જખૌ સમીપે સાદી માટીની ખનીજચોરીની કડક તપાસ કરવા પશ્ચીમ કચ્છ પોલીસતંત્ર સમક્ષ ધા
ખાનગી કંપનીને ૪૩૪૬ મેટ્રીક ટન માટી ચોરી બદલ ફટકારેલ રૂા.૧૦,૭૨,૩૭૬ દંડ ભરવા કંપનીએ ઈન્કાર કરતા ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા નલીયા કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવા કરાયો હતો રિપોર્ટ
આ વિગતની માહીતીઓ મેળવી
તપાસ કરાવીશું :
શ્રી ભગોરા (ડીવાયએસપી
શ્રી નખત્રાણા)
જખૌના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાંથી દસ લાખ જેટલી ખનીજ ચોરી થવા છતા સુરક્ષા એજન્સીઓ ઉંઘતી ઝડપાઈ : મરીન પોલીસ અને સ્ટેટ - સેન્ટ્રલ આઈ.બી. શેનું પેટ્રોલીંગ કરે છે ? દરિયાઈ સુરક્ષામાં અનેક છીંડા હોવાનો જાણકારોનો વર્તારો
પોલીસ તપાસમાં એવુ કહ્યુ કે, ચોરી થઈ છે પણ કંપનીએ નથી કરી, પરંતુ ચોરી થઈ છે તો કોણે કરી એ પોલીસે પુરવાર કરવુ પડશે ને? હવે નામદાર સેસન્સ કોર્ટમાં અમે અપીલમાં ગયા છીએ : શ્રી દેવેન્દ્ર બારીયા(ભુસ્તરશાસ્ત્રી પશ્ચિમ કચ્છ)’
નલિયા : જખૌના દરિયાઈ વિસ્તાર નજીક સાદી માટીની ખનીજચોરીની તપાસમાં સંપુર્ણ અને યોગ્ય તપાસ કરવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રીને નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મારફતે રજુઆત કરવામાં આવી છે.અરજદાર દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી - નખત્રાણાને કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ અરજદારોની રજુઆતના આધારે ભુસ્તર શાસ્ત્રી, પશ્ચિમ કચ્છની કચેરી દ્વારા નલીયા કોર્ટમાં જખૌના દરીયાઈ વિસ્તાર નજીકમાં થયેલ ગેરકાયદેસર ખનન બાબતે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફોજદારી ઈન્કવાયરીના અનુસંધાને નામદાર નલીયા કોર્ટ દ્વારા જખૌ પોલીસ મથકના પી.એસ.આઈ.શ્રીને તપાસ હાથ ધરી ૬૦ દિવસમાં તપાસ અહેવાલ રજુ કરવા આદેશ આપવામાં આવેલ હતો. જે તપાસ અહેવાલ નલીયા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ. જે તપાસમાં તપાસનીશ અધિકારીની બેદરકારી અને ગફલતને ધ્યાનમાં લાવવા પોલીસ અધિક્ષકને સાચો તપાસ અહેવાલ નામદાર નલીયા કોર્ટમાં રજુ કરી ખનીજ ચોરો સામે કાયદાની જોગવાઈઓ અનસાર દંડનીય તેમજ કડક કાર્યવાહી કરવા અરજી કરાયેલ છે. અરજદારો દ્વારા જખૌ પોલીસ મથકે તા.૯/૩/૨૦૨૩ ના રોજ આપવામાં આવેલ લેખીત અરજીનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેની નકલ બીડી આ અરજીના અનુસંધાને તા. ૯/૩/૨૦૨૩ ના રોજ જખૌ પોલીસ મથક દ્વારા ગેરકાયદેસર ખનન આચરનાર જવાબદાર કંપીનને આપવામાં આવેલ નોટીશ જાવક નં. ૩૩૯ / ૨૦૨૩ તા. ૯/૩/૨૦૨૩ વાળા પત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી અને સદર પત્રકો કોર્ટ સમક્ષ રજુ પણ કરવામાં આવ્યા ન હોવાનું અરજદારે અરજીમાં જણાવ્યું હતું. ખનીજ ચોરી સમયે એકદમ નજીક આવેલ જવાબદાર કંપનીના પ્લાન્ટના સિક્યુરીટી ગાર્ડ પણ અગમ્ય કારણોસર પોતાની ફરજ પરની જગ્યાએથી નાશી ગયેલ અને તે દીવસે પોતાની ફરજ પર ગેરહાજર રહેલ તેમજ કંપનીના સીસીટીવી ફુટેજ નષ્ટ કરવામાં આવેલ હોવાનું રજુઆતમાં અરજદારે જણાવી નષ્ટ થયેલા સીસીટીવી ફુટેજ ક્યા કારણોસર નષ્ટ થયા તે તપાસનીશ દ્વારા રજુ કરવામાં આવેલ ન હતા. અરજદાર દ્વારા લેખીત સ્વરૂપે સીસીટીવી ફુટેજ કબજે કરવા કરાયેલી રજુઆત પણ ધ્યાન લેવાઈ ન હતી. તેમની અબડાસા પ્રાંત અધિકારી, મામલતદારશ્રી નલીયા, જખૌ પોલીસ મથકને કરેલી રજુઆતના આધારે તેમને સાથે રાખી ખનીજ ચોરીવાળી જગ્યાએ જખૌ પોલીસ મથકના જવાબદાર અધિકારીએ અરજદારને સાથે રાખી નિરીક્ષણ કરેલ હતું પણ કોઈ પણ જાતની સખત કાર્યવાહી કરેલ નહીં. ખનીજ ચોરી બાબતના પુરાવાઓ સ્થળ પર ખુબ સારી રીતે જાણી અને સમજી શકાય તેવી રીતે સ્પષ્ટ હોવા છતા પણ જખૌ પોલીસ મથકના જવાબદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું અરજદારે રજુઆતમાં જણાવી આ અંગે અરજદાર દ્વારા કંટ્રોલ નંબર ૧૦૦ ઉપર સમગ્ર હકીકતની જાણ કરી ફરીયાદ કરેલ જેના અનુસંધાને જખૌ પોલીસના જવાબદાર અધિકારી દ્વારા ફરીથી બીજી વખત અરજદાર અને ગામના અન્ય પંચોને સાથે રાખીને ખનીજ ચોરીવાળી જગ્યા પર સ્થળ પંચનામું કરેલ અને પંચ રોજકામ અનુસાર તપાસ અહેવાલ તૈયાર કરેલ જેની નોંધ જખૌ પોલીસ મથકના જાવક નં.૩૪૫/૨૦૨૩ તા.૧૦/૦૩/૨૦૨૩ મુજબ નોંધ કરેલ હતી.જે તપાસ અહેવાલમાં ખુદ જખૌ પોલીસ મથકના જવાબદાર અધીકારી સ્પષ્ટ જણાવેલ છે કે અરજીની પ્રાથમિક તપાસ કરતા ખનન થયા હોવાનું જણાઈ આવેલ છ, જેની નોંધ લેવા અરજદારે પોલીસ અધિક્ષકશ્રીને રજુઆત કરેલ છે. વધુમાં સર્કલ પોલીસ ઈન્સપેક્ટર નલીયાના જાવક નં.૨૯૯/૨૦૨૩ તા.૨૫/૦૭/૨૦૨૩ વાળા પત્રક મુજબ જખૌ ખાતે ખાનગી કંપની દ્વારા મીઠાના પરિવહન માટે લેવામાં આવેલ માટી સરકારી જમીનમાંથી ઉત્ખનન કરી ૪૩૪૬ મેટ્રિક ટન જેટલી માટી બિનઅધિકૃત રીતે લેવામાં આવેલ છે તેવો સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. મામલતદારશ્રી - નલીયાની કચેરીના પત્ર ક્રમાંક નં. જમન - દબાણ - જખૌ - ર૪૭ - ર૦ર૩ તા. ૦૧/૦૪/૨૦૨૩ વાળા પત્ર મુજબ ગેરકાયદેસર ખનનની પણ સમગ્ર તપાસ થયેલ છે અને ઉપરોક્ત બંને પત્રકો અરજદારે અરજી સાથે સાદર કર્યા હતા. જેથી પોલીસ અધિક્ષકશ્રીને અરજદાર દ્વારા ખનીજ ચોરી તાત્કાલિક ધોરણે બંધ કરાવી સ્થાનિક જવાબદાર અધિકારીઓ કંપનીની ગરેકાયદેસરની સેવાઓનો લાભ લેતા હોવાથી કંપની સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરીને સમગ્ર મામલામાંથી કંપનીના અધિકારીઓને બચાવવાની ન કરવા જેવી કોશીશ કરી અને તપાસને ગેરમાર્ગે દરોને નામદાર નલીયા કોર્ટનો આદેશ હોવા છતા પણ નામદાર નલીયા કોર્ટ સમક્ષ ખોટો તપાસ અહેવાલ અને તપાસના અધુરો સાધનિક કાગળો રજુ કરીને કંપનીને બચાવવાનો પ્રયત્ન કરતા હોવાનું જણાયુ હતું. રજુઆતની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ કરીને ફરીથી નામદાર નલીયા કોર્ટ સમક્ષ સાચો તપાસ અહેવાલ રજુ કરવામાં આવે અને તપાસને ગેરમાર્ગે દોરને નામદાર નલીયા કોર્ટ સમક્ષ ખોટો તપાસ અહેવાલ રજુ કરવા બાબતે અને ખનીજ ચોરી બાબતેના અધુરા આધાર પુરાવાઓ, તપાસના સમગ્ર કાગળો નામદાર નલીયા કોર્ટ સમક્ષ રજુ ન કરવા, તેમજ અધુરા નિવેદનો નામદાર નલીયા કોર્ટ સમક્ષ રજુ કરીને ખજીન ચોરી માટેની જવાબદાર કંપનીના જવાબદાર અધિકારીઓને બચાવવાની કોશિષ કરનાર જખૌ પોલીસ મથકના જવાબદાર અધિકારી સામે પણ ખાતાકીય તપાસ કરાવીને તેઓ સામે પણ દંડનીય અને સખત કાર્યવાહી કરવા અરજદાર દ્વારા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકશ્રીને રજુઆત કરાઈ છે. બીજીતરફ આ બાબતે નખત્રાણા ડીવાયએસપીશ્રી ભગોરાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ વિગતોની માહીતીઓ મેળવી અને ચોકકસથી આગળની કાર્યવાહી થવા પાત્ર હશે તે કરાવીશુ. તો વળી ભુસ્તરશાસ્ત્રી પશ્ચિમ કચ્છના શ્રી દેવેન્દ્ર બારીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ સંદર્ભનો કોર્ટ કેસ ચાલ્યો હતો, પોલીસને તપાસ સોપાઈ હતી, પોલીસે તપાસ બાદ એવુ જણાવેલ કે, ચોરી થઈ છે પરંતુ કંપનીએ નથી કરી, તે વખતે સ્થાનિક નલીયા કોર્ટમાં કેસ નીકળી ગયો હતો, અમારૂ સ્ટેન્ડ છે કે ચોરી થયાનુ સામે આવ્યુ છે તો કોણે કરી એ પણ પોલીસ ફરીયાદ થઈ છે તો પોલીસે કહેવુ પડશે ને? આ મામલે અમોએ નામદાર સેશન્સ અદાલતમાં અપીલ કરેલી છે.

Comments