Trending News
સ્થાનિક સમાચાર

ભુજોડી ઓવરબ્રિજ પરથી ભારે ભરખમ ટ્રક ધબાય નમઃ

17 July



રેલીંગ તોડીને મધરાત્રે બે વાગ્યે ટ્રક નીચે ખાબકીઃ રાતનો સમય હોવાથી મોટી જાનહાની ટળી : ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જી.કે.માં લઈ જવાયો : હાલમાં રેલીંગ તુટેલી હોવાથી ભુજોડી બ્રિજ પર વાહન પસાર કરવા જીવના જોખમ સમાન


ભુજ : ભુજોડી ઓવરબ્રિજ જયારથી બનવાની શરૂઆત થઈ છે, ત્યારથી વિવાદમાં રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સમય કોઈ બ્રિજનું કામ ચાલ્યું હોય તો તે ભુજોડી બ્રિજ છે. કચ્છમાં બનતા બ્રીજમાં ઈજનેરી કૌશલ્ય જળવાતું નથી જેનો આ જીવંત દાખલો છે. ભુજોડી બ્રિજ બન્યા પછી એકબાજુ સાઈડ બેસી ગઈ છે. ગાંધીધામમાં પણ ટાગોર રોડ પર બ્રિજ ઉતરતા જ સિગ્નલ હોવાના કારણે ટ્રાફિકજામ સાથે અકસ્માતમાં તાજેતરમાં એક યુવાનને જીવ ગુમાવવો પડયો હતો. ગઈકાલે રાત્રે ભુજ તરફથી આવતી ટ્રક ભુજોડી બ્રિજ ચડી અને અધવચ્ચે પહોંચતા ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ઘસડાઈને રેલીંગ તોડીને નીચે ખાબકી હતી. જેમાં ટ્રકના ભૂક્કા બોલી જવા સાથે નીચે આવેલી દુકાનમાં પણ વ્યાપક નુકશાન થયું હતું. આ બનાવમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે જી.કે.માં લઈ જવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તરફ આવતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવ્યો હતો, અને બ્રીજ પરથી નીચે પટકાતા ધડામ દઈને અવાજ આવ્યો હતો. આખે આખી ટ્રક ઉંધી પલ્ટી મારી ગઈ હતી. નીચે આવેલી જય બજરંગ નામની દુકાનના પતરા તુટી  જવા સાથે દિવાલો પડી ગઈ હતી. ટ્રકના સ્પેર પાર્ટ પણ વિખેરાઈ ગયા હતા. બે ટાયર તો બ્રિજની દિવાલ પર જ લટકી ગયા હતા. અકસ્માત બાદ ટ્રકની ટાંકી તુટી જતા ડીઝલ ઢોળાઈ જતા નીચે ઈંધણનું ખાબોચીયું ભરાઈ ગયું હતું. 
આજે સવારે લોકો ભેગા થઈ ગયા અને ઉપરથી ટ્રકનો નજારો જોતા હતા. જો કે તે જોખમી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે બ્રિજ ચડતી વખતે એકદમ વચ્ચે રેલીંગ સાવ તુટી ગઈ છે. હાલમાં વરસાદી માહોલ છે. વરસાદ સાથે પવન ફુંકાઈ રહ્યો છે. ન કરે નારાયણ ખાલી સાઈડમાં કોઈ વાહન ચાલક બાઈક ચલાવતો હોય અને પવનના જોકા સાથે નીચે પટકાય તો દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. તેમજ પુલ પર ઓવર ટેક કરતી વખતે ગાડીનું એક ટાયર નીચે ઉતરી આવે તો પણ દુર્ઘટના થાય તેવી ભીતિ સ્થાનીકે ઉભેલા લોકો વ્યકત કરી રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે અહીં મજબુત રેલીંગ લગાવવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી. અન્યથા અકસ્માત થાય તો જવાબદાર તંત્ર અને પોલીસ રહેશે તેવું પણ લોકોએ 
જણાવ્યું હતું.




..........


તંત્રની ઘોર બેદરકારી : હાઈટ મુજબ રેલીંગ અયોગ્ય


ઓવરબ્રીજના રોડની પેટર્ન અને રેલીંગની ઉંચાઈને જોતા અકસ્માતની ભીતિ સાચી ઠરી : બ્રિજ શરૂ 
થયા પૂર્વે તંત્રને કરેલી રજુઆત ધ્યાને ન લેવાઈ : રાજેશ આહિર (પૂર્વ સભ્ય, ભુજ તા.પં.)


ભુજ : ગત રાત્રીએ ભુજોડી ઓવરબ્રીજ પરથી ટ્રક નીચે ખાબકી હતી. મોડી રાત્રે ર વાગ્યાના અરસામાં સર્જાયેલા આ અકસ્માતમાં સદ્‌નસીબે જાનહાની ટળી હતી, પરંતુ ભુજોડી ઓવરબ્રિજ પરના રોડની ઉંચી પેટર્ન અને રેલીંગની હાઈટને જોતા આ સ્થળે અકસ્માત સર્જાવાની ભીતિ સાચી ઠરી છે, તેવું બનાવ સ્થળે પહોંચી આવેલા ભુજ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય રાજેશભાઈ આહિરે જણાવ્યું હતું.ભુજોડી ઓવરબ્રીજના રોડની પેટર્ન ઉંધી હોવાથી આ રસ્તા પરથી પસાર થતા વાહનો એક તરફ ખેંચાતા હોય છે. ઓવરબ્રીજ પર હાઈટના હિસાબે રેલીંગ તદ્‌ન નીચી હોવાથી બાઈકને પણ નીચે પટકાતા અટકાવી શકે તેમ નથી. ખરેખર મોટા ઓવરબ્રિજ પર આરસીસી રેલીંગ હોવી જરૂરી છે પરંતુ ભુજોડી ઓવરબ્રીજ પર જોગવાઈ અનુસાર રેલીંગ બનાવવામાં આવી નથી. ઓવરબ્રીજ શરૂ થતા પૂર્વે જ અનેકવખત જવાબદાર તંત્રનું આ દિશામાં ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં તંત્રની લાપરવાહીના કારણે કોઈ સુધાર કરવામાં આવ્યો નથી. ગત મધરાત્રીએ ટ્રક નીચે પટકાઈ હતી ત્યારે રાત્રીનો સમય હોવાથી નીચે આવેલી હોટલ પર લોકો ન હતા. જો દિવસના ભાગે આવો કોઈ પણ અકસ્માત સર્જાય તો મોટી જાનહાની થવાની સંભાવના છે. તંત્ર દ્વારા ઓવરબ્રિજ પર નિયમોનુસાર રેલીંગ બનાવવામાં આવે તે જરૂરી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM