આખરે અંજારમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બંગાળી કારીગર ઝડપાયો
સોની વેપારીને આપઘાત કરવા માટે કર્યો હતો મજબુર
એલસીબીએ અમદાવાદથી તપન સાહુને ઝડપી લીધો : આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે : જે કામ છ મહિનાથી અંજાર પોલીસ ન કરી શકી તે છ દિવસમાં એલસીબીએ કરી બતાવ્યું
અંજાર : શહેરમાં સોની વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી ફુલેકું ફેરવીને બંગાળી કારીગર ભાગી ગયો હતો. આર્થીક સંકળામણમાં આવી જતા વેપારીએ આપઘાત કરી લીધો હતો. જે અંગે ફરિયાદ થતા એલસીબીએ અમદાવાદથી કારીગરને ઝડપી લીધો છે. જે કામ અંજાર પોલીસ ન કરી શકી તે કામ એલસીબીએ કરી બતાવ્યું છે. આ અંગેની વિગતો મુજબ અંજારના સોની વેપારી બંધુઓ મનીષભાઈ અને તેના ભાઈએ બંગાળી કારીગર તપન સાહુને દાગીના બનાવવા માટે સોનુ આપ્યું હતું. વિશ્વાસ કેળવીને તપને બન્ને ભાઈઓને દોઢ કરોડનો ચુનો ચોપડયો હતો. સોનુ મેળવી દાગીના ન બનાવી આપી ઠગાઈ કરવામાં આવી હતી. બંગાળી કારીગર ભાગી જતા ડિસેમ્બર મહિનાથી ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના પગથીયા ઘસી નાખ્યા હતા. જે બાદ માર્ચ મહિનામાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જો કે ફરિયાદ દાખલ થયા બાદ પણ અંજાર પોલીસે આરોપીને પકડયો નહીં તેની પત્ની અંજારના સોરઠીયા ફળિયામાં રહેતી હતી. ભોગગ્રસ્તો ઘરે ગયા ત્યારે પત્નિ રીનાએ તમારાથી થાય તે કરી લ્યો. સોનુ નહીં મળે તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. દરેક જગ્યાએથી હતાશા મળી અને જીવન મુડીના પ૩ લાખ લઈ બંગાળી કારીગર ભાગી જતા મનીષભાઈ બુધ્ધભટ્ટીએ રેલવે સ્ટેશને જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના આક્રોશના કારણે આખરે અંજાર પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી જેથી બંગાળી કારીગર અને પત્નિ સામે ફરિયાદ દાખલ થઈ અને તે બાદ બે દિવસ રહીને ૩૪ લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ એસપીએ એલસીબીને સોંપતા એલસીબીના પીઆઈ નારણ ચુડાસમાની ટીમે વર્કઆઉટ કરી બાતમીના આધારે અમદાવાદથી બંગાળી કારીગર ૪૪ વર્ષિય તપન અમુલ સાહુને ઝડપી પાડયો છે. તેની સામે અત્યાર સુધી ૧.૮૯ કરોડની ઠગાઈની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઈ છે. આરોપી ઝડપાઈ જતા હજુ પણ ભોગગ્રસ્તો આગળ આવે તેવી શક્યતા છે. નવાઈની વાત એ છે કે, છ મહિનાથી અંજાર પોલીસ આ આરોપીને પકડવામાં નિષ્ફળ સાબિત થતા વેપારીને આપઘાત કરવાની ફરજ પડી અને એલસીબીએ છ દિવસમાં જ આરોપીને ઝડપી લીધો છે. જો અંજાર પોલીસે આવી કામગીરી કરી હોત તો આજે પરિવાર બરબાદ થતા બચ્યો હોત તેમ લોકો કહી રહ્યા છે.

Comments