ખારોઈમાં ૪.૪૮ લાખની લૂંટ થઈ, પોણા ચાર લાખનો મુદ્દામાલ પરત આપી દીધો !
ગામના જ મહિલા સહિત ત્રણ જણાએ રોકડા ૭૩ હજાર પરત ન આપતા ફરિયાદ
ભચાઉ : તાલુકાના ખારોઈ ગામે પટેલ વાસની પાછળના ઘરમાં લૂંટ થઈ હતી. જો કે ગામના જ આરોપીઓ હોતા મુદ્દામાલ પરત મળ્યો હતો. જો કે રોકડા ૭૩ હજાર પરત ન મળતા ફરિયાદ કરવામાં આવી છે. ગત ૧૬ જુલાઈના રાતના એક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આરોપી નિકુલ અમરશી કોલીએ રાતના એક વાગ્યે ઘરમાં પ્રવેશ કરીને અન્ય આરોપી ઉર્મિલા કિરણ કોલી સાથે મળીને ફરિયાદીના ઘરમાં પીપડામાંથી સોના - ચાંદીના ર,૬૮,પ૦૦ ના દાગીના તેમજ રોકડા રૂા. ૧.૮૦ લાખ મળી ૪,૪૮,પ૦૦ નો મુદ્દામાલ લૂંટી લીધો હતો. ફરિયાદીને છરી બતાવી આ લૂંટ કરવામાં આવી હતી. આ બન્ને જણાને ભગાડવામાં ગામના જ મહાદેવ મેરામણ કોલીએ મદદગારી કરી હતી. જો કે સમાજના આગેવાનોએ સમજુતી કરાવતા તમામ દાગીના અને રોકડા પૈકી ૧.૦૭ લાખ પરત મળી ગયા હતા. જો કે બાકીના ૭૩ હજાર પરત ન મળતા ભચાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી.
............
ટોળાએ હુમલો કરી ર૦ લાખનું નુકશાન પહોંચાડયાની વળતી ફરિયાદ
દરમ્યાન મહાદેવ મેરામણભાઈ કોલીએ ભચાઉ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ તથા તેમની સાથે ર૦ થી રપ અજાણ્યા ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવીને પોતાનો હેતુ પાર પાડવા માટે ધોકા, ધારીયા, કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદીનો ભત્રીજો નિકુલ આરોપીના ઘરની સ્ત્રીને ભગાડી ગયો હોવા બાબતે મનદુઃખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીના ગોડાઉનમાં આગ લગાવી ધોકા, ધારીયા અને કુહાડી વડે ફરિયાદી તથા તેના ભાઈઓના મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ર૦ લાખનું નુકશાન થયું હતું. તેમજ ફરિયાદીના ભાઈ અરજણભાઈને આરોપી નરશીભાઈ રામસીભાઈ કોલીએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી નારાણભાઈ રામસીભાઈ કોલી, નરશીભાઈ રામસીભાઈ કોલી, રાહુલભાઈ નારાણભાઈ કોલી, કિરણભાઈ નારાણભાઈ કોલી તથા તેની સાથેના અજાણ્યા માણસો સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પીએસઆઈ કે. બી. તરારે આગળની તપાસ હાથ ધરી છે.

Comments