Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં નમો લક્ષ્મી યોજના હેઠળ ૮૦ ટકા વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ

10 July




કચ્છની પ૦ર માધ્યમિક શાળાની ૩૯,ર૩૯ પૈકી ૩૧,૩૮૮ વિદ્યાર્થિનીઓના દાખલ થયેલા ફોર્મની વેરીફિકેશન કામગીરી પ્રગતિમાં : નમો સરસ્વતી યોજના અંતર્ગત જિલ્લાની ૬પ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિજ્ઞાન પ્રવાહના ૩રર૭ વિદ્યાર્થીઓ પૈકી ર૬૮૬ ફોર્મ દાખલ થયા : બાકી રહેતા લાભાર્થીઓના રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે : સંજય પરમાર (જિલ્લા શિક્ષણ અધિકારી)


ભુજ : ધો.૮ બાદ વિદ્યાર્થઓમાં જોવા મળતો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા રાજ્ય સરકારે ખાસ નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે, જેમાં વિદ્યાર્થિની ધો.૯માં પ્રવેશ મેળવી ધો.૧ર પાસ કરે ત્યાં સુધી તબક્કાવાર રૂા.પ૦ હજારની સહાય તેને મળવાપાત્ર છે. કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ૮૦ ટકા વિદ્યાર્થિનીઓના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે બાકી રહેતી ર૦ ટકા વિદ્યાર્થિનીઓના રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના ધો.૧૧ અને ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટેની નમો સરસ્વતી યોજનામાં કચ્છ જિલ્લામાં ૮૩ ટકા છાત્રોનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેવાયું છે.
જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજનામાં કચ્છ જિલ્લાના દસેય તાલુકામાં ધો.૯માં પ્રવેશ મેળવનાર ૩૯,ર૩૯ છાત્રાઓના રજિસ્ટ્રેશનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. જિલ્લાની પ૦ર સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી ૩૧,૩૮૮ વિદ્યાર્થિનીઓના ફોર્મ ભરાયા છે, જૈના વેરિફિકેશનની કામગીરી જિલ્લા કચેરીએ ચાલી રહી છે. નમો લક્ષ્મી યોજનામાં ૮૦ ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. બાકી રહેતી ર૦ ટકા વિદ્યાર્થિનીઓના ફોર્મ ભરવાની કામગીરી પ્રગતિમાં છે. શ્રી પરમારે નમો સરસ્વતી યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જિલ્લાની સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધો.૧૧ - ૧રમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત ખાનગી શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અને જેના વાલીઓની વાર્ષિક આવક રૂા.૬ લાખ સુધી હશે તેઓ નમો સરસ્વતી યોજનાનો લાભ મેળવી શકશે. જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની ૬પ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા ૩ર૭ વિજ્ઞાન પ્રવાહના છાત્રો પૈકી ર૬૮૬ છાત્રોના ફોર્મ ભરાઈ ગયા છે, જેના વેરિફિકેશનની કામગીરી જિલ્લા કચેરીમાં ચાલી રહી છે. નમો સરસ્વતી યોજનામાં ૮૩ ટકા છાત્રોના રજિસ્ટ્રેશન થયા છે. બાકી રહેતા ૧૭ ટકા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવાની કવાયત ચાલી રહી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બન્ને યોજનાઓમાં ફોર્મ મંજૂર થયા બાદ સહાયની રકમ જે-તે લાભાર્થીના માતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.



 

Comments

COMMENT / REPLY FROM