કચ્છના ધોરીમાર્ગો બન્યા ખખડધજ : મસમોટા ખાડાઓ નોતરી રહ્યા છે અકસ્માતોની વણઝાર
સામાન્ય વરસાદમાં રસ્તાઓ પરથી ડામર નહીં માર્ગ-મકાન વિભાગનો ભ્રષ્ટાચાર ઉખડયો
હાજીપીર, ખારીનદી, ધોળાવીરા અને લેર પાસે અકસ્માતમાં ઘવાયેલા લોકોને સારવાર માટે જી.કે.માં લઈ જવાયા
ભુજ : હજુ તો કચ્છમાં મન મુકીને મેઘો વરસ્યો નથી. હાલના દિવસોમાં મેઘરાજાએ માત્ર કચ્છને પલાળ્યો છે તેવામાં રસ્તાઓ નહીં પણ માર્ગ અને મકાન વિભાગે રસ્તા બનાવવામાં કોન્ટ્રાકટરો સાથે કરેલી મીલીભગત અને ખાયકી ધોવાઈ ગઈ હોય તેમ ઠેકઠેકાણે રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે. આ માત્ર ખાડા નહીં પરંતુ વાહન ચાલકો માટે જીવતું મોત છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ખાડાઓના કારણે થયેલા અકસ્માતની ચાર ઘટનાઓ સામે આવી છે, જે ખરેખર તંત્ર માટે નાલેશીરૂપ ઘટના છે. ભુજ તાલુકાના લેર ગામ પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે ભુજ તરફ આવતા માર્ગે અકસ્માતનો બનાવ બન્યો હતો. આદીપુરના ગીરીશ શશાંક વર્મા નામના ર૦ વર્ષિય યુવાન પોતાની બાઈક લઈને જતા હતા એ દરમ્યાન સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકને જોઈ બાઈકને સાઈડમાં લેતી વખતે કાબુ ગુમાવતા રસ્તામાં પડેલા મોટા ખાડામાં બાઈક આવી જતા પડી જવાના કારણે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. ૧૦૮ મારફતે આ યુવાનને સારવાર માટે સવારે અગિયાર કલાકે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજા વધુ હોવાથી પોણા પાંચ તેને અમદાવાદ સીવીલમાં રીફર કરવામાં આવ્યો હતો. જયારે ભુજમાં ખારીનદી રોડ પાસે તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા ઠેકઠેકાણે ગટરલાઈન માટે ખાડા ખોદી દેવામાં આવ્યા છે. અગાઉ અહીં અનેક વાહનો ફસાઈ ગયા હતા. તેમજ રસ્તો ન બનતા ચીકણી માટી રોડ પર આવી જતા વાહનો સ્લીપ થવાની ઘટના બની રહી છે. તેવામાં ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં ટાટા સર્વિસ સ્ટેશનની બાજુમાં સ્મશાન ચાર રસ્તા પાસે અકસ્માત થયો હતો. આગળ જતી કારના ચાલકે ખરાબ રસ્તાના કારણે બ્રેક મારતા પાછળથી આવતી ઈકો ગાડી ઘૂસી જતા ગાડીમાં એરબેગ ખુલી હતી. જે સીધી મહિલાના મોઢા પર વાગતા ઈજાઓ થઈ હતી. ગણેશનગરમાં રહેતા ઉર્મિલાબેન નવીનભાઈને ઈજાઓ થતા તેને જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા. આ તરફ હાજીપીર પાસે અંજારના ગંગારામ ચેતનરામ ચૌધરી ટ્રક નંબર જી.જે.૩૯ ટી ૩૯ર૬ લઈને જતા હતા ત્યારે રસ્તામાં મોટો ખાડો આવતા અચાનક બ્રેક મારતા પીઠના ભાગે આંચકો આવતા ઈજાઓ થઈ હતી. જેથી આ ડ્રાઈવરને સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ખાવડાથી ધોળાવીરા જતા માર્ગે રોડ ટુ હેવન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોઈ દુર દુરથી અહીં રોડ ટુ હેવનનો નજારો માણવા પ્રવાસીઓ આવતા હોય છે. ઉતર પ્રદેશના મેઈનપુરીથી અવનીશ રામપાલ યાદવ, શીવાંશુ મનુબિહારી સહિતના મિત્રો કચ્છ આવ્યા હતા. ત્રણ મિત્રો કાર નંબર ર૩ બીએચ ૭૧ર૪ બી લઈને આ રસ્તા પર પસાર થતા હતા ત્યારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં ધોળાવીરા પાસે ખરાબ રસ્તાના કારણે તેમની ફોર વ્હીલર પલ્ટી મારી જતા અવનીશને ઈજાઓ થતા જી.કે.માં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ એવી છે જેમાં ઘાયલો જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયા છે. પરંતુ સ્થાનીક સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી હોય અથવા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયા હોય, ઘરે ઉપચાર કર્યો હોય તેવા અકસ્માતના બનાવોની કોઈ નોંધ નથી. કચ્છમાં હાલે એક પણ રસ્તો નથી જયાં ખાડા ન હોય. જેમ વરસાદ પૂર્વે દેડકાઓ બહાર આવી ડ્રાંઉ ડ્રાંઉ કરે તેમ હવે ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ખાડા પડે તો જ જાણે વર્ષાઋતુનું આગમન થયું હોય તેવું મનોમન માર્ગ અને મકાન વિભાગે નક્કી કરી લીધું છે. જો સરકાર રસ્તા બનાવવા માટે અબજો રૂપિયા ખર્ચો કરતી હોય તો સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાય કેમ ? હલકી ગુણવતાનો સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેના કારણે ડામર ગણતરીના વરસાદમાં ઉખડીને વરસાદી પાણી સાથે વહી જાય છે. આ કાંકરી નથી વહેતી પરંતુ તંત્રનો વ્યાપક ભ્રષ્ટાચાર ધોવાય છે. વરસાદ પછી રસ્તા રિસર્ફેસીંગના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. વળી આવતા વર્ષે વરસાદ પડે એટલે પરિસ્થિતિ જેમ હતી તેમ. ખરેખર રાજયમાં દુઘર્ટનાઓ પછી સરકાર તપાસના આદેશ આપે છે. ખરેખર માર્ગ અને મકાન વિભાગ કેવી રીતે કોન્ટ્રાકટરો પાસે રસ્તા બનાવે છે તેમાં પણ સીએમઓ કાર્યાલયમાંથી તપાસના આદેશ આપી કવોલીટી ચકાસણી કરાવવી જોઈએ તો જ લોકોની સુરક્ષા જળવાશે અન્યથા ઓવરલોડ પરિવહનના કારણે રૂદ્રમાતા બ્રીજ, વેકરીયાના રણ પાસે વર્ષમાં બીજી વખત બ્રીજમાં ગાબડું પડયું તેમ અન્ય રસ્તાઓ પણ તંત્રના ભ્રષ્ટાચાર સામે હથિયાર હેઠા મુકી પોતાનામાં ગાબડું પાડી લે તો નવાઈ નહીં.

Comments