કાંઠાળ કચ્છ પર મેઘો ઓળઘોળ : નખત્રાણામાં ધીંગી મેઘમહેર
રઘુવીર રીઝે રાજીયા તો નવખંડ નીલા થાય
નખત્રાણા પંથકમાં પથી ૭ ઈંચ વરસાદ ખાબક્યો : મોટા ભાગના ડેમો ઓગની ગયા : નદીઓ બન્ને કાંઠે વહી : મથલ ખાતે વાહન વ્યવહાર ખોરવાયો : નખત્રાણામાં ઘરોમાં પાણી ભરાયા : શાળામાં રજા અપાઈ : સરકારી કચેરી સુમસામ : વાહન વ્યવહાર ઠપ : નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ધોવાઈ : બજારોમાં દુકાનો બંધ : કપુરાશીમાં વીજળીએ યુવાનનો ભોગ લીધો : લાઈટના ધાંધિયા : લખપતમાં પણ સચરાસર મેઘ મહેર
’
ગઢશીશા વિસ્તારમાં અવિરત વરસાદથી ૧૦ ઈંચ વરસાદ : માંડવીમાં મોડીરાત ૨ઃ૩૦ થી સવારના ૭ વાગ્યા સુધી પાંચ ઈંચ જેટલો વરસાદ : ઐતિહાસીક ટોપણસર તળાવ ઓગની જતા નગરજનોના હૈયા પુલકીત : મુન્દ્રાનો ગેલડા ડેમ થયો ઓવરફ્લો
નલિયામાં મધ્યમ સિંચાઈનો કનકાવતી ડેમ ઓવરફલો : ગરડા વિસ્તારની નદીઓમાં ભારે જલપ્રવાહ : મોટીબેરનો મણીયારા ડેમ ઓવરફલો : રાપરમાં બે ઈંચ વરસાદ
ભુજ : અષાઢ મહિનાના કૃષ્ણપક્ષના પ્રારંભે જ કચ્છ જિલ્લા પર મેઘરાજાએ કૃપા વરસાવી છે. ગઈકાલથી કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીંગી મેઘમહેર થતા કચ્છવાસીઓમાં આનંદ છવાયો છે. ખાસ કરીને મુન્દ્રા, માંડવી અને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદથી ધરા તરબતર થઈ છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં આજે સવારથી જ અવિરત વરસાદ થતા અનેક માર્ગો બંધ થયા છે. નખત્રાણા પંથકમાં આજે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના અરસામાં ત્રણ ઈંચ વરસાદ થયો છે. ગઈકાલે મધરાતથી અવિરત વરસાદના પગલે નખત્રાણા પંથક પાણી પાણી થયું છે. અબડાસા, માંડવી, મુન્દ્રા વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ અમી વર્ષા કરી છે. જિલ્લા મથક ભુજ, અંજાર, ગાંધીધામમાં વાદળછાયા માહોલ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. વાગડ પંથકમાં આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે વધુ ૩ દિવસ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
નખત્રાણા : રાજ્યની સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ૪ વાગ્યાથી લઈ ૧૦ વાગ્યા સુધી નખત્રાણા પંકથમાં પથી ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. મામલતદાર કચેરીના કિરણ જેપારે સતાવાર આંકડા ૧૧૭ આપ્યા હતા. સાડા ઈંચ જેટલો જ્યારે ગામડે ગામડે પથી ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. નખત્રાણાના બન્ને વોકળા ભરપુર વહેતા દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. મણીનગર, પ્રાચીનગર