કચ્છના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર મુશ્કેલીના વાદળો ઘેરાયા
જંત્રીના ભાવમાં વધારો થવાના સંકેત
મધ્યમવર્ગના લોકો માટે ઘરના ઘરનું સ્વપ્ન થશે મોંઘુ : એક વર્ષ બાદ ફરી જંત્રીના ભાવમાં વધારો કરવા રાજ્ય સરકારની કવાયત : પ્રોપર્ટી ટેક્સ અને દસ્તાવેજ થશે મોંઘા : જંત્રીના ભાવ એક સાથે નહીં, દર વર્ષે પાંચ ટકા વધારવામાં આવે તેવો બિલ્ડર લોબીનો મત
ભુજ : વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો છે. ઔદ્યોગિક, કૃષિ, પ્રવાસન જેવા ક્ષેત્રે વિકાસ થતાં કચ્છ જિલ્લામાં જમીન - મકાનના ભાવમાં છેલ્લા બે દાયકામાં અનેકગણો વધારો થયો છે. ભૂકંપ પહેલા કચ્છમાં પાણીના ભાવે મળતી જમીનના ભાવ આસમાન આંબી રહ્યા છે. જિલ્લાના ભુજ, ગાંધીધામ ઉપરાંત મુંદરા સહિતના શહેરી વિસ્તારોમાં જમીન - મકાનના ભાવ મહાનગરોની તુલનાએ પહોંચી ગયા છે . એક વર્ષના સમયગાળામાં જ રાજ્ય સરકારે ફરી એક વખત જંત્રીના ભાવમાં વધારો કરવા તૈયારી બતાવી છે ત્યારે કચ્છમાં મધ્યમવર્ગીય લોકો માટે હવે ઘરના ઘરનું સ્વપ્ન વધુ મોંઘુ બની જશે અને જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ઓટ આવે તેવી સંભાવના સ્થાનિકે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગેની વિગતો મુજબ એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. ૧ર માસના સમયગાળામાં ફરી એક વખત જંત્રીના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. જંત્રીના ભાવ વધતા જ મકાન અને પ્રોપર્ટી ટેક્સ સહિત દસ્તાવેજનો ખર્ચ ડબલ થઈ જશે, જેની સીધી અસર મીડલ ક્લાસ અને અપર મીડલ ક્લાસના લોકો પર પડશે, તો બીજી તરફ રાજ્ય સરકાર જંત્રીના ભાવ એક સાથે નહીં, પરંતુ દર વર્ષે પાંચ ટકાના દરે જંત્રીમાં વધારો કરે તેવી માંગણી બિલ્ડર લોબી દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં હાલે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક કન્સ્ટ્રક્શન સાઈટ ચાલી રહી છે, પરંતુ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક લોકો માટે આવનાર દિવસોમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે રાજ્ય સરકારે ફરી એક વખત જંત્રીના ભાવમાં વધારો કરવાની તૈયારી દર્શાવી છે. જંત્રીના ભાવમાં વધારો થવાથી પ્રોપર્ટી ટેક્સ અને દસ્તાવેજોના ખર્ચ ડબલ થઈ જશે. જંત્રીના ભાવમાં વધારો થવાથી સરકરને આર્થિક લાભ થશે, પરંતુ જે લોકો પ્રોપર્ટી ખરીદવા માગે છે તેમની ઉપર મોટી અસર જોવા મળશે. કચ્છ જિલ્લામાં હાલે માર્કેટ રેટ અને જંત્રીના દરમાં થોડી વિસંગતતાઓ જોવા મળી રહી છે. ક્રેડાઈ જેવા સંગઠનો આ અંગે સરકારને સમયાંતરે રજૂઆત કરી છે. જંત્રીના ભાવ વધારવામાં સંભવિત વિકાસ વિસ્તારને ધ્યાને લેવામાં આવે તે જરૂરી છ. અલ્પ વિકસીત વિસ્તારમાં જંત્રીના ભાવમાં વધારો થવાની જમીન - મકાનોના વ્યવસાયને મોટો ફટકો પડે તેવી સંભાવના છે. કચ્છ સહિત રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા લોકો જંત્રીના ભાવ એક સાથે નહીં, પરંતુ દર વર્ષે પાંચ ટકાના દરે વધારવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત માર્કેટ રેટ અને જંત્રીના દર વચ્ચે જે વિસંગતતાઓ છે તેને પણ દૂર કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.

Comments