Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ સરહદે કાદવમાં ખૂંપી જતા બીએસએફના આસી. કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલ શહીદ

20 July



લખપત તાલુકામાં અટ્ટપટ્ટી ક્રીક પાસે ગઈકાલે છ જવાનો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન કાદવમાં ફસાઈ જતા તરસના કારણે બનાવ બન્યાનું પ્રાથમિક તારણ : બે જવાનોના મોત થતા સુરક્ષા દળોમાં શોકનું મોજુ



ભુજ : કચ્છ સરહદે વિકટ પરિસ્થિતિમાં દેશના સુરક્ષા જવાનો ફરજ બજાવે છે. હાલની ચોમાસાની સીઝનમાં લખપત તાલુકામાં આવેલા ક્રીક વિસ્તારમાં કાદવમાં ઘૂંટણ સુધી જઈ જવાનો પેટ્રોલીંગ કરતા હોય છે જેમાં ઘણી વખત સાપ, કાચીંડા સહિતના જીવ જંતુઓ કરડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તે વચ્ચે ગઈકાલે કાદવમાં ફસાઈ જવાના કારણે બે જવાનોના મોત થતા સમગ્ર જિલ્લાના સુરક્ષાદળોમાં અરેરાટી સાથે શોકનું લખલખું પ્રસરી ગયું છે. આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ બીએસએફની ૧૧૩૬ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા જવાનો પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ગઈકાલે સવારે તેઓ પેટ્રોલીંગમા નિકળ્યા હતા અને બપોરે પરત આવતી વખતે ચાર વાગ્યા આસપાસ ઘટનાની જાણ થઈ હતી. છ જેટલા જવાનો અટ્ટપટ્ટી ક્રીકમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. જેમાં પરત આવતી વખતે ત્રણ  ચાર જવાનોના પગ કાદવમાં ખૂંપી ગયા, અન્ય સાથી જવાનોએ તેઓને બહાર કાઢવાની કોશિષ કરી પરંતુ અનેક પ્રયત્નો છતાં સફળતા ન મળી. હાજર રહેલું પાણી ખુટી પડયું જેમાં જવાનો બેહોશ થઈ ગયા હતા. અત્યંત બફારા અને ગરમીની પરિસ્થિતિમાં ઉપરી અધિકારીને જાણ થતા અન્ય જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક ઉપચાર આપી ખાવડા સીએચસીમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં બે જવાનોના મોત થયાનું સામે આવ્યું હતું.  આ અંગે જી.કે. જનરલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મુળ બિહારના હાલે બોર્ડર આઉટ પોસ્ટ પીલ્લર નંબર ૧૧૩૬માં આસીસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા બિશ્વાદેવા રમણનાથ ઝા અને ઉત્તરાખંડના હાલે બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૪૯ વર્ષિય દયાલરામ બસ્તનરામનું આ ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. ગઈકાલે રાત્રે ત્રણ કલાકે હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આજે સવારે પીએમ સહિતની ગતિવિધિ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી હતી, જેને પગલે હોસ્પિટલમાં બીઅસએફના ઉચ્ચાધિકારીઓ પહોંચી આવ્યા હતા. સંભવતઃ કચ્છમાં આ પ્રમાણે પ્રથમ ઘટના બની છે. જેના કારણે સુરક્ષા વર્તુળોમાં શોક વ્યાપી ગયો છે.

Comments

COMMENT / REPLY FROM