સહકારથી સમૃદ્ધિનું સુત્ર ચરિતાર્થ કરવા કેડીસીસી બેંક કટિબદ્ધ : દેવરાજભાઈ ગઢવી
જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકના ચેરમેન પદે દેવરાજભાઈ ગઢવીની પુનઃ વરણી : વાઈસ ચેરમેન પદે અંબાવીભાઈ વાવીયા રીપીટ : બેંકના ગ્રોથને વધારવા સાથે થાપણદારો અને ગ્રાહકોને સંતોષકારક સેવાઓ આપવા ચેરમેનશ્રીએ આપી ખાતરી : બેંકીંગ સેવાનો વ્યાપ વધારવા દુર્ગમ વિસ્તારોમાં નવી શાખાઓ થશે શરૂ : ગ્રાહકોને મોબાઈલ બેકીંગ સેવાનો લાભ આપવા આયોજન
ભુજ : કચ્છ જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકના ચેરમેન પદે પુનઃ દેવરાજભાઈ ગઢવીની પસંદગી થતા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદાર ધરાવતી કેડીસીસી બેંકના વર્તમાન ચેરમેન દેવરાજભાઈ ગઢવીની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના નાયબ કલેકટર એ. બી.જાદવના અધ્યક્ષ સ્થાને કેડીસીસી બેંક ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીની પૂર્વ સંધ્યાએ તમામ ડાયરેકટરોને હાજર રહેવા વ્હીપ જારી કરાયું હતું. ચેરમેન પદ માટે ચાલતી ખેંચતાણના કારણે જિલ્લાના રાજકીય સમીક્ષકોની મીટ ચેરમેનની ચૂંટણી પર મંડાઈ હતી. જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કેડીસીસી બેંકના ચેરમેન તરીકે કેટલાક નામોની અટકળો ચાલી હતી પરંતુ આજે હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયામાં તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું હતું. ચેરમેન તરીકે દેવરાજભાઈ ગઢવીના નામની દરખાસ્ત વલમજીભાઈ હુંબલે મુકી હતી જેને ટેકો આપ્યો હતો. વાઈસ ચેરમેન અંબાવીભાઈ વાવિયાના નામની દરખાસ્ત મનુભા જાડેજાએ મુકી હતી જેને ઈન્દ્રજીતસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી બેંકના ચેરમેન તરીકે સેવા આપનાર દેવરાજભાઈ ગઢવીએ ચેરમેન તરીકે પુનઃ પસંદગી બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેકટરનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે આગામી દિવસોમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાયના વિઝન અનુસાર અંત્યોદય સુધી વિકાસનો લાભ પહોંચાડવા બેંકની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. સહકારથી સમૃદ્ધના સુત્રને સાકાર કરવામાં જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક મહત્વનું પાસુ છે ત્યારે આવનાર દિવસોમાં કેડીસીસી બેંકની દુર્ગભ વિસ્તારોમાં નવી શાખાઓ શરૂ કરવા અને મોબાઈલ બેંકીંગ સેવા શરૂ કરવાની નેમ વ્યકત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને મજબુત કરવા અનેક યોજનાઓ બનાવી છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજય સરકારના પાયલોટ પ્રોજેકટના માધ્યમથી સહકારી સંસ્થાઓ સુદ્રઢ બની છે. કેડીસીસી બેંકે છેલ્લા ૩ મહિનામાં ર૭ હજાર પશુપાલકોના બેંક ખાતા ખોલી તેમને બેંક સેવા સાથે સાંકળી લીધા છે. દુર્ગમ વિસ્તારના લોકો માટે માઈક્રો એટીએમ યોજના પર કામ ચાલી રહ્યું છે. બેંકની વિતેલી એક દાયકાની પ્રગતિ અંગે વાત કરતા શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, ર૦૧૩ માં જયારે તેઓ બેંકના ચેરમેન બન્યા ત્યારે બેંકની ડીપોઝીટ ૮ર કરોડ હતી તે વધીને ૩૧૧ કરોડ પર પહોંચી છે. બેંકનો એનપીએ ૪૦ ટકાથી ઘટી ૪ ટકા થયો છે. બેંકનો લોન પોર્ટફોલિયો ૭૦ કરોડથી વધી રપ૦ કરોડ જયારે શેર ભંડોળ ૯ કરોડથી વધી રપ કરોડ થયું છે. આવનાર દિવસોમાં પણ બેંકના થાપણદારો, ગ્રાહકોને સારી સેવા આપી બેંકનો ગ્રોથ ઉત્તરોત્તર વધારવાની દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. આજે બેંકના વાઈસ ચેરમેન તરીકે અંબાવીભાઈ વાવિયાની પુનઃ પસંદગી કરવામાં આવી હતી. આ વેળાએ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, ઈન્દ્રજીતસિંહ જાડેજા, બેંકના ડાયરેકટર હરીભાઈ જાટીયા, ભાઈલાલ માધવજી પટેલ, વેસલજી મોડજી તુંવર, કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પી. જાડેજા, જયસુખલાલ પટેલ, મનુભા જાડેજા, નારણભાઈ ઢીલા, મહિદીપસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી, બાલકૃષ્ણ મોતા, જયંત ઠક્કર, ભૌમિક વચ્છરાજાની, દેવદત ગઢવી, ધીરેનભાઈ ઠક્કર, ગૌતમભાઈ શેઠીયા, પબુભાઈ ગઢવી, ડો. રામ ગઢવી, રમેશભાઈ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ, કચ્છના તમામ છ ધારાસભ્યોએ હોદ્દેદારોને અભિનંદન સંદેશ પાઠવ્યો હતો.

Comments