સરકારી ઓથોરિટી મુદ્દતબંધી કામગીરીમાં વિફળ પણ સજા બ્લેકસ્ટોન લીઝધારકોને અપાઈ
કરે કોઈને ભરે કોઈ તે આનું નામ...!
વારંવાર બદલાતી સરકારી નીતિના કારણે લીઝધારકોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો વારો : જિલ્લા સ્તરની કમિટી પાસેથી પર્યાવરણને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરી તજજ્ઞો દ્વારા અપાયેલી મંજૂરીનું પુનઃ મૂલ્યાંકન શા માટે ? : લીઝધારકોનો રાજ્ય સરકારને વેધક સવાલ
ભુજ : કચ્છ સહિત રાજ્યના માળખાગત વિકાસમાં બ્લેકસ્ટોન ક્વોરી ઉદ્ય?ગ કરોડરજ્જુ સમાન છે, પણ રાજ્ય સરકાર સંબંધિત વહિવટી ઓથોરિટી મુદ્દતબંધી કામગીરી યોગ્ય સમયે પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા તેની સજા કચ્છ સહિત રાજ્યના બ્લેકસ્ટોન લીઝધારકોને કરવામાં આવી છે. બ્લેકસ્ટોન ખનન બંધની અસર સરકારી કામો સાથે વિકાસના કામોને પડશે તેવું કહેવું અતિશ્યકતી બરો નથી. હાલ કચ્છ સહિત રાજ્યમાં વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રસ્તા અને મકાનના બાંધકામમાં બ્લેક સ્ટોન વગર થઈ શકે નહી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બ્લેકસ્ટોન ક્વોરી ઉદ્યોગ ચલાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નોટીફિકેશનના આધારે ગુજરાત સરકાર દ્વારા ગૌણ ખનિજ માઈનિંગ માટે પર્યાવરણીય મંજૂરી ફરજીયાત કરવામાં આવી છે. કચ્છ સહિત ગુજરાતના તમામ લીઝધારકોએ એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ (ઈસી) મેળવવા માટે રાજ્ય સરકારની સ્ટેટ લેવલ એન્વાયર્મેન્ટ ંએસેસમેન્ટ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. સ્ટેટ લેવલની ઓથોરિટી દ્વારા ઈસી ઈસ્યુ કરવાની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ નહીં થતાં ઝડપથી પર્યાવરણીય મંજૂરી મળે તે માટે રાજ્ય સરકારે જિલ્લા સ્તરે ડિસ્ટ્રીક્ટ લેવલ એન્વાયર્મેન્ટ એસેસમેન્ટ ઓથોરિટીની રચના કરી હતી અને જિલ્લા સ્તરની ઓથોરિટી પાસેથી બ્લેકસ્ટોન ક્વોરી લીઝધારકોએ ઈસી મેળવી ખાણકામ ચાલુ રાખ્યું હતું. વર્ષ ર૦૧૮માં અચાનક સરકારે ડિસ્ટ્રીક્ટ ઓથોરિટીને રદ્દ કરી હતી, જેથી જિલ્લા સ્તરેથી મેળવેલ પર્યાવરણીય મંજૂરી પુનઃ મૂલ્યાંકન માટે સ્ટેટ ઓથોરિટીને કામગીરી સોંપાઈ હતી. આ મુદ્દતબંધી કામગીરી સરકાર સંબંધિત વહિવટી સત્તા દ્વારા સમયમર્યાદામાં પૂર્ણ નહીં થવાના કારણે તમામ બ્લેકસ્ટોન ક્વોરી લીઝોને તાજેતરમાં જિલ્લા ખાણ ખનિજ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવા છતાં બ્લેકસ્ટોન લીઝધારકો કોઈપણ વાંક - ગુના વગર મુશ્કેલીમાં આવી ગયા છે. જિલ્લા સ્તરની કમિટીના તજજ્ઞો દ્વારા પર્યાવરણને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરી બ્લેકટ્રેપના ખાણકામ માટે ઈસી આપવામાં આવેલ હોવા છતાં પુનઃ મૂલ્યાંકન શા માટે જરૂરી છે તેવો સવાલ બ્લેકસ્ટોન ક્વોરી લીઝધારકો ઉઠાવી રહ્યા છે. ઈસીની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જવાબદારી રાજ્ય સરકાર સંબંધિત વહિવટી ઓથોરિટીની છે, પણ ઓથોરિટી યોગ્ય મુદ્દતમાં કામગીરી પૂર્ણ કરવામાં સફળ રહેલ નથી. જેની સજા લીઝધારકોને આપવામાં આવી રહી છે તેવી વ્યથા પણ લીઝધારકો વ્યક્ત કરી રહ્યા છે. સરકારની બદલાતી નીતિઓના કારણે લીઝધારકોને બિનજરૂરી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને ક્વોરી ઉદ્યોગમાં પર્યાવરણીય મંજૂરીને લગતી પરિણામલક્ષી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય અને કામગીરીનું નક્કર પરિણામ ન આવે ત્યાં સુધી કોઈપણ લીઝનું ખાણકામ બંધ કરવામાં ન આવે તેવી માંગ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ઈસીના પુનઃ મૂલ્યાંકનની કામગીરીમાં તમામ બ્લેકસ્ટોન લીઝધારકો પૂર્ણ સહકાર આપવા સહમધત છે તો સંબંધિત ઓથોરિટી કામગીરી પૂર્ણ કરવામા સહકાર આપે તે જરૂરી છે. એસોસિએશન દ્વારા બંધ કરવામાં આવેલ બ્લેકસ્ટોન ખનિજની એટીઆર તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને ઈસી પુનઃ મૂલ્યાંકનની મુદ્દત એક વર્ષ વધારી આપવા માંગ કરી છે.

Comments