Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ પાટીયા પાસે સરકારી ડીએપી ખાતરની હેરાફેરી પકડાઈ

17 July




ઈફકોના ડીએપી ખાતરની ર૩૧ બોરી કિંમત રૂા. ૬.૮૯ લાખનો મુદ્દામાલ રેન્જની પોલીસે કબજે કર્યો : જિલ્લામાં વાવણી સમયે ખાતરની અછત વચ્ચે ખેતીવાડી વિભાગ અને પૂર્વ - પશ્ચિમ કચ્છ પોલીસ ઉંઘતી ઝડપાતા વડી કચેરીને કાર્યવાહી કરવી પડી




ગાંધીધામ : કચ્છમાં અવારનવાર સરકારી ખાતરની ગેરકાયદે હેરાફેરી સામે આવતી રહી છે. અગાઉ માંડવીના ધુણઈ ખાતે મોટા પાયે કૌભાંડ ઝડપાયું હતું. જેમાં સરકારી ખાતરની બોરીઓમાંથી માલ કાઢી લઈ અન્ય બોરીઓમાં ભરી વેંચાણ કરવામાં આવતું હતું. જે બાદ તાજેતરમાં મુંદરાના ગોડાઉનમાં ગેરકાયદે રીતે યુરીયા ખાતરના વપરાશ મામલે ગાંધીધામની કંપનીના જવાબદારો સામે બે વર્ષ બાદ ખેતીવાડી વિભાગે ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય પણ અવારનવાર ખેડુતો સુધી સરકારી ખાતર પહોંચતું નથી. જેના કારણે સીઝનમાં ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે, ત્યારે રેન્જ પોલીસે કાર્યવાહી કરી સરકારી ડીએપી ખાતરની હેરાફેરી પકડી છે. રેન્જ આઈજી ચીરાગ કોરડીયાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય. કે. ગોહિલને મળેલી બાતમી આધારે સામખિયાળી - રાધનપુર હાઈવે પર આધોઈ પાટીયા ખાતે આવેલી ભારત હોટલ ઉભેલી ટાટા કંપનીની ટ્રક નંબર જી.જે.૦૮ એ ડબલ્યુ ૩૬૭૬ માં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના ભારત ડીએપી ઈફકો લખેલ સરકારી ખાતરના ર૩૧ બાચકા મળી આવ્યા હતા. જેની કિંમત રૂા. ૬,૮૮,૮૪ર આંકવામાં આવી છે. આધાર - પુરાવા માંગતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઈદપુરા ગામનો ડ્રાઈવર ધોનાભાઈ વશરામભાઈ ભરવાડ રજુ કરી શકયો ન હતો. જેથી શક પડતા મુદ્દામાલ તરીકે ખાતરનો જથ્થો કબજે કરી લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધ દાખલ કરવામાં આવી છે. ખરેખર જો સરકારી ખાતરની ગેરકાયદે હેરફેર થતી હોય તો જવાબદાર એવા ખેતીવાડી વિભાગ સામે જ પગલા લેવા જોઈએ. કારણ કે સરકાર તો ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ બનાવે છે પરંતુ ખેતીવાડી વિભાગના પાપે ભ્રષ્ટાચારીઓને ચાર પાંખ આવી જતા ખેડૂતોનો ખો નિકળી રહ્યો છે. સરકાર ખુદ ખેડૂતોને રાહત ભાવે ડીએપી ખાતર આપે છે પરંતુ ભ્રષ્ટ બાબુઓના પાપે ફાટીને ફુલેકે ચડેલા કાળા બજારીઓ ગેરકાયદે રીતે માલની હેરફેર કરતા હોવાથી વાવણી સમયે જ ખેડૂતોને પુરતું ખાતર મળતું નથી. દિવસ - રાત લાઈનમાં ઉભા રહેવું પડે છે. ખુદ કૃષિ મંત્રી સુધી રજુઆતો કરવા છતાં કોઈ ફળશ્રુતિ પ્રાપ્ત થઈ નથી. પરિણામે ના છૂટકે મોંઘા ભાવનું ખાતર ખરીદવું પડે છે. તંત્રની આવી નીતિના કારણે ઘણા ખેડૂતોને પરંપરાગત ધંધો મુકવાની નોબત પણ આવી રહી છે. એકતરફ મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા આપે છે પરંતુ ખેતીવાડી વિભાગના પાપે આવક બમણી થવાના બદલે અડધી થઈ રહી છે. ત્યારે આવા લેભાગુઓને ખુલ્લા પાડવા જરૂરી બની ગયા છે. આ કાર્યવાહીમાં જિલ્લા પોલીસ અને ખેતીવાડી વિભાગ ઉંઘતા ઝડપાયા છે.




..................


કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયાની ટીમનો સપાટો



સરકારી ખાતર-ડીએપીના જથ્થાની ગેરકાયદેસર હેરાફેરી કરનામાનો પર્દાફાશ : સરકારી ખાતર ચાંઉ કરનારાઓમાં ફેલાયો ફફડાટ





ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રી ચિરાગ કોરડીયાની ટીમ દ્વારા સરકારી ખાતરની કાળા બજારી કરનારાઓ પર રીતસરનો સપાટો જ બોલાવી દીધો હોય તેમ ડીએપી ખાતર-સરકારી ખાતર કે જે સબસીડીયુકત ભાવે વેંચાણ કરવામાં આવતુ હોય છે તેની ગેરકાયદેસર હેરફેરના કારનામાના કડીરૂપ કિસ્સાઓનો તેઓની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. શ્રી કોરડીયાના સીધા જ માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ દ્વારા કરવામા આવેલી કડક કાર્યવાહીના પગલે અહીના સરકારી રાશનની કાળાબજારી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યુ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM