કુંભારીયા ગામે લોકોની દવા કરતો મોરબીનો બોગસ ડોકટર પકડાયો
વાગડમાં પોલીસ દ્વારા બોગસ ઉંટવૈધોને ઝડપી લેવામાં આવે છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ચર્ચાઓ તેજ
ભચાઉ : વાગડ વિસ્તારમાં સરકારી રાહે આરોગ્ય સેવાની ઉણપ છે. તેમજ ખાનગી દવાખાનાઓ પણ સીમીત માત્રામાં છે. આવા સંજોગોમાં અહીંના પરપ્રાંતિય નાગરીકો અને છેવાડાના અશિક્ષિત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા ઠેકઠેકાણે બોગસ ડોકટરો હાટડા જમાવીને બેઠા છે. ફરિયાદના આધારે એસઓજીએ કુંભારીયામાંથી બોગસ ડોકટરને ઝડપી લીધો છે.
ગાગોદર પોલીસમાંથી મળેલી માહિતી મુજબ કુંભારીયા ગામે કુંભારીયાથી મેવાસા જતા રોડ પર આવેલા કાના અરજણ વરીયાના ભાડાના મકાનમાં ગેરકાયદે રીતે ડોકટરની ડીગ્રી વગર દવાખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં મુળ મોરબી તાલુકાના રફાડેશ્વરના આંબેડરનગરનો અને હાલે રાપરના કુંભારીયા ગામે ક્રિષ્નાનગરમાં રહેતો જયેશ હીરાભાઈ ગોહિલ મળી આવ્યો હતો. જેની પાસે ડોકટરની ડીગ્રી માંગતા મળી આવી નહોતી. ગેરકાયદે રીતે ભાડાના મકાનમાં દવાખાનું ચલાવી કોઈ પણ પ્રકારની ડિગ્રી સાથે ન રાખી પ્રેકટિસ એલોપેથીક દવાઓને મેડીકલ સાધનો કિંમત રૂા. ર૭,૮૮૭ વસાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સંદર્ભે ગાગોદર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અત્રે મહત્વનું છે કે, વાગડ વિસ્તારમાં અવારનવાર પોલીસ દ્વારા બોગસ ડોકટરોને પકડી લેવામાં આવે છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે ચર્ચાનો વિષય છે.

Comments