અંજાર દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદનો ધાક બેસાડતો ચૂકાદો અંજાર કોર્ટે આપ્યો
શ્રમિક પરિવારની દીકરીનો અપહરણ કરી દૂરાચાર આચર્યો હતો, પોણા પાંચ વર્ષ પહેલાનો બનાવ
ગાંધીધામ : આજની દુનિયામાં હેવાનીયતના બનાવોમાં નાની ફુલ જેવી બાળકીઓ શિકાર બને છે ત્યારે આવા નરાધમોને કાયદાની રૂપે આકરી સજા ફટકારવામાં આવતા આવી માનસિકતા ધરાવતાને વધુમાં વધુ સજા થાય જેથી કરીને આવું કૃત્ય કરતા નરાધમો વિચાર કરે. આવો જ એક બનાવ અંજારમાં બન્યો હતો. તેમાં કોર્ટ દ્વારા આરોપીને ૧૦ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.
સાડાચાર વર્ષ અગાઉ એક નરાધમે નવ વર્ષિય બાળકીનું અપહરણ કરી. બાવળની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો. રેલવે ફાટકની બાજુમાં રહેતી શ્રમિક પરિવારની ફુલ જેવી દીકરીને દાદાએ દૂધ લેવા માટે મોકલાવી હતી, પરંતુ પૌત્રી પરત ન આવતા દાદાએ શોધખોળ આરંભી હતી હતી અને ક્યાંય પતો ન લાગ્યો તે દરમિયાન ફાટક નજીકથી પૌત્રી ચાલી આવતી નજરે પડતા ધ્રુજતી અને હેબતાઈ ગયેલી. બાળકીએ પોતાની આપવીતી દાદાને વર્ણવીને કહ્યું કે, જ્યારે દૂધ લઈને પરત આપતી હતી ત્યારે મૂળ વાંકાનેર મોરબીના મહમદ (ઉર્ફે ફકીરમામદ) હુશેનશા શેખ નામના વ્યક્તિ બાઈક લઈને આવતા તારા પિતાજીની તબિયત સારી નથી તેવું કહેતા બાઈક પાછળ બેસાડી ઝાડી-જાખરામાં લઈ ગયો અને બાળકીને ઢોર માર મારી ગળુ દબાવીને દુષ્કર્મ આચર્યો હતો અને આ વાતની જાણ અન્ય કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ ર૯/૯/૧૯ ના બન્યો હતો અને બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારબાદ પોલીસે ધડપકડ કરી પૂરતા પુરાવાના આધારે તેના વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે ૧ર સાક્ષીને તપાસવામાં આવ્યા હતા અને ૧ર દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા હતા. આ કેસમાં અંજાર કોર્ટના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે. શુક્લએ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પુરાવાની ચકાસણી કરી આરોપીને તક્સીવાન ઠેરવી જુદી જુદી કલમો તળે કુલ ૧૦ વર્ષની સાદી કેદની સજા, રૂા.૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ કેદનોહુકમ આપ્યો હતો. તેમજ ભોગ બનનારને રૂા.બે લાખનું વળતર ચૂકવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલે આશિષકુમાર પંડ્યાએ હાજર રહી દલીલો કરી હતી.

Comments