Trending News
સ્થાનિક સમાચાર

બૂટલેગર સાથે ઝડપાયેલી કોન્સ્ટેબલ  નીતા ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો

09 July



હત્યાના પ્રયાસના ગુનામાં નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ, ફરી ધરપકડ માટે અપાયો આદેશ : મહિલા કોન્સ્ટેબલને ફરી ખાવી પડશે જેલની હવા 


ભુજ : ગત રવિવારે સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા વસરામભાઈ ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઈ પર થાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતાં રિમાન્ડ નકારી બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં પોલીસ કર્મચારીને જામીન મળી જતાં વકિલ આલમ અને પોલીસ બેડામાં આ મુદ્દો ચર્ચાયો હતો. પોલીસે જામીનને રદ્દ કરવા ઉપલી કોર્ટમાં જવાની તૈયારી બતાવતા નીતા ચૌધરીએ મુદત માંગી હતી. આજે સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે ગુનાની ગંભીરતા તેમજ પોતે પોલીસ કર્મચારી હોવા છતાં બૂટલેગરને સાથ આપ્યો તે સહિતના મુદ્દાઓ રજૂ કર્યા બાદ સેશન્સ અદાલતે બંને પક્ષની દલિલો સાંભળી ભચાઉની નીચલી અદાલતે આપેલો જામીનનો હુકમ રદ કરી જામીન ફગાવ્યા છે. સરકાર પક્ષે દલિલ કરવામાં આવી હતી કે, મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પ્રથમ ફરજ પોલીસને સાથ આપવાની હોય તેમ છતાં બનાવ સમયે પોલીસ પર ગાડી ચડાવી દેવાઈ તેમ છતાં આરોપીને પકડાવ્યો નહીં તેમજ ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. આરોપી બૂટલેગર ૧૬ ગુનામાં લિસ્ટેડ છે, જેથી ભૂમિકા શંકાસ્પદ જણાય છે. જે તે સમયે નીચલી અદાલતે જામીન આપતી વખતે એવું નોંધ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ સ્ટેયરીંગ પર ન હતા. પરંતુ દલિલ કરાઈ કે તેમણે ગુનામાં મદદગારી કરી છે. પોલીસનું મોડલ ડાઉન થાય તેવો પ્રયાસ કર્યો છે. જેથી સરકાર અને પોલીસ પક્ષની દલિલોને ગ્રાહય રાખી અદાલતે જામીન રદ્દ કરવા સાથે ફરી ધરપકડ માટેનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે, દારૂના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ નીતા ચૌધરીને જામીન મળી ગયા પણ હત્યાના પ્રયાસના ગુનામાં જામીન રદ્દ થયા છે. જેથી ફરી કોન્સ્ટેબલને જેલની હવા ખાવી પડશે. સરકાર પક્ષે ભચાઉના એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર ડી.એસ. જાડેજા અને જિલ્લાના મુખ્ય સરકારી વકિલ કે.સી. ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી દલિલો સફળ થઈ હતી. 

 

Comments

COMMENT / REPLY FROM