Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ચાઈનાક્લેની લીઝ બંધ થતા અનેક પરિવારોના ચૂલા થયા ઠંડા

11 July



એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટના અભાવે ખાણ ખનિજ વિભાગે જિલ્લાની તમામ લીઝના એટીઆર કર્યા છે બંધ : ચાઈનાક્લે  વ્હાઈટક્લેની લીઝ બંધ થતાં અનેક વોશિંગ પ્લાન્ટ અને સિરામિક ઉદ્યોગને પડ્યો ફટકો : ખનન બંધ થતાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારને થઈ માઠી અસર



કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરાઈ રજૂઆત : ચાલુ લીઝના એટીઆર પુનઃ શરૂ કરવા અને ઈસી મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી સમયમર્યાદા વધારવા કરાઈ માંંગ : સતિષભાઈ છાંગા (પ્રમુખ, કચ્છ ચાઈનાક્લે એસો.)



ભુજ : ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લામાં કિંમતી ખનિજ પદાર્થોનો વિપુલ ભંડાર મળી આવે છે. ખનિજ ઉત્ખનન એ જિલ્લામાં કૃષિ, પશુપાલન, ટ્રાન્સપોર્ટ બાદ સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે. ખનિજ ખનન પ્રવૃત્તિથી સરકારી તિજોરીને રોયલ્ટી રૂપે મોટી આવક થાય છે સાથે અનેક નાના-મોટા સંંલગ્ન વ્યવસાયો થકી હજારો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે રોજગાર મેળવે છે.
જિલ્લામાં ખનિજના ઉત્ખનન માટે સરકાર દ્વારા લીઝ ફાળવવામાં આવતી હોય છે. લીઝ ધારકોને ખનન શરૂ કરતા પૂર્વે એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ મેળવવાનું અનિવાર્ય કરી દેવાયું છે. સ્ટેટ કમિટીમાંથી લેવાના થતાં ઈસીની પ્રક્રિયગા ખૂબ જટિલ હોવાથી ઈસી મેળવવામાં લાંંબો સમય વ્યતિત થઈ જાય છે. તાજેતરમાં ખાણ ખનિજ વિભાગે કડક વલણ અપનાવી ઈસી ન રજૂ કરનાર પશ્ચિમ કચ્છની તમામ લીઝ એકસાથે રદ્દ કરી દેતા હડકંપ મચી ગયો છે.
પશ્ચિમ કચ્છમાં આવેલ બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ અને ચાઈનાક્લે જેવી લીઝ થકી અનેક પરિવારો રોજીરોટી મેળવતા હતા. એક સાથે તમામ લીઝના એટીઆર બંધ થઈ જતા અનેક પરિવારોના ચૂલા ઠંડા પડી ગયા છે. શ્રમજીવીઓથી માંડી ડમ્પર, લોડરના ડ્રાઈવરો, મશિન ઓપરેટરના પ્રત્યક્ષ રોજગાર છીનવાયા છે, તો ચાઈનાક્લેની લીઝ બંધ થતાં રો-મટેરિયલની અછતથી અનેક સંલગ્ન ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોની રોજગારીને પરોક્ષ સ્વરૂપે માઠી અસર થઈ છે. 
કચ્છ ચાઈનાક્લે એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજીત ૧પ૦ જેટલી ચાઈનાક્લેની લીઝ એકસાથે બંધ થઈ છે. લીઝ ધારકો ઉપરાંત વોશિંગ પ્લાન્ટ, સિરામિક ઉદ્યોગમાં તેની વિપરીત અસર દેખાઈ રહી છે. કાચો માલ બંધ થતાં સંલગ્ન ઉદ્યોગો ઠપ્પ થયા છે, જેના કારણે ઉદ્યોગકારો માટે ભાડા, વીજબિલ, બેન્ક લોનના હપ્તાની ભરપાઈ મુશ્કેલ બન્યા છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તેની અસર થઈ છે.
શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, ગત પમી જુલાઈના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કચ્છ ચાઈનાક્લે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચાઈનાક્લે, વ્હાઈટક્લેની લીઝના એટીઆર ચાલુ કરવા, ચાલુ લીઝ અને બ્લોકના એન્વાયર્મેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટની પ્રક્રિયા સરળ કરવા ભારપૂર્વક માંગ કરાઈ છે. મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, કચ્છમાં આવેલ ચાઈનાક્લેની લીઝોના એટીઆર ઈસીના અભાવે ગત તા.૩-૭થી બંંધ કરવામાં આવ્યા છે. જે લીઝ ધારકોએ વારંવાર ઈસી મેળવવા અરજી કરી છે છતાં પણ સંબંધિત વિભાગ દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવ્યા નથી. ચાલુ લીઝમાં ઈસી મેળવવાની પ્રક્રિયા ખૂબ જટિલ હોવાથી મળવામાં ખૂબજ લાંબો સમય લાગે છે. કચ્છમાં ચાઈનાક્લે અને વ્હાઈટક્લેના ૪પથી વધારે બ્લોક ઓક્શન થયેલ છે. ઈસી સમયમર્યાદામાં મેળવવા લીઝ ધારકોએ અરજી કરેલ છે, પરતુ કચ્છની ચાઈનાક્લે ખનિજનો ડિસ્ટ્રીક્ટ સર્વે રિપોર્ટ મંજૂર થયેલ ન હોવાથી કમિટીમાં ઈસીની કામગીરી આગળ વધતી નથી, જેથી એલઓઆઈની શરતોનું પાલન થઈ શકતું નથી. ચાઈનાક્લે ખનિજની લીઝ બંધ થવાથી સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન થાય તેમ છે, જેથી ઈસી મેળવવાની સમયમર્યાદા વધારવામાં આવે અને ઈસી મેળવવાની પ્રક્રિયા સરળ કરવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું શ્રી છાંગાએ વધુમાં જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM