અંજારના સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ગાંધીધામ, અંજાર તાલુકામાં પેટ્રોલપંપ, ગેસ એજન્સીની ચકાસણી કરાઈ
ગ્રાહકોને રસીદ, ગેસના બાટલાની ઘટ, બાંધકામ પરમિશન મુદા સામે આવ્યા
અંજાર : આમ આદમી બજારમાંથી કોઈ ચીજની ખરીદી કરે છે તેમાં ચોક્કસ માપદંડ સરકાર દ્વારા નક્કી કરાયેલા છે, પરંતુ રાંધણગેસ, પેટ્રોલપંપ અને રેશનિંગની દુકાનમાં વસ્તુઓ લેવા જાય છે, ત્યારે તે માલ પુરો અપાય છે કે, નહીં તે બાબતે અહીંના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના ટપ્પર ગામે સોમનાથ ઈન્ડેન ગેસ એજન્સીની કચેરીએ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ૪૧ રેગ્યુલર, કોમર્શિયલ બોટલ, રેસીડેન્ટલ બાટલાઓની તપાસ કરતા તેમાં ઘટ દેખાતા આગળની કાર્યવાહી કરવા જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જયારે ગાંધીધામમાં આવેલા બન્ના માર્કેટમાં રેશનીંગની દુકાનમાં તપાસ કરતાં ગ્રાહકોને રસીદ આપવામાં આવતી ન હતી. આનું કારણ શોધતા પ્રિનટર બંધ હોવાનું સામે આવ્યું હતું, તેનું તાત્કાલિક ધોરણે રિપેરીસંગ કરવા સૂચનાઓ અપાઈ હતી. ત્યારબાદ ગ્રાહકોને રસીદ આપવી તેવો આદેશ કરવામાં આવ્યો છે. જયારે ગાંધીધામમના સુંદરપુરી વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનમાં ચકાસણી કરાઈ હતી અને તાલુકાના પડાણા ગામે કૃષ્ણા પેટ્રોલીયમની તપાસ કરતા, ગ્રામ પંચાયતની બાંધકામ અંગેનું પરમીશન રેકર્ડ રજૂ ન કરાતા તેને બે દિવસમાં રજૂ કરવાની સૂચના અપાઈ હતી. જો રેકર્ડ રજૂ નહીં કરાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંજાર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સુનિલે જણાવ્યું હતું. આ અચાનક ચેકિંગ કામગીરી હાથ ધરતા આલમમાં ફફડાટ ફેલાયો હતો.

Comments