ગળપાદરના આર્મીકેમ્પમાં પરમીશન વિના શખ્સ ઘુસી જતા દોડધા
આર્મી દ્વારા શખ્સને પકડી એ ડિવિઝન પોલીસને હવાલે કરાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છના ગળપાદર ખાતે આવેલા આર્મીના કેમ્પમાં ગેરકાયદે રીતે શખ્સ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી. આર્મી દ્વારા આ શખ્સને પકડીને એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગળપાદર ખાતે ૭૯ રેજીમેન્ટ ઈન્ડિયન આર્મી કેમ્પ આવેલો છે, જયાં ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં એક શખ્સ પ્રતિબંધિત એરીયામાં ઘૂસતો હોવાનું ધ્યાને આવ્યું હતું. હાજર આર્મીના જવાનોએ તાત્કાલિક તેને દબોચી લીધો હતો. જેની પુછપરછ કરવામાં આવી હતી. ગેરકાયદે રીતે પ્રતિબંધિત એરીયામાં પરમીશના વિના ઘૂસી જતા આ શખ્સને પકડીને એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. શકમંદનું નામ રાજેશ મહગુ પાસવાન હોવાનું સામે આવ્યું છે. તે કયા કારણોસર પ્રતિબંધિત એરીયામાં ઘૂસ્યો ? કયો ઈરાદો હતો ? પરપ્રાંતિય હોવા છતાં અહીં કેમ ઘૂસી આવ્યો તે સહિતની બાબતોએ આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. અત્રે મહત્વનું છે કે, ભૂતકાળમાં અહીં રોજગારીના નામે એક શખ્સ ઘૂસી આવ્યો હતો. તે પૂર્વે પણ ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો.
ભુજમાં સુરક્ષા દળમાં ફરજ બજાવતો યુવાન પાકિસ્તાન સાથે માહિતી શેર કરતો હોવાનો પણ અગાઉ ભાંડાફોડ થઈ ચુકયો છે. સરહદી જિલ્લામાં આર્મી કેમ્પસ સુધી આ પ્રમાણેની ઘૂસણખોરી ચિંતાજનક માનવામાં આવે છે.

Comments