રાપરમાં મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતો ડાભુંડાનો શખ્સ કાયદાના સાણસામાં
પૂર્વ કચ્છમાં લોક દરબાર પૂર્વે કામગીરી બતાવવા માટે બે ફરિયાદ નોંધાઈ : પશ્ચિમ કચ્છ પોલીસ કયારે જાગશે ?
રાપર : પૂર્વ કચ્છમાં વ્યાજખોરો સામે લોક દરબાર યોજાય તે પૂર્વે મેઘપર બોરીચી અને હવે રાપરમાં ફરિયાદ દાખલ થઈ છે. મહિને ૧૦ ટકા વ્યાજ ઉઘરાવતા ડાભુંડાના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના એસપી પાસે હાલમાં પશ્ચિમ કચ્છનો ચાર્જ છે તેમ છતાં પશ્ચિમ કચ્છમાં વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પોલીસ કામગીરી બતાવવા માટે કેસો કરશે કે નહીં ? તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. ફરિયાદી રાપરમાં રહેતા ઈશ્વરભાઈ જાદવજીભાઈ દરજીએ ર૦૧૯માં દિકરાનો ધંધો બરોબર ન ચાલતો હોઈ ટ્રકના લોનના હપ્તા ભરવા માટે ડાભુંડાના પ્રદીપસિંહ ગંભીરસિંહ સોઢા પાસેથી ત્રણ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. દર મહિને ૩૦ હજાર વ્યાજ ચુકવ્યું. બાદમાં ર૦ર૦ માં ફરી બે લાખ રૂપિયા લીધા હતા. દર મહિને પ૦ હજાર રૂપિયા વ્યાજ ચુકવવામાં આવતું હતું. ર૦ર૧ માં સગવડ થતા દિકરાએ બે લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્રણ લાખ રૂપિયા આપવાના હતા. બાદમાં પાંચ ટકા લેખે મહિને ૧પ હજાર વ્યાજ ચુકવ્યું અને છેલ્લા છ મહિનાથી બે ટકા લેખે છ હજાર વ્યાજ ચુકવવામાં આવે છે. અત્યાર સુધી પાંચ લાખની સામે વ્યાજ સહિત ૧૧.૪૦ લાખ ચુકવ્યા છતાં પ્રદીપસિંહ પઠાણી ઉઘરાણી કરે છે. વ્યાજ ચુકવવામાં મોડું થાય તો દુકાને આવી જાય છે અને ધાક ધમકી કરે છે. ગત ૩ જુનના પ્રદીપસિંહ ફરિયાદીને હમીરપરની વાડીએ લઈ ગયો ત્યાં ધકબુશટનો માર પણ માર્યો હતો. પઠાણી ઉઘરાણીના કારણે દિકરો ભાગીને મુંબઈ ચાલ્યો ગયો છે. જેથી વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Comments