Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની સરકારી કચેરીઓમાં ‘ભ્રષ્ટાચાર’ જ બન્યો ‘શિષ્ટાચાર’

14 July



ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજની પરિકલ્પનાનો કચ્છમાં ઉડ્યો છેદ : જિલ્લામાં અરજદારોના વહીવટી-મહેસૂલી કે અન્ય સરકારીકામો ‘પ્રસાદી’ વગર થતા ન હોવાની ઉઠી બૂમરાળ 


ફાઈલ પર ‘વજન’ મુકવામાં ન આવે તો આગળ ધપતી નથી : કામના પ્રકાર પ્રમાણે સરકારી કચેરીઓમાં પ્રસાદીના ભાવ ફિક્સ : અમુક ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓના કરતૂતોથી સમગ્ર સરકારી તંત્ર થઈ રહ્યું છે બદનામ 


સામાન્ય પ્રજાજનો જ નહી પરંતુ સતા પક્ષના કાર્યકરો પણ સરકારી વિભાગના થયા કડવા અનુભવ : કેસરિયા બિગ્રેડના લોકોને ગાંઠતા સરકારી પગારદારો સામે સામાન્ય કચ્છીજનોનું ઉપજે શું ? વેધક સવાલ : અમુક રાજકીય અગ્રણી પોતાની ઓળખ પણ છુપાવીને ફાઈલ આગળ ધપાવે


સરકારી કચેરીમાં કોઈપણ કામની ચોક્કસ સમયમર્યાદા થઈ છે નિર્ધારિત પણ, જિલ્લામાં તેની ભાગ્યે જ થાય છે અમલવારી : પ્રસાદી ધરવામાં આનાકાની કરનાર અરજદારની અરજી યેનકેન પ્રકારે દેવાય છે અટકાવી : જિલ્લાના ભ્રષ્ટ સરકારી તંત્ર ગરીબ કે તવંગરના કોઈ ભેદ વગર દરેક અરજદારને એક સમાન કરાય છે ટ્રીટ : એસીબી આવા અરજદારો ન્યાય અપાવવા પણ ઊંડી ઉતરતી નથી ? 


ભુજ : ભય, ભુખ અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજની રચના કરવાનો સરકારનો મનસૂબો કચ્છ જિલ્લામાં વિફળ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કચ્છ જિલ્લામાં લોકોના રોજબરોજના નાના-મોટા વહીવટી, મહેસૂલી કે અન્ય સરકારી વિભાગો સંબંધિત કામ વગર ‘પ્રસાદી’એ થતા ન હોવાની બુમરાળ ઉઠી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લાના સરકારી તંત્રને ભ્રષ્ટાચારરૂપી ગ્રહણ નડી ગયું છે. હાલના સમયે સરકારી તંત્રમાં કોઈ ફાઈલ પાસ કરાવવી કે અન્ય કોઈ કામ કઢાવવાનું થાય ત્યારે લોકોને કામના સરકારી ધોરણે ભરવાપાત્ર નાણાં ઉપરાંત વધારાની પ્રસાદ અર્પણ કરવામાં ન આવે ત્યાં સુધી કામો સરકારી કચેરીની ટેબલ પર જ અટકાયેલા રહે છે. વહીવટી, મહેસૂલી વિભાગમાં દરેક સરકારી કચેરીઓમાં કોઈપણ કામ માટે ચોક્કસ ભાવપત્રક ફિક્સ કરી દેવાયા છે કચ્છ ઉદયમાં અનેક વખત કસ્ટમ વિભાગ, આરટીઓ વિભાગ સહિત વિવિધ સરકારી દફતરોમાં પ્રજાકીય કામો માટેના પ્રસાદરૂપે ધરવી પડતી ભેટના ભાવપત્રક પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જાણકાર સુત્રોએ કહે છે કે, જિલ્લામાં લગભગ મોટા ભાગના સરકાર વિભાગમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે. જમીન સંબંધિત કોઈ કામ હોય કે રાશનકાર્ડ, આધારકાર્ડ સંબંધિત કોઈ નાનુ કામ હોય તંત્રના કેટલાક ભ્રષ્ટ બાબુઓને જ્યાં સુધી ‘સોગાદ’ આપવામાં ન આવે ત્યાં સુધી કામ નીપટતું નથી. કામના પ્રકાર પ્રમાણે પ્રસાદીના ભાવ નક્કી થયેલા છે. સામાન્ય પ્રજાજનો જ માત્ર નહીં પણ સતાપક્ષના કાર્યકરોને પણ સરકારી વિભાગના કડવા અનુભવ થયા છે. કેસરિયા બ્રિગેડના એક નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જિલ્લાની મોટા ભાગની સરકારી કચેરીના કામમાં ભાવનું બાધણું થયેલું છે. જેમાં માત્ર નીચલી કક્ષાના જ કર્મચારીઓ નહીં પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની પણ ભાગબટાઈ ફિક્સ થયેલી હોય છે. કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને અધિકારીઓની કાળી કરતૂતોને લઈ આખું સરકારી તંત્ર બદનામ થઈ રહ્યું છે. જિલ્લાના સરકારી દફતરોમાં પ્રસાદી ધર્યા વગર જ્યાં સતાપક્ષ સાથે સંકળાયેલા લોકોની ફાઈલ આગળ વધતી નથી ત્યાં સામાન્ય પ્રજાજનોની શું હાલત થતી હશે તેવો સવાલ ખુદ સત્તાપક્ષના કાર્યકરોમાં ઉઠી રહ્યો છે. 
ભ્રષ્ટાચારના ભોરીંગ તંત્રને ભરડો લીધો છે. અરજદારો રઝડતા રહે છે પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં સુધી નિયત પ્રસાદી ન મળે ત્યાં સુધી પોતાના હસ્તાક્ષર આપતા નથી. સરકારી કચેરીઓમાં કોઈપણ કામ પૂરું કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે પણ તેની અમલવારી ભાગ્યે જ થતી હોય છે. પ્રસાદી આપવામાં આનાકાની કરતા અરજદારોની અરજી કોઈપણ ટેકનિકલ કે અન્ય કારણો આગળ ધરી દઈ અટકાવી રાખવામાં આવે છે. ભ્રષ્ટ સરકારી તંત્રમાં ગરીબ કે તવંગર જેવા કોઈ ભેદ વગર દરેક અરજદારને એક જ ધોરણે ટ્રીટ કરવામાં આવે છે. જિલ્લામાં કેટલાક જાગૃત અરજદારો એસીબીનું શરણું લેતા હોય છે. આ કિસ્સામાં એકલદોકલ ભ્રષ્ટ કર્મચારી પકડાય છે. એકાદ બે દિવસ ઉહાપોહ ચાલે છે ત્યારબાદ ફરી જૈસે થેની રફતાર ચાલુ રહે છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોમાં આવતા કેસની સંખ્યા નગણ્ય હોય છે તેવું જાણકારો કહે છે. એસીબીના છટકા પકડાયેલ ભ્રષ્ટ કર્મચારીને સસ્પેન્ડ કરી લાંબી કાનૂની પ્રક્રિયા ચાલતી રહે છે. ભ્રષ્ટ કર્મચારી વય નિવૃત્ત થયા સુધી તેનો ફેસલો આવતો નથી પણ તે કચેરીમાં જ કામ માટેની પ્રસાદીનો સિલસિલો કર્યારેય અટકતો નથી. સરકારી ભ્રષ્ટ અધિકારીઓની સામે અરજદારોનું કંઈ ઉપજતું નથી. મજબૂર કચ્છીજનો પોતાનું કામ સમયસર પૂરું થાય તે માટે પ્રસાદી ધરી દેવાનું મુનાસીબ માની લે છે. જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં એજન્ટપ્રથા નાબૂદ થઈ ગઈ છે. સરકારી કચેરીઓમાં એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધના જાહેરનામાં સરકારી કચેરીઓમાં લાગેલા રહે છે. ભૂતકાળમાં અરજદારો એજન્ટને કામ સોંપી અને તેનું કમિશન ચૂકવી કામ કરાવતા હતા. સરકારી કામોમાં અરજદારોને સરકારી ફીથી વધુ નાણાં ખર્ચવા ન પડે તે માટે સરકારી એજન્ટપ્રથા નાબૂદ કરી જરૂર છે પરંતુ અરજદારોને તેનાથી કોઈ રાહત મળી નથી. આજે જિલ્લાની કચેરીઓમાં એજન્ટનું સ્થાન સરકારી તંત્રના કેટલાક ભ્રષ્ટ પગારદારોએ લઈ લીધું છે. 

 

Comments

COMMENT / REPLY FROM