Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સોલાર પેનલના ૪૧૬ ગ્રાહકો વીજ મીટરની જોઈ રહ્યા છે રાહ 

29 June




ગત બે માસથી ગર્વમેન્ટ પોર્ટલ ઠપ્પ થતા ગ્રાહક એપ્લિકેશનની એન્ટ્રીનું કામ પડ્યું ઘોંચમાં : પોર્ટલમાં ઉદ્દભવતી ક્ષતિઓના નિરાકરણ માટે તંત્રની કવાયત 


ભુજ : વીજ ગ્રાહકોના બીલ શૂન્ય થાય અને સોલાર પેનલ મારફતે ગ્રાહક જાતે જ વીજ ઉત્પાદક બને તે માટે જોરજોરથી શરૂ કરાયેલા સરકારના અભિયાનને ઝટકો લાગ્યો છે. સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવનાર ગ્રાહકોને વીજ મીટરની ફાળવણી સુનિશ્ચિત કરતું સેન્ટ્રલ ગર્વમેન્ટનું પોર્ટલ છેલ્લા બે મહિનાથી ખોટકાયું હોવાથી કચ્છમાં સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવના ગ્રાહકોને વીજ મીટર ફાળવવામાં ન આવ્યા હોવાની બૂમ ઉઠી છે. 
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સરકારના સોલાર પેનલ અભિયાનને સફળ બનાવવા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સરકારમાન્ય સોલાર પેનલોને વધુને વધુ ગ્રાહકો ઈન્સ્ટોલ કરાવે તે દિશામાં ભરચક પ્રયાસો ચાલી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અનેક ડિસ્ટ્રીબ્યુટર સોલાર પેનલની ફિટીંગની કામગીરી સાથે સંકળાયેલા છે. કચ્છ જિલ્લામાં અનેક લોકોએ પોતાના રહેણાકંના મકાનોમાં સોલાર પેનલ ઈન્સ્ટોલ કરાવી છે પરંતુ પશ્ચિમ કચ્છમાં ૪૧૬ સોલાર પેનલ લગાડનાર ગ્રાહકો પોતાને વીજ મીટર ફાળવવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. સોલાર પેનલ ફીટ થયા બાદ વીજ મીટર ન લાગતા સોલાર પેનલ લગાડનાર વિક્રેતા અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. ભુજની વીજ ડિવિઝનની કચેરીએ સોલાર પેનલના ગ્રાહકો દ્વારા વીજ મીટરની ઈન્કવાયરી વધી છીે. ભુજની પીજીવીસીએલ કચેરીના અધિકારીના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છમાં ૪૦૦થી વધુ સોલાર પેનલ લગાડનાર ગ્રાહકોની વીજ મીટર માટેની અરજી પેન્ડિંગ છે. છેલ્લા બે મહિનાથી સોલાર પેનલના ગ્રાહકોને વીજ મીટરની નોંધણીના પોર્ટલમાં એરર આવી રહી છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે આ મામલો અટકી પડ્યો હતો. પણ હવે ટુંક સમયમાં આ અંગે મળનારી બેઠકમાં ફાઈનલ નિર્ણય લેવાયા બાદ પોર્ટલ ફરી શરૂ થશે તેવી સંભાવના છે. છેલ્લા બે માસથી પોર્ટલમાં ક્ષતિના કારણે સોલાર પેનલ લગાવનાર ગ્રાહકોને વીજ મીટર ફાળવવા માટેની દૈનિક એપ્લિકેશનની એન્ટ્રી ઘોંચમાં મૂકાઈ હતી. કેટલીક વખત એન્ટ્રી સબમીટ થયા બાદ ફાઈનલ રિપોર્ટમાં એન્ટ્રી દર્શાવાતી ન હતી. રાજ્યમાં કેટલાક કિસ્સાઓમાં જે-તે વિસ્તારના ગ્રાહકની એન્ટ્રી અન્ય રાજ્યમાં બતાવતી હોવાનું પણ  જોવા મળ્યું હતું. રોજેરોજની પ્રાયોરિટી પણ જળવાતી ન હતી. કચ્છ સહિત રાજ્યભરમાં આ સમસ્યાના કારણે પોર્ટલને હોલ્ટ પર મૂકવામાં આવ્યું છે. પોર્ટલમાં ઉદ્દભવતી ક્ષતિઓના નિરાકરણ સાથે જિલ્લા વાઈઝ રોજેરોજ એન્ટ્રી સહિતના નવા આયામ ઈનપુટ સાથે આગામી સમયમાં પોર્ટલ પુનઃ કાર્યરત થશે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM