અમદાવાદથી ભુજ આવતા સરકારી કર્મચારીને સાથી મુસાફર બિસ્કીટ ખવડાવી ૧.૬પ લાખની ચેઈન ઝુંટવી ગયો
ભુજ : બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણી આસ પડોશમાં બેઠેલા મુસાફર દ્વારા કોઈ વસ્તુ ખાવા માટે અપાય તો ન લેવી જોઈએ, તેવા પોસ્ટરો ખુદ પોલીસ અને તંત્ર દ્વારા લગાવવામાં આવે છે. સામાન્ય લોકોએ તેની અવશ્ય કાળજી પણ રાખવી જોઈએ. પરંતુ કચ્છમાં સરકારી કર્મચારી અમદાવાદથી ભુજ આવતી વખતે સાથી મુસાફરે આપેલું બિસ્કીટ ખાઈ જતા ૧.૬પ લાખની ચેઈન ગુમાવવાનો વારો આવ્યો હતો.
અબડાસામાં આવેલી સાંધવ ગામની પ્રાથમિક શાળામાં સીઆરસી તરીકે નોકરી કરતા હાર્દિકગીરી કિશોરગીરી ગોસ્વામી ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ૪ જુલાઈના તે અમદાવાદ ઈસ્કોન ક્રોસ રોડ પરથી ગુજરાત ટ્રાવેલ્સમાં ભુજ આવવા માટે નિકળ્યા હતા. બસમાં ડબ્બલના સોફામાં તેઓ બેઠા અને તેમની બાજુમાં સીટ પર અજાણ્યો ઈસમ બેઠો હતો. તેણે થોડીવાર રહીનેબિસ્કીટનો ડબ્બો લાંબો કરીને કહ્યું કે, બિસ્કીટ ખાઓ.. જેથી એક બિસ્કીટ ખાઈને તેઓ સુઈ ગયા. સવારે આરટીઓ સર્કલ પાસે કંડકટરે ઉઠાળતા ગળામાં પહેરેલી સોનાની ચેઈન જોવા ન મળી તેમજ તબીયત પણ બરાબર લાગતી ન હતી. અર્ધ બેભાન હાલતમાં રીક્ષામાં બેસી સ્વામિનારાયણ મંદિરે આવી કમ્પાઉન્ડમાં બે કલાક ચક્કર માર્યા બાદમાં ઘનશ્યામનગરમાં આવેલી કાજાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા, ભાનમાં આવ્યા બાદ મિત્રના ઘરે આરામ ધરી ૬ જુલાઈના પરત સારવાર માટે અમદાવાદ ગયા, તબિયત બરાબર થતા અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. તેઓએ ફરિયાદ ભુજમાં નોંધાવવા સમજ આપતા બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથી મુસાફરે બિસ્કીટ ખવડાવી ગળામાં પહેરેલી ર૬.૮૧૬ ગ્રામની સોનાની ચેઈન કિંમત રૂા. ૧,૬પ,ર૦૦ વાળી ચોરી લીધી હોવાની હકિકતો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

Comments