Trending News
સ્થાનિક સમાચાર

ચાંદીપુરા વાયરસ : કચ્છનું આરોગ્ય તંત્ર સતર્ક

15 July






આગામી સપ્તાહે જિલ્લા આરોગ્ય તંત્ર અને ઈન્ડિયન એસોસીએશન ઓફ પીડિયાટ્રીશીયનની મળશે બેઠક : ચાંદીપુરા વાયરસ અંગે માહિતીનું કરાશે આદાન - પ્રદાન : જિલ્લામાં ફીવરનો સર્વે કરતા ફિલ્ડ સ્ટાફને અપાઈ જરૂરી સુચનાઓ : 



ડો.આર.આર.ફુલમાલી (અધિક જિલ્લા આરોગ્ય અધિકારી)
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત : ૧૪ વર્ષથી ઓછી વયના બાળકો બને છે વાયરસનો શિકાર






ભુજ : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસમાં સંક્રમણથી ચાર બાળકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. નવા વાયરસને લઈ રાજયના અનેક જિલ્લાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરહદી કચ્છ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવી રહ્યું છે. ૧૪ વર્ષથી ઓછી વયના બાળકોને શિકાર બનાવતા વાયરસ અંગે ઉપલબ્ધ માહિતીનું આદાન પ્રદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્ર અને ઈન્ડિયન એસોસીએશન ઓફ પીડિયાટ્રીશીયનની એક મહત્વપૂર્ણ બેઠક આગામી સપ્તાહે યોજાશે. 
આ અંગેની વિગતો મુજબ રાજયમાં ચાંદીપુરા વાયરસના પગપેસારાથી ફફડાટ ફેલાઈ ગયો છે. જન્મથી ૧૪ વર્ષ સુધીના બાળકોને સંક્રમીત કરતા આ વાયરસથી સાબરકાંઠા જિલ્લાના ચાર બાળકોના મોત થયા છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં પણ આ વાયરસના કેસ જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ્લ ૬ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. નવા વાયરસને લઈને રાજયના અનેક જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં હાલે 
કોઈ ચિંતાજનક સ્થિતિ નથી તેમ છતાં તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા દાખવાઈ રહી છે. 
આ બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર. ફુલમાલીએ કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસથી ચાર બાળકોના મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર આ બાબતે જરૂરી સતર્કતા રાખી રહ્યું છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા હાલ સર્વે માટે કોઈ સુચના આપવામાં આવી નથી તેમ છતાં સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ આગામી સપ્તાહે જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લામાં પ્રેકટીસ કરતા પ્રીડીયાટીશીયનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક (સીએમઈ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંદીપુરા વાયરસને લઈ માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત હાલે ચોમાસુ સીઝન દરમ્યાન ફીવરની સર્વે કામગીરીમાં જોતરાયેલા ફિલ્ડ સ્ટાફને પણ જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. ફીવરની સાથે બાળકોમાં ખેંચ, મગજનો તાવ વગેરે જેવા લક્ષણો દેખાય તો આવા કિસ્સામાં જરૂરી પગલાં લેવા સુચના આપવામાં આવી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા નામનો નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ ૧૯૬૫માં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આ વાયરસના કેસો જોવા મળ્યા છે. કચ્છ જિલ્લામાં હાલની સ્થિતિએ ચાંદીપુરા વાયરસનો કોઈ જ સંક્રમીત કેસ નોંધાયો નથી. જિલ્લા આરોગ્ય તંત્ર રાજયની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. 



...................


ક્યાંથી આવ્યો આ વાયરસ..?


આ વાયરસની ઓળખ ૧૯૬૬માં નાગપુરના ચાંદીપુર ગામમાં થઈ હતી. ૨૦૦૪-૦૬ અને ૨૦૧૯માં આંધ્રપ્રદેશ-ગુજરાતમાં વાયરસ નોંધાયો હતો. ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે. આ વાયરસ મોટેભાગે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં એડીસ મોટે ભાગે આ માટે જવાબદાર છે. ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનો સૌથી મોટો ભોગ બને છે અને તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.



શું તકેદારી રાખવી?


આજથી ૧૪ વર્ષ પહેલા ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે ૧૭ લોકોનો જીવ લીધો હતો. આ વાઇરલ એન્સે ફિલાઇટીસ નામનો તાવ સેન્ડફ્લાયના કારણે આવે છે. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ.
-


શું છે ચાંદીપુરા વાયરસ ?



• વાયરસના ચેપથી માઇક્રોગ્લિયલ કોષોમાં આરએનએ-૨૧ની 
   સંખ્યા વધવા લાગે છે
• તેનાથી સાયટોકાઇન્સની પ્રવૃત્તિમાં વધારો થાય છે
• જેના કારણે મગજમાં સોજો આવે છે
• તાવ, ઉલ્ટી, ખંચ અને ઘણી માનસિક બીમારીઓ થાય છે
• દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે
• જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે
• આ વાયરસ જીવલેણ પણ છે
• મોટાભાગે નાના બાળકોમાં વધુ દેખાય છે


 

Comments

COMMENT / REPLY FROM