અને જીલ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયું હતું. તેવું ઉર્મિલ રાજગોરે કહ્યું હતું. નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કમગીરી ધોવાઈ હતી. આરામગૃહ, વથાણ ચોક બેટમાં ફેરવાયું હતું. શાળામાં બાળકોને રજા અપાઈ હતી. છેલ્લો આવતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. એસટી બસો અટવાઈ હતી અને ખાનગી વાહનો પણ ખાલીખમ ભાસતા હતા. સરકારી કચેરી સુમસામ ભાસી હતી. બસ સ્ટેશન ખાલી હતો. જ્યારે ચાની હોટલ પર ભીડ જોવા મળી હતી.દુકાનો પણ બંધ હતી. પેપરના અને દુધના ફેરિયાને મુશ્કેલી ભોગવી પડી હતી. ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. મોટા અંગિયાથી ઈકબાલ ઘાંચીએ કહ્યું કે, સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભુખી નદી બન્ને કાંઠે વહી રહી છે. તમામ તળાવો, ચેકડેમ ઓગની ગયા છે. ધાવડાથી જયસુખ પટેલે સચરાચર વરસાદના વાવડ આપ્યા હતા. વિથોણથી રતીલાલ ખેતાણીએ સંત સરોવર ઓગની ગયાની ખુશાલી વ્યક્ત કરી હતી અને નવા રસ્તાનું ધોવાણ થયું છે. દેવપરથી સરપંચ કસ્તૂરબેન ગરવાએ ફરી બીજી વખત તળાવ ઓગની ગયું છે. સાંયરાથી ધીરજલાલ પટેલે યક્ષ તળાવમાં પાલર પાણી આવ્યાના વાવડ આપ્યા હતા. મંગવાણાથી સરપંચ અરૂણાબેન ગોસ્વામી પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલ આપ્યા હતા. ભીટારાથી જીતેન્દ્ર ગોર, ખેરાજ મહેશ્વરીએ જણાવ્યું કે, નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. દનણાથી મહિપતસિંહ સોઢાએ ધોધમાર વરસાદ પડ્યો છે. મંજલથી ઉપસરપંચ જીગરસિંહ જાડેજાએ તળાવ ઓગનવાની વાત કરી હતી. કોટડા (જ)થી સરપંચ મુકેશ ચાવડાઅ ધોધમાર વવરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા છે. મથલથી રાજેશ ગોરે નદી બન્ને કાંઠે વહી છે. વાહન વ્યવહાર ઠપ છે અને પુલિયા પાસે પાણી ભરાયા છે. ડેમો ઓગનવાને આરે છે. નિરોણા પાવરપટ્ટીમાં ફુલ વરસાદ છે. ડેમોમાં આવ ચાલુ છે. નખત્રાણા પંથકના તમામ નાના-મોટા ડેમો, તળાવો ઓગની ગયા છે. પાપડી, રસ્તાનું ધોવાણ થયું છે. કપુરાશીમાં વીજ પડતા યુવાન મોતને ભેટ્યો છે. ખેતર-વાડીમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દયાપર, ના.સરોવર સહિત સમગ્ર લખપત તાલુકામાં ભારે મેઘ વર્ષા થઈ હતી. ડેમો-તળાવો છલકાયા છે. બન્ને તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો-માલધારી વર્ગ ખુશ-ખુશાલ છે. નખત્રાણાના રવાપર ગામનું તળાવ છલકાતા આવતીકાલે સવારે ગામના સરપંચ પરેશ રૂપારેલના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી વધાવવામાં આવશે.
