કચ્છના ધોરીમાર્ગ પર ઠાંસી ઠાંસીને મુસાફરો ભરી દોડતા ખાનગી વાહનો સામે કાર્યવાહી થશે
આરટીઓ અને ટ્રાફિક પોલીસ મોટી દુર્ઘટનાની જુએ છે રાહ ?
જિલ્લામાં શાળાના વાહનોની સઘન ચકાસણી ઝુંબેશમાં પરોવાયેલું તંત્ર જોખમી પેસેન્જર વાહનો સામે કાર્યવાહીમાં કોની કાઢે છે લાજ ?
ઘેટાં-બકરાની જેમ ક્ષમતાથી અનેકગણા મુસાફરોને ભરી દોડતા ખાનગી વાહનોની તપાસ પણ જરૂરી : જાગૃત કચ્છીજનોનો મત
ભુજ : રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા લોકોની સલામતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા જાહેર સ્થળો પર ફાયર સેફટી, બીયુ પ્રમાણપત્રની ચકાસણી સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફાયર સેફટી, આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ બસ, રિક્ષા સહિતના વાહનોની ફિટનેસ તપાસનો જિલ્લા વ્યાપી ધમધમાટ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં સ્કૂલ રિક્ષા, છકડામાં નિયમમુજબની સંખ્યા કરતા અનેકગણા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે શાળા શરૂ થયાના પ્રથમ દિવસથી જ તંત્રએ સ્કૂલ વાહનો પર લગામ કસી છે. સ્કૂલ વાહનોમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓને વાહન ચાલકો ન બેસાડે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છ જિલ્લામાં જ ક્ષમતાથી દોઢ ગણા કે બમણા મુસાફરોને ઠાંસીઠાંસી ભરતી ધોરીમાર્ગ પર દોડતા પેસેન્જર વાહનો તંત્રને કેમ દેખાતા નથી તેવો વેધક સવાલ જાગૃત કચ્છવાસીઓ ઉઠાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકામાં ખાનગી મુસાફરો વાહનોની સંખ્યા અનેકગણી વધી છે. દરેક તાલુકા મથકો વચ્ચે ખાનગી મિનિબસ, તુફાન, ટેમ્પો વગેરે જેવા વાહનો દોડી રહ્યા છે. જિલ્લા મથક ભુજની વાત કરીએ તો ભુજથી ગાંધીધામ, અંજાર, નલિયા, નખત્રાણા-નેત્રા, રાપર, ભચાઉ માટે ખાનગી મીની બસ દર અડધા કલાકે ઉપડતી હોય છે. ભુજથી માંડવી-મુન્દ્રા વચ્ચે તુફાન અને મિનિબસ દર ૧પ મિનિટે ઉપડે છે. પાવરપટ્ટી, આહિર પટ્ટીના ગામો માટે નાના વાહનો જીપ, મિનિબસ દિવસભર મળી રહી છે. ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ ઠાંસીઠાંસીને મુસાફરી કરતા લોકો જોવા મળે છે. કચ્છના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી એસટીની સુવિધા ન હોવાથી કે અપુરતી હોવાથી નાછૂટકે લોકો જીવના જોખમે છકડો, રીક્ષા, મીનીબસ જેવા વાહનોમાં જોખમી મુસાફરી કરવા મજબુર બને છે. હાલમાં જ્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શાળાના વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તંત્રને ખાનગી મુસાફર વાહનોમાં લોકોના જીવનું જોખમ કેમ દેખાતું નથી તેવો સવાલ કચ્છવાસીઓ કરી રહ્યા છે. ભુજ આરટીઓ શ્રી વાઘેલાને પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ શાળાના વાહનો માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લામાં ખાનગી મુસાફર વાહનો સામે દંડનીય કાર્યવાહીની ઝુંબેશ સમયાંતરે થતી હોય છે અને આવનાર દિવસોમાં પણ તે ચાલુ રહેશે તેવું વધુમાં ઉમેર્યું હતું. પોલીસ અને આરટીઓ તંત્રને માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન જ રોડ સેફટીની ઝુંબેશ યાદ આવતી હોય છે. જાગૃત નાગરિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજ્યમાં કોઈ ખાનગી મુસાફર વાહનમાં મોટી દુર્ઘટના બનશે ત્યારે જ તંત્ર જાગશે. રાજકોટની દુર્ઘટના બાદ જે રીતે તંત્ર ખાનગી ગેમઝોન અને જાહેર સ્થળો પર ફાયર સેફટીની ઝુંબેશ ચલાવી રહ્યું છે ત્યારે ખાનગી મુસાફર વાહનો સામે કાર્યવાહી કરવા માટે તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કેમ તેવો સવાલ પણ કચ્છીજનોમાં ઉઠી રહ્યો છે.

Comments