કચ્છમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
જિલ્લા આરોગ્ય તંત્રએ વધારી સતર્કતા : જિલ્લાના તમામ કાચા મકાનોમાં થશે દવાનો છંટકાવ : ટીસીએલ બાદ હવે મેલાશિયોન પાવડરની ડસ્ટીંગની હાથ ધરાશે કામગીરી : ડો. કેશવકુમાર સિંઘ (જિલ્લા રોચગાળા નિયંત્રણ અધિકારી)
નખત્રાણાના દેવપર ગામની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
ભુજ : રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરાનો કચ્છ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. નખત્રાણા તાલુકાના દેવપર ગામની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકીને હાલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની તબિયત સ્થિર છે તેવું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે જણાવ્યું છે. જિલ્લા ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ચાંદીપુરા નામક વાયરસે હાલે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ૦થી ૧૪ વર્ષની વયના બાળકો આ વાયરસનો શિકાર થઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં નખત્રાણાની હોસ્પિટલમાં સારવાર માટે આવેલી દેવપર ગામની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેના પગલે જિલ્લા આરોગ્ય તંત્રની સૂચના અન્વયે તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળકીના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ જિલ્લામાં સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દેવપર ગામના વાડી વિસ્તારમાં જ્યાંથી જિલ્લાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો તે વિસ્તારમાં કુલ સાત મકાન આવેલા છે. તમામ ઘરોમાં સ્પ્રેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત દેવપર ગામમાં કુલ ૩૭ કાચા મકાનો આવેલા છે તે તમામ ઘરોમાં પણ સ્પ્રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કચ્છના તમામ તાલુકાઓમાંથી કાચા મકાનોની યાદી એકત્ર કરવામાં આવી છે. આજે જિલ્લા આરોગ્ય તંત્રની મહત્ત્વની બેઠક બાદ જિલ્લાના તમામ કાચા મકાનો સ્પ્રેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મેલાશિયોન પાવડર દ્વારા ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના કાચા મકાનોમાં કરવામાં આવેલ સ્પ્રેની અસર ૩૦થી ૯૦ દિવસ સુધી રહેતી હોય છે, જ્યારે સેન્ડફ્લાયની સાયકલ ૩૧ દિવસની હોય છે. જેથી સ્પ્રે થયાના એક મહિના બાદ તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જરૂરી વિસ્તારોમાં ફરી સ્પ્રે કરવાની કામગીરી હાથ ધરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સહિતના અધિકારીઓ ગઈકાલે દેવપર દોડી ગયા હતા. ગામના તમામ કાચા મકાનોમાં દવાના છંટકાવ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી રોગચના અટકાયતી પગલાંઓ સૂચવ્યા હતા.
...............
શંકાસ્પદ કેસને ભુજ રીફર કરવા આદેશ
કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ તો લોકોમાં ગભરાટ ફેલાયો છે. તકેદારીના ભાગરૂપે કચ્છની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો કેસ જોવા મળે તો તેને તાત્કાલિક ધોરણે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવા જિલ્લા આરોગ્ય તંત્રએ આદેશ કર્યા છે.
.............
અલાયદા વોર્ડમાં સારવાર : દર્દીની તબિયત સ્થિર
નખત્રાણા તાલુકાના દેવપર ગામની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાંઆવી છે. બાળકીની તબિયત હાલે સ્થિર હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
..............
ઘરની દિવાલોના છિડ્રો અને તિરાડો પૂરાવી દેવા જરૂરી
સેન્ડફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટે ઘરની દિવાલોના છિડ્રો અને તિરાડોને પૂરાવી દેવા જરૂરી છે. ઘરની અંદરના ભાગે હવા અને સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. ૦થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાઓયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ. બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળમાં રમતા અટકાવવા જોઈએ. ચાંદીપુરા રોગથી ગભરાઈ જવાના બદલે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
...............
સેન્ડફ્લાય રોગના ફેલાવવા માટે જવાબદાર
સેન્ડફ્લાય એ નરી આંખે જોઈ શકાય તેવી પરંતુ સામાન્ય માખી કરતા કદમાં ચાર ગણી નાની હોય છે. આ માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર ભેજવાળા વાતાવરણમાંરહે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને કાચા ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો કે નાના છિડ્રોમાં રહે છે. સેન્ડફ્લાય ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગના ફેલાવા માટે જવાબદાર છે.

Comments