Trending News
સ્થાનિક સમાચાર

ધમડકાની બે સ્ટીલ કંપની સાથે ૮.પ૬ કરોડની છેતરપિંડી

10 July




બગસરાના શખ્સે કચ્છ-સૌરાષ્ટ્રના ૮ વેપારીઓ પાસેથી લોખંડના સળિયાનો માલ ખરીદી બાદમાં ૧૮.૮૪ કરોડ ન ચુકવ્યા : ઘર - દુકાન - ગોડાઉન ખાલી કરી પરિવાર સાથે પલાયન થયો


ભુજ : અંજાર તાલુકાના ધમડકામાં આવેલી બે સ્ટીલ કંપની ઉપરાંત સૌરાષ્ટ્રના મળી કુલ્લ ૮ વેપારી સાથે રૂ.૧૮.૮૪ કરોડની છેતરપિંડીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ હતી. રાજકોટના સડક પીપળીયા ગામે પ્રમુખ ટ્રેડિંગના નામથી ધંધો કરતાં આરોપીએ વિશ્વાસ કેળવી શરૂઆતમાં રૂપિયા આપ્યા બાદમાં મોટા જથ્થામાં માલ ખરીદી રૂપિયા ચુકવ્યા ન હતા. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. રાજકોટમાં રહેતાં અમીતભાઇ રમેશભાઇ પટેલે બગસરાના પીઠળીયાના જયરાજ ધનજી પીપળીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ શાપરમાં શ્રીનાથજી સ્ટીલ નામથી બાંધકામમા વપરાતા લોખંડના સળીયાનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૨ થી જયરાજ પીપળીયા ગોંડલના સડક પીપળીયા ગામે ભાડાની ઓફીસ તથા ગોડાઉનમા પ્રમુખ ટ્રેડીંગના નામથી સ્ટીલ અને સીમેન્ટના ટ્રેડીંગનો ધંધો ચાલુ કર્યો હોઈ ફરિયાદીને ઓફીસે આવી ધંધા બાબતની વાતચીત કરી હતી. ત્રણેક માસ બાદ બન્ને પાર્ટી વચ્ચે જે માલ વેચાણ કરે તેમાં ૧૫ દિવસમા ચુકવણું કરી આપવાનું નક્કી કરાયું હતું. શરૂઆતમાં થોડા માલની ખરીદી કરી, તેનુ પેમેન્ટ સમયસર ચુકવી આપતા વિશ્વાસ બેઠો ત્યારબાદ વધારે માલની ખરીદી શરૂ કરી વિશ્વાસ અને ખાત્રી આપેલ કે, નક્કી થયા મુજબ સમયસર પેમેન્ટ ચુકવી આ૫ીશ. ગઇ તા.૧૫/૦૬/૨૦૨૪ થી તા.૦૨/૦૭/૨૦૨૪ દરમ્યાન આરોપીને લોખંડના સળીયાનો કુલ રૂ.૧.૪૫ કરોડનો માલ વેચ્યો હતો. જેમાં પંદર દિવસમા પેમેન્ટ ચુકવવાનુ હતું. પેમેન્ટ નહી ચુકવતા તેઓને ફોન કરી નાણાની ઉઘરાણી કરતાં બે ચાર દિવસમા ચુકવી દઈશ તેવુ જણાવતો પરંતુ પેમેન્ટ ચુકવેલ ન હતું. ગયાં મહિને પણ આરોપીએ અલગ અલગ તારીખે કુલ ૧૭ વાર માલની ખરીદી કરી પરંતુ ચુકવણું કર્યું ન હતું અને ગઈ તા.૦૨/૭ ના બે વાર માલની ખરીદી કરી હતી. તા.૦૪/૦૭ ના જયરાજ પીપળીયાને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો જેથી બીજા દિવસે સડક પીપળીયામાં ઓફીસે જતા તાળુ મારેલું જોવા મળ્યું હતું.  આસપાસ પુછતા જાણવા મળ્યું કે, બે દિવસ પહેલા ઓફીસ અને ગોડાઉન ખાલી કરી આરોપી ભાગી ગયો છે. જેથી અન્ય વેપારીઓનો સંપર્ક સાધતા તેઓએ પણ આરોપી પાસેથી રૂપિયા લેવાના બાકી છે તેવી હકિકત જણાવી હતી. ઘરે પણ ફલેટ ખાલી કરીને ભાગી ગયો હતો.  જેથી આરોપી જયરાજ પીપળીયાએ ફરીયાદી પાસેથી રૂ.૧.૪૫ કરોડના ટી.એમ.ટી. (લોખંડ)ના સળીયા તેમજ અન્ય રાજકોટના આઠ વેપારી પાસેથી લોખંડના સળિયાનો જથ્થો મંગાવી કુલ રૂ.૧૮.૮૪ કરોડની છેતરપિંડી આચરી ભાગી જતા ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને ૫કડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ભોગ બનનાર વેપારી પેઢીમાં કચ્છની પણ બે કંપનીનો સમાવેશ થાય છે. અંજાર તાલુકાના ધમડકામાં આવેલી મોનો સ્ટીલ ઈન્ડિયાના હિતેશભાઈ ચીમનભાઈ શાહ સાથે પ.૪૩ કરોડ અને બાજુમાં આવેલ જય ભારત સ્ટીલ કોર્પોરેશનના ગૌરાંગભાઈ ભુપતભાઈ શાહ સાથે ૩.૧૩ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM