Trending News
સ્થાનિક સમાચાર

ભ્રષ્ટ બાબુઓ મહેરબાન તો દબાણકારો પહેલવાન  ; ભુજમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કિમતી જમીન પર પાકા દબાણ કરી બાંધકામ હાથ ધરાયું

10 July


જિલ્લાનું પાટનગર દબાણ પ્રવૃત્તિનું બન્યું એપીસેન્ટર : રાહદારીઓની ફુટપાથ, પાર્કિંગ પ્લોટ, વરસાદી નાળા બાદ હવે સરકારી જમીન પર દબાણકારોએ કરી વક્રદૃષ્ટી


ભુજમાં જંગલ ખાતા હસ્તકની સોનાની લગડી સમાન જમીન પર પાકા બાંધકામ સાથે પેશકદમીની પેરવી : ભ્રષ્ટ સરકારી બાબુઓ દાબણકારોનો બની રહ્યા છે હાથો : રેવન્યુ અને ડીએલઆરના કેટલાક ભ્રષ્ટ કર્મીઓની સંડોવણીની આંશકા : જિલ્લા વહીવટી તંત્ર દબાણકારો જમીન ‘સ્વાહા’ કરી જાય તે પહેલાં કરાવશે તપાસ ? શહેરના જાગૃત નાગરિકોનો વેધક સવાલ  : એસીબીના આ સરકારી ખાતા તરફ નજર નાખે તો કેટલાક ભ્રષ્ટ તત્વો ખુલ્લા પડે તેમ છે...



કચ્છ જિલ્લામાં જમીન સંબંધી ભ્રષ્ટાચારના કેસમાં અધિકારી સહિતનાઓ ખાઈ રહ્યા છે જેલની હવા : ભૂતકાળના દૃષ્ટાંતોમાંથી વર્તમાન ભ્રષ્ટ સરકારી અધિકારીઓ લેશે ધડો ? જિલ્લા સમાહર્તા, રેવન્યૂ અને ફોરેસ્ટ વિભાગ કરાવે તપાસ 


ભુજ : કચ્છના જિલ્લામથક ભુજ શહેરમાં નાના-મોટા દબાણોની ચર્ચાઓ સમયાંતરે ચાલતી રહે છે. કચ્છના પાટનગરમાં વરસાદી પાણીના વ્હેણ, વરસાદી નાળાઓ, રાહદારીઓની ફુટપાથ, પાર્કિંગ માટેના અનામત પ્લોટ વગેરે પર દબાણકારોએ કબજો કરી દીધો છે ત્યારે ભુજ શહેરમાં એક સરકારી અને સોનાની લગડી સમાન કિંમતી જમીન પર ભૂમાફીયાઓએ વક્રદૃષ્ટી કરી દબાણની પેરવી કરતા ભારે હોબાળો મચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર જાણે દબાણકારોના ભરડામાં આવી ગયું હોય તેમ રોજેરોજ નીતનવા દબાણો બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા હોય છે. શહેરની તમામ ફુટપાથો, પાર્કિંગ પ્લોટ, સરકારી ઈમારતો અને શાળાઓની આસપાસ કાચા-પાકા દબાણો થયા છે. જવાબદાર તંત્રની ઉદાસિનતાના પગલે દબાણકારો બેફામ બન્યા છે. તંત્રની લાપરવાહીના કારણે દબાણકારોની હિંમત વધી છે. ભુજમાં જંગલ ખાતાની કેટલીક જમીન આવેલી છે. સોનાની લગડી સમાન સરકારી જમીન પર દબાણકારોની નજર કરી છે. હાલે ભુજમાં જંગલ ખાતાની જમીન પર પાકા બાંધકામનુંં ચણતર કરી દબાણની પેરવી ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો જમીન પચાવી પાડવાના આ ષડયંત્રમાં વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા છે. ભુજમાં જગલ ખાતાની જગ્યા પર થઈ રહેલું દબાણ ઉપર બાંધકામની પેરવી થઈ રહી છે જે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દબાણકારોએ હવે સરકારી જમીન પર મલીન ડોળો કરતા હડકંપ મચ્યો છે.  જિલ્લાના વહીવટી, રેવન્યુ અને ડીએલઆર વિભાગના કેટલાક ભ્રષ્ટ બાબુઓ દબાણકારોના હાથા બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પાંચ આંકડામાં સરકારી પગાર મેળવતા કેટલાક ભ્રષ્ટ કર્મીઓ ઉપરની આવક મેળવવાની લ્હાયમાં પ્રજાનું અહિત કરી રહ્યા છે. જિલ્લામાં ભૂતકાળમાં ભ્રષ્ટાચાર આચારનાર સરકારી અધિકારીઓ-કર્મચારીઓના કુકર્મોનો પર્દાફાશ થયા બાદ જેલની હવા ખાધી હોવાના દૃષ્ટાંતો મોજૂદ છે. તેમ છતાં કાયદાના કોઈપણ ભય વગર ગેરપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેતા કેટલાક ભ્રષ્ટાચારી સરકારી તત્ત્વોમાં કાયદાનો ભય સ્થાપિત થાય તે દિશામાં ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે.  ભુજ શહેરમાં જમીન-મકાનના ભાવ મહાનગરો સમાન આસમાને પહોંચ્યા છે જેથી સરકારી પડતર જમીનો પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યા છે. બાહુબલી દબાણકારોને ભ્રષ્ટ સરકારી બાબુઓનો સાથ મળી રહ્યો છે. ભૂતકાળમાં ગેરરીતિમાં સંડોવાયેલા સરકારી ઉચ્ચ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવાયા હોવાના દાખલા મોજૂદ છે તો પણ સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચારની સંપૂર્ણ નાખૂદી થઈ નથી. ભુજમાં જંગલખાતાની જમીન પર થઈ રહેલા પાકા દબાણની રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્મટેન્ટ દ્વારા સત્વરે તપાસ થાય તે ઈચ્છનીય છે. જિલ્લા સમાહર્તા પણ જરૂરી દિશા-નિર્દેશ આપી દબાણકારો તેમના મેલા મનસૂબા પાર પાડે તે પહેલાં અટકાયતી પગલાં લે તેવી માંગ સ્થાનિકેથી ઉઠી છે. 

 

Comments

COMMENT / REPLY FROM