માંડવી : ભારે બફારા અને ઉકળાટ વચ્ચે બપોરના ૧ વાગે ભારે ઝાપટા બાદ થોડા વિરામ બાદ ફરી ઝરમર વચ્ચે મોડીરાતે ધુંઆધાર બેટિંગ કરતા મેઘરાજા સવારના સાત વાગ્યા સુધી પાંચ ઈંચ જેટલો હેત વરસાવતા માંડવીનો ઐતિહાસીક ટોપણસર તળાવ ઓગની ગયો હતો. જેનો સમાચાર મળતા નગરજનોના હૈયા પુલકીત થયા હતા અને માંડવીની રુકમાવતી નદી બન્ને કાંઠે ધોધમાર વહી નીકળી હતી, જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તાર આઝાદ ચોક, ભીડ બજાર, લાકડા બજારમાંથી ગોઠણભેર પાણી વહી નીકળ્યા હતા. બિદડાથી ભાવેશભાઈ રતિલાલ સંઘાર ગઈકાલ સાંજથી વરસાદ ચાલુ થયો છે રાત્રે ધોધમાર હતો હાલ પણ ઝરમર રૂપે ચાલુ જ છે ગામનો જલારામ તળાવ અને નાના મોટા બધા ચેકડેમો ઓગની ગયા છે. દુર્ગાપુરથી પ્રવીણભાઈ અરજણભાઈ વેલાણી મોડીરાતથી સવારના સાત વાગ્યા સુધી ધોધમાર પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. હાલ વરસાદ બંધ છે ખેડુત મિત્રો બધા ખુશ છે. ગામનો લખોટો તળાવ અને નાના મોટા ચેકડેમો ઓગની ગયા છે અને ભારાપર નદી જોશભેર વહી રહી છે. મોટા લાયજાથી મુરજીભાઈ સવરાજ ગઢવી પહેલા દિવસે ત્રણ ઈંચ અને રાત્રે પાંચ ઈંચ જેટલો વરસાદ મોટા લાયજા, પાંચોટીયા, ભાડા, ભીંસરા વિસ્તાર પડ્યો છે તમામ ગામોના ગામ તળાવ ઓગની ગયા છેે. મોટા લાયજાની નદી પણ જોશભેર વહી રહી છે અન્ય કોઈ નુકસાની નથી હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ જ છે. કોડાયથી ક્રુપાલ જીવરાજ ગઢવી કોડાય, રાયણ, જખણીયામાં મોડીરાત પડેલા ધોધમાર પાંચ ઈંચ જેટલા વરસાદથી ખેતરોના બાંધા તુટી ગયા ખેતરોમાંથી પાણી વહી નીકળ્યા હતા. પશુપાલકો ભારે ખુશ ગામની નાની મોટી તલાવડીઓ ઓગની ગઈ હતી. ગોધરાથી હાજી સલીમભાઈ ચાકી રાત્રે પડેલા ધોધમાર પાંચથી છ ઈંચ જેટલા વરસાદથી ગામનો કેશરીયા ડેમ અને ડોણનો જ્યોતેશ્વર મહાદેવ ડેમ ઓગની ગયા છે. જ્યારે ખારોડ નદી જોશભેર વહી રહી છે. જગતનો તાત ખેડુત અને પશુપાલક વર્ગ ખુશખુશાલ છે. તલવાણાથી કનુભા બેચુભા જાડેજા ધોધમાર પાંચ સાળાપાંચ ઈંચ જેટલા પડેલા વરસાદથી ગામનો રૂકનશાપીર તળાવ ઓગની જતા ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આવતીકાલે ગામના સરપંચના હસ્તે તળાવની શાસ્ત્રોક્તવિધિથી વધાવવામાં આવશે. કાઠડાથી દેવાંગ મેગરાજ સાંખરાએ સચરાચરી મેઘમહેર થયાના અહેવાલ આપ્યા હતા. કાંઠડા અને શિરવા વિસ્તારના તમામ નાના-મોટા ચેક ડેમો ઓગની ગયા છે. રાત્રિના રઃ૩૦ વાગ્યાથી થયેલી અવિરત મેઘકૃપાથી રત્નાપર, મઉં, કોટડી, દેવપર સહિતના વાડી વિસ્તારોમાં આડબંધો ઓવરફ્લો થયાની સાથે ખેતરો અને વાડીઓમાં બાંધા ધોવાતા વાવેતર કરેલા પાક પર ફરી વહ્યા હોઈ ભારે નુકશાનીની દહેશત સેવાઈ રહી છે. રત્નાપરથી સર્વશ્રેષ્ઠ સરપંચનો એવોર્ડ મેળવનાર મહેન્દ્રભાઈ રામાણીના જણાવ્યા અનુસાર રાત્રિના થયેલા વરસાદથી આઠેક ઈંચ વરસાદ નોંધાયો હતા તો સવારે ૧૦ વાગ્યા સુધીમાં દસથી અગિયાર ઈંચ વરસાદ નોંધાયાનું પ્રગતિશીલ ખેડૂત વિરાણી નાનીના પરસોત્તમભાઈ વાસાણીએ જણાવ્યું હતું. મહેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ગઢશીશા વિસ્તારની વાડી અને ખેતરોમાં બાંધા ધોવાતા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે ખેતીમાં ભારે નુકશાન થયાનો અંદાજ છે. ગઢશીશા સરપંચ પતિ સંજયભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગઢશીશા ઓળખ સમુ રાતાતળાવ ઓગની જતા ગામ લોકોમાં ખુશી છવાઈ છે. જેને વાજતે ગાજતે સરપંચ અને દેવી ચંદુમાના હસ્તે વધાવાશે તેવું જણાવ્યું હતું. મોટા રતડિયા પાસેની નદી બે કાંઠે વહી હતી. તેમજ પુલ પરથી પાણીવહેતા જોવા મળ્યાનું જાણવા મળ્યું હતું. આ લખાય છે ત્યારે વરસાદી માહોલ જામ્યો હોઈ સાંજ સુધીમાં ભારે વરસાદ થશે તેવું વરસાદી તજજ્ઞોનું માનવું હોઈ કોઈએ કામ સિવાય ઘર બહાર કે નદી-નાળા તળાવો કાંઠે જવું નહીં તેવી વિનંતી કરાઈ છે. વરસાદના કારણે ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રો સજ્જ હોવાનું સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું. પીજીવીસીએલના ઈજનેર શ્રી ગરવાએ પણ વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ટીમો તૈયાર હોવાનું જણાવ્યું હતું.
નલિયા : અબડાસે મેં મુંભઈ જેડો મીં થઈ વ્યો તેવી ખુશી સાથે ગઈકાલે સવારથી ચાલુ થયેલ મેઘમહેર સતત વરસતા મુખ્ય મથક નલીયામાં ર ઈંચ સાથે ગરડા વિસ્તાર સહિત અન્યત્ર ૩ થી ૪ ઈંચ મેઘમહેર થતા ખુશીની લાગણી ફેલાઈ છે. ગઈકાલે સવારે સાડા દસ વાગ્યે ઉકળાટ અને બફારા બાદ તાલુકાના મુખ્ય મથકે વરસાદ ચાલુ થયા બાદ સવારથી સાંજ સુધી અને રાત્રીના ભાગે પણ સતત ધીમી ધારે વરસતા ર ઈંચથી વધુ વરસાદ નલીયા મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમમાં નોંધાયો હતો.જેના લીધે રસ્તા ઉપર રીતસરના ઘુંટણસમા પાણી વહી નીકળ્યા હતા.અબાવ-વૃધ્ધ સૌએ વરસાદમાં પલળીને ગરમીથી રાહત મેળવી હતી.તાલુકામાં પશુપાલન ઉપર નિર્ભર એવા ગરડા પંથકમાં ર૪ કલાક દરમ્યાન ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.બેરથી હાજી હારૂનભાઈના જણાવ્યા પ્રમાણે સતત ગત સવારથી આજ સવાર સુધી વરસાદ વરસવાનું ચાલુ છે.રામવાડા પાસેની નદીમાં આવેલ કોઝ-વેમાં ધસમસતા જળપ્રવાહના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.અકરી, થુંબડી, ગોલાય, ચરોપડી, મોહાડી, વાલાવારી, વાયોર, ફુલાય, વાઘાપધ્ધર, રામપર-અબડા, લૈયારી, ગોયલા, મોખરા સહિત સમગ્ર ગરડા પંથકમાં મેઘરાજાની કૃપા વરસતા પશુપાલકો અને ખેડુતોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.મોટીબેરનો મણીયારા ડેમ ઓવરફલો થતા નદી બે કાંઠે વહી નીકળી હતી.તેરા ગામમાં પણ સારા વરસાદને લઈ બસ સ્ટેશન, જંગી સહિતનો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.બિટ્ટા, ભવાનીપર, મોથાળા, વમોટી, ખાનાય, બાલાપર-બુડધ્રો, રાતાતળાવ, સણોસરા સહિત નદીઓમાં જળ પ્રવાહ શરૂ થયો હતો.નુંધાતડ, હાજાપર, ચીયાસર, વિંઝાણ, ખીરસરા, મીંયાણીમાં પણ ર થી ૩ ઈંચ વરસાદ થયો હતો.વરાડીયા, વરંડી, ડુમરા, છછી, ધુવઈ, લઠેડી, સાંધાણ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમા પણ ગઈકાલથી આજે સવાર સુધી સતત વરસાદ વરસ્યો હતો.કોઠારામાં પણ ભારે વરસાદના લીધે નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી.કોઠારા-વરાડીયા વચ્ચે કાચી જમીનમાં કામ કરી રહેલ હીટાચી મશીન જમીનમાં ગરકાવ થઈ ગયું હતું પણ ચાલકનો આબાદ બચાવ થયો હતો.સાંયરા, આરીખાણા, કમંડ, કડુલી, રાપરગઢ, સિંધોડી, પિંગલેશ્વર, લાલા, જખૌ, જખૌબંદર સહિતના વિસ્તારોમાં પણ ગઈકાલ સવારથી આજે સવાર સુધછ સતત ભારે ઝાપટા અને ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.કનકપરથી પ્રગતિશીલ ખેડુત વાડીલાલભાઈ પોકારના જણાવ્યા મુજબ મધ્યમ સિંચાઈનો કનકાવતી ડેમ ઓવરફલો થતા આ વિસ્તારના ખેડુતોને તેનો લાભ મળશે. ડેમની આસપાસના નિચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા તકેદારીના પગલા સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત અબડાસાના મધ્યમ સિંચાઈનો બેરાચીયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. આમ ગઈકાલ સવારથી આજે સવાર સુધી સત્તાવાર વરસાદ પ૪ મીલીમીટીર (ર.૧ર ઈંચ) અને મોસમનો કુલ્લ વરસાદ ર૬૦ મીલીમીટર (૧૦.ર ઈંચ) નોંધાતા અનેક ગામના ડેમ, તળાવો અને નદી નાળા છલકાઈ ઉઠયા હતા. કંકાવટી નદી પુર થી ગાંડીતુર બનતા જીલ્લા તાલુકા મથકે જવાનો એક માત્ર માર્ગ હાજાપર મીયાણી વચ્ચેની પાપડી છેલ્લા ચાર વર્ષથી ટુટી જવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખીરસરા વિંઝાણ અને મિયાણી ગામની પ્રજા સંપર્ક વિહોણા થયા હતા.
મુન્દ્રા : તાલુકાના મોટા ભાગના ગામોમાં ગત રાતથી મેઘરાજાએ હાજરી પુરાવી છે. મુન્દ્રામાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના અરસામાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. કારાઘોઘા ડેમ ઓવરફ્લો થતા સમાઘોઘાની નદીમાં પાણી બે કાંઠે વહી નીકળ્યા હતા. મુન્દ્રા પંથકમાં નાના-મોટા ચેક ડેમો ઓવરફ્લો થયા છે. ખેતર અને વાડી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા અને બજારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. મુન્દ્રા શહેરના જ્વાહરચોક અને મૈત્રી કોમ્પ્લેક્સ તેમજ સોસાયટી વિસ્તારમાં જળ ભરાવ થતા લોકોને હાલાકી ઉઠાવી પડી હતી. મુન્દ્રા તાલુકાના ટોળા, વિરાણીયા, લાખાપર, વાંકી-પત્રી, ધ્રબ, ભદ્રેશ્વર, કારાઘોઘા, વાઘુરા, ટુંડા વગેરે ગામોમાં પણ વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા હતા. મુન્દ્રા તાલુકાના ગેલડા ડેમ પણ ઓવરફ્લો થતા આસપાસ વિસ્તારોમાં તકેદારી રાખવાની સૂચનાઓ તંત્ર દ્વારા અપાઈ હતી. રાપર : વહેલી સવારે હવામાન વિભાગની આગાહી અન્વયે કચ્છમાં આપવામાં આવેલ યલો એલર્ટના અનુસંધાને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેના લીધે મુખ્ય મથકે બજારમાંથી અને શેરીઓમાંથી પાણી વહી નિકળ્યા હતા. અવારનવાર વરસાદના ઝાપટા વરસ્યા હતા. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વાગડ વિસ્તારમા હજુ સુધી ખેતી લાયક વરસાદ થયો નથી. જેના લીધે ખેતરોમાં હજુ સુધી વાવેતર થયું નથી. આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકોમાં આગામી દિવસોમાં વરસાદની આશા બંધાઈ છે. રાપર આડેસર, ફતેહગઢ, બાલાસર, ગેડી, સલારી, ચિત્રોડ, ગાગોદર સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. ખડીરના ધોળાવીરા, રતનપર, જનાણ, કલ્યાણપરમાં પણ વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. સવારથી ધીમીધારે થઈ રહેલા વરસાદથી રાપર પંથકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
.........................
કચ્છમાં માધ્યમ સિંચાઈના ૫ ડેમ થયા ઓવરફલો
ભુજ : કચ્છમાં થયેલ સાર્વત્રિક મેઘ મહેરના પગલે જિલ્લાના મધ્યમ સિંચાઈના ર૦ ડેમ પૈકીના ૫ ડેમ ઓવરફલો થયા છે. અબડાસા તાલુકાના કંકાવટી, મીઠી અને બેરાચિયા ડેમ ઓવરફલો થયા છે. મુંદરા તાલુકાનો કારાઘોઘા ડેમ અને માંડવી તાલુકાનો ડોણ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જતાં ઓવરફલો થયા છે.
....................
સાર્વત્રિક વરસાદના પગલે નાની સિંચાઈના ર૮ ડેમ થયા ઓવરફલો ’
૭૭ ડેમમાં સીલ લેવલ કરતાં ઉપર પાણી ભરાયા
ભુજ : કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદના પગલે નદી, તળાવો, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જિલ્લાના નાની સિંચાઈના કુલ ૧૭૦ ડેમો પૈકી ર૮ ડેમ ઓવરફલો થયા છે. ૭૭ ડેમોમાં સીલ લેવલથી ઉપર સુધી પાણી ભરાયા છે. જયારે ૬પ ડેમોમાં હજુ સીલ લેવલથી નીચે પાણી રહ્યું છે. ભુજ તાલુકાનાના નાની સિંચાઈના ૩પ ડેમો પૈકી ર૦ ડેમમાં સીલ લેવલથી વધુ પાણી ભરાયા છે. અંજાર તાલુકાના ૧ર પૈકી ૪, માંડવી તાલુકાના ર૧ પૈકી ૧૮, મુંદરા તાલુકાના તમામ ૧૧, નખત્રાણા તાલુકાના ૧૬ પૈકી ૭, લખપત તાલુકાના ૧૭ પૈકી ૭, અબડાસાના ર૪ પૈકી ૮, રાપર તાલુકાના ૧૬ પૈકી ૩ ડેમમાં સીલ લેવથી ઉપર પાણી પહોંચ્યા છે. અબડાસા તાલુકાના ૧૬, નખત્રાણા તાલુકાના ૭ અને માંડવી તાલુકાના ર નાની સિંચાઈના ડેમ પૂર્ણ ભરાયેલા છે. જિલ્લાના ભચાઉ તાલુકાના તમામ ૧૮ નાની સિંચાઈના ડેમ સીલ લેવલથી નીચે પાણી રહ્યું છે.

Comments