોસિએશને ભારપૂર્વક રજૂઆત કરી હતી.
...............
નાના લીઝધારકોને ઈસી અને માઈનિંગ પ્લાનની પ્રક્રિયાથી આપો મુક્તિ
ભુજ : સરકાર દ્વારા દરેક લીઝધારકો પાસેથી રોયલ્ટીની સાથે ૧૦ ટકા ડીએમએફ વસૂલવામાં આવે છે, જેનો ઉપયોગ લોકહિતના કાર્યો કરવા માટે થાય છે. કચ્છ ચાઈનાક્લે એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણીય પ્રમાણપત્રો અને માઈનિંગ પ્લાન જેવી જટિલ પ્રક્રિયાઓ દૂર કરી પર્યાવરણીય સુરક્ષા ફી અને મેઈન્ટેનન્સ ઓફ સસ્ટેઈનેબલ માઈનિંગ ફી હેઠળ રોયલ્ટીની સાથે જ નિયત દરે આ બે પ્રકારની ફી વસૂલવાની જોગવાઈ કરી માઈનોર મિનરલ્સના લીઝ હોલ્ડરોને ઈસી અને માઈનિંગ પ્લાન જેવી પ્રક્રિયા કે જેનું પાલન લીઝોની નાની ચાઈઝના કારણે અમલમાં મૂકવું અશક્ય હોઈ તેમાંથી મુક્તિ આપવામાં આવે તે ઈચ્છનીય છે. વ્યવહારીક જોગવાઈ અમલમાં મૂકવા અંગે માત્ર વિચારણા હેઠળ ન લઈ અનુસરણ થાય તેવા પગલાં લેવા અથવા આ પ્રક્રિયા સરળ કરવા એસઈઆઈને સૂચન કરવા માંગ કરી હતી.

Comments