ભુજમાં ચાંદ ચોકથી સુરલભીઠ્ઠ નજીક જતા રસ્તે જમીન ‘બેસાડવા’ની પેરવીથી ચકચાર
જિલ્લાના પાટનગરમાં વધુ એક જમીન પ્રકરણ બન્યુું લોકાચર્ચાનું કેન્દ્ર : રેવન્યુ, ભાડા અને ડીએલઆરઆઈના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ રચ્યો કારસો : આવનાર દિવસોમાં નવા કડાકા-ભડાકા થવાની વકી
ભુજ : જિલ્લાના પાટનગરની જમીનોની કિંમત આસમાનને આંબી રહી છે. છેલ્લા બે દાયકામાં ભુજ સહિત કચ્છ જિલ્લામાં જમીનના ભાવ અનેકગણા વધ્યા છે. જમીનના ભાવ વધારા સાથે જમીન દબાણની પ્રવૃત્તિઓ પણ વધી છે. જ્યાં એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર અને સરકારી જમીનો પર માથાભારે ભૂમાફિયાઓ કબ્જો કરી બેઠા છે ત્યાં શહેરી વિસ્તારમાં ધંધાર્થીઓ અને રહેણાંક હેતુસરના દબાણો ઠેર-ઠેેર ફુટી નીકળ્યા છે.
જિલ્લા મથક ભુજમાં જ્યાં એક તરફ જાહેર માર્ગ પર રાહદારીઓ માટે બનેલ ફુટપાથ, પાર્કિંગ માટે અનામત રખાયેલા પ્લોટ, સરકારી ઈમારતો આસપાસની જમીન પર દબાણો થયા છે ત્યાં બીજી તરફ સરકારી પડતર જમીન પર પણ મોટા પાયે દબાણો થયા છે. ભુજના ચાંદ ચોકથી સુરલભીઠ્ઠ નજીક જતા રોડ પર ગેરકાયદેસર જમીન બેસાડવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચકચાર શહેરભરમાં ચર્ચા જગાવી છે.
અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના ભીડ ગેટ સમીપેના ચાંદ ચોકથી સુરલભીઠ્ઠ તરફ જતા રસ્તા પર કેટલાક સરકારી ભ્રષ્ટ અધિકારીઓના સહારે જમીન બેસાડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કારસામાં રેવન્યુ વિભાગ, ભાડા અને ડીએલઆરઆઈના કેટલાક ભ્રષ્ટ કર્મીઓ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજમાં જમીનોની કિંમત ઉંચકાયા બાદ ગેરકાયદેસર રીતે જમીન હડપ કરી જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચૂક્યા છે. ભુજ શહેરમાં આવેલ ફોરેસ્ટ વિભાગની કિંમતી જમીન પર ગેરકાયદેસર પાકા બાંધકામનું ચણતર થઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે ચાંદ ચોકથી સુરલભીઠ્ઠ રોડ પર કેટલાક ભ્રષ્ટ સરકારી અધિકારીઓ દ્વારા જમીન ગેરકાયદેસર બેસાડવાનું ષડયંત્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણકારોના મતે આવનાર દિવસોમાં આ અંગે મોટા કડાકા - ભડાકા જવાની સંભાવના છે, જેમાં સરકારી વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચે રેલો આવવાની સંભાવના છે.
ભૂતકાળમાં કચ્છમાં કેટલાક જમીન પ્રકરણમાં જે-તે સમયના ઉચ્ચ વહિવટી અધિકારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે તેમ છતાં નીતનવા જમીન કૌભાંડ પ્રકાશમાં આવતા જ રહે છે. આવો જ ભુજ અને કચ્છ જીલ્લાનો એક પ્રકરણ હાલ ગાંધીનગર સુધી ચર્ચામાં ચાલી રહી છે જેમાં કેટલાકના પગ નીચે રેલો આવે તેમ છે ત્યાં સુરલભીઠ્ઠ નજીકના આ જમીન મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આ બહુચર્ચિત મામલામાં આવનાર દિવસોમાં જિલ્લાનું વહિવટી તંત્ર કેવા પગલાં લે છે તેના પર મીટ મંડાઈ છે.

Comments