Trending News
ક્રાઈમ

ભુજના પોલીસ કવાર્ટર સહિત જિલ્લામાં છ સ્થળોએ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

05 July



જામનગર એલસીબીએ મધ્યપ્રદેશની કુખ્યાત ધાર ગેંગના ત્રણ સાગરીતને ઝડપી ર૮ ગુનાઓનો ભેદ ઉકેલ્યો : ગેંગના ૧ર સાગરીતોની ધરપકડ બાકી : જામનગરના ગુનાઓમાં આરોપીની ધરપકડ થયા બાદ કચ્છ પોલીસ મેળવશે કબજો


ભુજ : કચ્છમાં ઘરફોડ, મંદિર ચોરી, કેબલ ચોરી, વાયર ચોરી સહિતની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. સ્થાનીક પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ છે ત્યારે જામનગર એલસીબીએ મધ્યપ્રદેશની કુખ્યાત ધાર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરીને પશ્ચિમ કચ્છમાં થયેલી છ સમેત ર૮ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ગેંગના ૧ર સાગરીતોની ધરપકડ કરવાની બાકી છે. જામનગર શહેરમાં થયેલી ચોરીના ગુનામાં સ્થાનીક એલસીબીએ બાતમી મળી કે આરોપીઓ બેડીબંદર રોડ પર મહાકાળી સર્કલ પાસે કાળા કલરની નંબર વગરની અર્ટીગા કાર લઈને ઉભા છે અને ગુનાને અંજામ આપવાના છે. જેથી સચોટ બાતમીના આધારે કુખ્યાત ધાર ગેંગને દબોચી લેવા પ્લાન ઘડવામાં આવ્યો હતો. નવી નકોર અર્ટિગા કાર સાથે નીકળેલા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના ધોટીયાદેવ ગામના ૨૩ વર્ષીય રાજુ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ, ૧૯ વર્ષીય દીપક સુમલભાઈ પંચાલ અને ૨૦ વર્ષીય પ્રભુભાઈ જવરસિંહ બઘેલને દબોચી લીધા હતા.આરોપીઓના કબજામાંથી ૧૨ લાખની કાર, ૧.૦૬ લાખ રોકડા ઉપરાંત બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૩,૧૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ૨૮ જેટલા ગુનાની કબુલાત આપી હતી. 
આરોપીઓએ પુછપરછ દરમ્યાન ગુજરાતમાં જામનગર, કચ્છ, રાજકોટ તેમજ મધ્યપ્રદેશ, ઈન્દોર સહિતના સ્થળોએ આચરેલી અલગ અલગ ર૭ ચોરીની કબુલાત આપી હતી. જેમાં એક મહિના અગાઉ ભુજમાં હરીપર રોડ પર રેન્જ આઈજી ઓફિસની બાજુમાં પોલીસ કવાટરમાંથી થયેલી ચોરીની કબુલાત આપવામાં આવી હતી.  અહીં એક સાથે દસ મકાનોના તાળા તુટ્યા હતા. જેમાંથી એક મકાનમાંથી ૪.૮૮ લાખની ચોરી બાબતે ફરિયાદ થઈ હતી. જેમાં સ્થાનીક પોલીસને સફળતા ન મળી પણ જામનગર પોલીસે ગુનો ઉકેલી લીધો હતો. પોલીસ લાઈન બાદ અબડાસાના વાયોરમાં અલ્ટાટ્રેક કંપનીની ટાઉનશીપમાંથી ર.૯૭ લાખની ચોરી થઈ હતી જે ઘટનાએ પણ ચકચાર જગાવી હતી. પરિવાર છત પર સુતો હતો અને રાતે ઘરમાંથી તસ્કરો મતા ઉસેળી ગયા હતા. તો માધાપરના ઈન્દ્રવીલા સોસાયટીમાં આવેલા મકાનમાં એક લાખની રૂપિયા મતાની ચોરી કરવામાં આવી હતી. આ સિવાય માનકુવા, માધાપર અને પ્રાગપરમાંથી ૧.૯૦ લાખની કિંમતના ચાર બાઈક ચોર્યા હોવાની કબુલાત આપી છે. આ સિવાય અલગ અલગ ર૭ ગુના કબુલી લેતા હાલે ત્રણેયનો કબજો જામનગર પોલીસ પાસે છે. બાદમાં કચ્છ પોલીસ ઉપરોકત ગુનાઓમાં આરોપીઓનો કબજો મેળશવે.  અત્રે મહત્વનું છે કે, માધાપર પોલીસની હદમાં જે પણ ચોરીના ગુના દાખલ થયા છે તે ગુનામાં સ્થાનીક પોલીસ આરોપીને ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ભુજ કરતા માધાપરમાં રહેણાંક વિસ્તારો, ટાઉનશીપ, સોસાયટી વિકસી રહી છે.  આખા જિલ્લામાં અલગ અલગ કંપનીઓ, ખાવડાનો સોલાર પ્રોજેકટ હોય કે લખપતમાં પવનચક્કી તમામ સ્થળોએ કામ કરતા અધિકારી, કર્મચારીઓ ભુજ આસપાસના વિસ્તારમાં રહેતા હોય છે જેમાં પણ પહેલી પસંદગી માધાપરની હોય છે. ગૃહ વિભાગે ભવિષ્યમાં માધાપરની વસ્તીને ધ્યાને રાખી તેમજ અહીંના એનઆરઈ અને એશિયાનું ધનિક ગામ હોવાના નાતે અહીં પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન મંજુર કર્યું હોવા છતાં અહીં  ગુનાઓ બને છે જે ઉકેલાતા નથી જે મહત્વનો મુદ્દો છે. આ બાબતે સ્થાનીકો દ્વારા અવારનવાર પોલીસવડાની કચેરીનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

.........



જામનગરના એસપીએ પોલીસને ઈનામ જાહેર કર્યું

મહત્વની સફળતા મેળવવા સંદર્ભે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા એલસીબીને અભિનંદન આપી પાંચ હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ ગુનો ઉકેલવામાં એલસીબીના પીઆઈ વી. એમ. લગારીયા, પીએસઆઈ આર. કે. કરમટા, પી. એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, શરદભાઈ પરમાર, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ તલવાડીયા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, કલ્પેશભાઈ મૈયળ, હરદીપભાઈ બાયડ, મયુરસિંહ પરમાર, ઋશીરાજસિંહ વાળા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.


.......


ગુનો આચરતા પહેલા રીલ્સ બનાવતા

આંતરરાજય ગેંગના આ શખ્સો ગુનો આચરતા પહેલા સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાનું ચૂકતા ન હતા. તેમજ આરોપીઓ જે સોસાયટીમાં સિક્યુરીટી ગાર્ડ હોય તેવી સોસાયટીને જ ચોરી માટે પસંદ કરતા હતા. જયાં ચોરી કરવાની હોય ત્યાં ત્રણ થી ચાર સાગરીતો સાથે પ્લાન સાથે પહોંચી જતા. ચોરીને અંજામ આપી ભાગી જતા હતા.

........


અત્યાર સુધી પ૦ લાખથી વધુની ચોરી કરી
 

આ ગેંગનો મુખ્ય સુત્રધાર રાજુ ઉર્ફે ગુડીયા પંચાલ છે. જે પોતાના ૧પથી વધુ સાગરીતો મારફતે ગેંગ બનાવી લૂંટ, ધાડ, અપહરણ, ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિતના ગુનાઓ આચરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોના જિલ્લાઓમાં રાત્રી દરમ્યાન બંધ મકાનના તાળા ડીસમીશ, ગણેશીયા, હથોડી, પકડ, પાના જેવા હથિયારોથી તોડી બનાવને અંજામ આપે છે. અત્યાર સુધી સોના ચાંદીના ૪૦ લાખના દાગીના, સાતેક લાખ રૂપિયા રોકડા અને ત્રણ લાખના બાઈક - લેપટોપ સહિતનાની ચોરી - લૂંટ કરી હોવાની કબુલાત આપી છે.

........


આ બાર શખ્સોની ધરપકડ બાકી, જેમાંથી ત્રણ જેલમાં

પુછપરછ દરમ્યાન ૧ર સાગરીતોના નામ ખુલવા પામ્યા છે. જેમાં ધાર જિલ્લાના સંજય ભંવરસિંઘ પંચાલ, અનીલ ગુમાનભાઈ મકવાણા, સુખરામ, દિનેશભાઈ અલાવા, સંતોષ, રાહુલ સજ્જનભાઈ બઘેલ, વિશાલ મંડલોઈ, રાહુલનો મિત્ર પ્રદીપ, રતલામનો જીતેન્દ્ર તેમજ જેલમાં રહેલા રામસિંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસિંગ અજનારી, રાજુ ઉર્ફે કેકડે મંડુભાઈ બઘેલ, લાલુ ઉર્ફે લાલસિંગ ઈન્દ્રસિંગ મંડલોઈની જેલમાંથી કસ્ટડી મેળવાશે.

........


ઝડપાયેલા આરોપીઓ અગાઉ બળાત્કાર, મર્ડર સહિતના ગુનાઓમાં સંડોવાયેલા

ઝડપાયેલા આરોપીઓ માત્ર રીઢા તસ્કર નથી, તેઓ ખુંખાર ગુનેગાર છે. આરોપીઓ સામે ધાર જિલ્લાના બાઘ પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર, પીસ્તોલ સાથે મર્ડર, ખુનની કોશિષ, લૂંટ, ધાડ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.


......

Comments

COMMENT / REPLY FROM