Trending News
સ્થાનિક સમાચાર

ટ્રાન્સપોર્ટરોના રાજકીય દબાણ સામે ઝુકેલા તંત્રએ રહેવાસીઓના જીવ જોખમમાં મુકયા

22 July



વિરોધ હોવા છતાં રાત્રે ૧૦ થી ૬ અંજારમાં ભારે વાહનોને છુટ અપાતા ગઈકાલે રાત્રે સ્થાનીકોએ કર્યા દેખાવો : મોટી સંખ્યામાં લોકો વિરોધ માટે રોડ પર ઉતરી આવતા ‘સંવેદનશીલ’ સરકારના કાર્યકાળમાં પોલીસે લાઠીચાર્જ કરી રહેવાસીઓ પ્રત્યે ‘અસંવેદનશીલતા’ બતાવી : ડીઝલનો ભાવ વધારે કે લોકોના જીવની કિંમત ? ભારે વાહનોને અંજારમાં પ્રવેશ ન આપવા માટે રહેવાસીઓ છેક સુધી લડી લેવાના મુડમાં



અંજાર : શહેરમાં યોગેશ્વર ચોકડી અકસ્માત ઝોન બની ગઈ છે. તાજેતરમાં પોલીસ કર્મચારીની પુત્રી સવારે સ્કૂલે જતી હતી ત્યારે એક્ટિવાને પાછળથી ટ્રેઈલરે ટક્કર મારતા તેનું મોત થયું હતું. આ માત્ર એક મોત નથી પરંતુ બેજવાબદાર તંત્રના વાંકે એક કિશોરીની હત્યા છે. પ્રતિબંધનું જાહેરનામું હોવા છતાં કડક અમલવારી ન થતા અત્યાર સુધી ૧૦૯ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાણથી વિશેષ કોઈ નહીં. પોતાના સંતાનોની ચિંતા કરતા હજારો વાલીઓએ ભેગા થઈ બીન રાજકીય લડત ચલાવી મોટી રેલી કાઢી હતી. જે બાદ તંત્રને ઘુંટણીએ બેસવું પડયું અને અંજાર શહેરમાં એક પણ માર્ગ પરથી ભારે વાહનોને પસાર થવા દેવામાં આવશે નહીં તેવી ખાતરી અપાઈ અને અંજાર પોલીસ દ્વારા ત્રણ શીફટમાં ર૪ કલાક તમામ સર્કલો પર પોલીસનો પહેરો રહેશે તેવો દાવો કરાયો હતો. પરંતુ ગઈકાલે ટ્રાન્સપોર્ટ વાહનો નિકળવા મંડતા સ્થાનીકો વિફર્યા હતા અને પોતાના જીવ બચાવવા માટે રોડ પર ઉતરી આવતા પોલીસે લોકોને સમજાવવાના બદલે લાઠીચાર્જ કરતા પોલીસ ટ્રાન્સપોર્ટરોના ખોડામાં બેસી ગઈ હોય તેવા આક્ષેપો થયા છે. પોલીસની કામગીરી સામે લોકોએ ભારોભાર વિરોધ દર્શાવી હવે લડી લેવાની તૈયારી બતાવી છે. 
અંજારમાં ભારે વાહનો માટે કડક પ્રવેશબંધી શરૂ થતા ટ્રાન્સપોર્ટરોએ ચારે બાજુ ચક્કાજામ કર્યો હતો અને રસ્તો ખુલ્લો કરવા માંગ કરી હતી. ટ્રાન્સપોર્ટરો મોટા ભાગના રાજકીય સંગઠનો સાથે સંકળાયેલા છે. ડીઝલ બચાવવા માટે તેઓએ અંજાર શહેરમાંથી જવાની છુટ માંગી હતી. સામે લડત કરતા વાલીઓ બીન રાજકીય છે. તેઓએ કલેકટરમાં રજુઆત કરી હતી કે, ડીઝલના ભાવ વધારે કે અમારા જીવની કિંમત. પરંતુ રાજકીય દબાણના કારણે રાત્રે ૧૦ થી ૬ વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરને છુટ અપાતા રવિવારે રાત્રે અમલવારીના પહેલા જ દિવસે રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો. ૧૦ વાગ્યે ભારે વાહનો પસાર થતા અટકાવ્યા હતા. જેના કારણે અંજાર પોલીસનો કાફલો દોડી આવ્યો અને રહેવાસીઓ સાથે રકઝક થયા બાદ લાઠીચાર્જ કર્યો હતો. બીન રાજકીય સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અમને તંત્રના નિર્ણયથી સંતોષ નથી. અમે વિરોધ કરશું. જયારે બીજી તરફ કલેકટરના જાહેરનામા મુજબ જયાં સુધી સાપેડાથી નાગલપર સુધીનો બાયપાસ શરૂ ન થાય ત્યાં સુધી અંજારમાં ભારે વાહનોની અવરજવર માટે રાત્રે ૧૦ થી ૬ સુધી મકલેશ્વર ચોકડી, આશાબા વેબ્રીજ, ચિત્રકુટ સર્કલ, યોગેશ્વર ચોકડી, કળશ સર્કલ સુધીનો રસ્તો રાત્રે ખુલ્લો રહેશે. દિવસના ભારે વાહનોને મોડવદરથી ગાંધીધામ જવાનું રહેશે. નાગલપર બાયપાસ બનાવવા માટે ઝડપી કામગીરી ચાલુમાં હોવાનો દાવો કરાયો હતો. જો કે, તંત્રના નિર્ણય સામે લોકોને સખ્ત વાંધો છે. પોલીસે રજુઆત કરતા સ્થાનીકોની અટકાયત કરી ૧૦ જેટલા લોકોની અટકાયત કરવામાં આવતા મામલો સંગીન બન્યો હતો. દેખીતી રીતે પોતાના જીવ બચાવવા માટે સ્થાનીકો રોડ પર ઉતરી આવતા હોય અને શાસક પક્ષના નેતાઓ ઘરમાં બેસી તમાસો નિહાળે તે કેટલી હદે યોગ્ય કહેવાય ? લોકોના મતના કારણે નેતાઓ ચૂંટાયા છે. તેઓને લોકોના  જીવની પરવાહ નથી. ટ્રાન્સપોર્ટરોના ખોળામાં બેસી જતા ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે.


 

Comments

COMMENT / REPLY FROM