અંજારની સેંટ એલિઝાબેથ સ્કૂલના મનસ્વી વલણ સામે ભભૂક્યો આક્રોશ
ખાનગી શાળાએ એફઆરસીના નામે ફીમાં તોતીંગ વધારો ઝીંકી દેતા વાલીઓમાં હડકંપ : શાળામાં પંખા-પાણી જેવી માળખાકીય સુવિધાઓની અધુરાશ : પાણી મંડળ અને એબીવીપી દ્વરા ઉગ્ર વિરોધ પ્રદર્શન : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાળા સંચાલકોને કરાઈ રજૂઆત
અંજાર : પોતાના સંતાનને સારું અને ગુણવત્તા સભર શિક્ષણ મળે તેવા આશયથી ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ અપાવતા વાલીઓની મજબુરીનો લાભ કેટલીક ખાનગી શાળાઓ લેતી હોય છે ત્યારે અંજાર-નાગલપર રોડ પર આવેલ સેંટ એલિઝાબેથ સ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતે મનસ્વી રીતે ફીમાં વધારો ઝીંકી દેતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે સવારે સેંટ એલિઝાબેથ સ્કૂલ ખાતે વાલીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી વધારો પાછો ખેંચવા અને શાળામાં જરૂરી માળખાકીય સુવિધાઓની અધૂરાશ પૂરી કરવા માંગ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કે શાળાના ગેટ બંધ કરી દઈ વાલીઓ અને એબીવીપીના કાર્યકરોને શાળામાં આવતા અટકાવવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ જવાનોની હાજરીમાં શાળાનો ગેટ ખોલવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકરો અને વાલીઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા સહિતની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના મનસ્વી વલણ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી અને તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે, ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ માટે સરકાર દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા નિર્ધારિત ફીથી વધુ ફી શાળાઓ વસૂલી શકતી નથી. પણ અંજારની સેંટ એલિઝાબેથ સ્કૂલે નિયમોની છટકબારીનો લાભ લઈ એફઆરસી એપ્રુવલના નામે વાલીઓને મોબાઈલમાં મેસેજ મોકલી દઈ વધુ ફીની માંગણી કરી છે. આ બાબતને ધ્યાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શાળા સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ વેળાએ સેંટ એલિઝાબેથ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments