કચ્છ ખાણ ખનીજ વિભાગના આકરા તેવરથી બાંધકામ ક્ષેત્રમાં હડકંપ
ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓને કાળાબજારીનો મળશે મોકળો મેદાન
જિલ્લાની ૩૦૦થી વધુ માન્ય લીઝ પર ખનન બંધ થવાની રો-મટેરીયલની સર્જાશે અછત : બિલ્ડિંગ સ્ટોન, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ જેવી અનેક લીઝ બંધ થવાની જિલ્લામાં હાલે પ્રગતિમાં સરકારી અને ખાનગી પ્રોજેક્ટ માટે સર્જાશે મુસીબત : જાણકારોએ વ્યક્ત કરી ભીતિ
ભુજ : કચ્છ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરી વિના ધમધમતી લીઝ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થવાના સંકેત સાંપડી રહ્યા છે. નવ મહિના અગાઉ જિલ્લામાં પર્યાવરણીય મંજૂરી વિના કાર્યરત રેતીની લીઝ એક ઝાટકે બંધ કરાવી હવે ખાણ-ખનીજ વિભાગે બિલ્ડિંગ સ્ટોન, બ્લેકટ્રેપ, ચાઈનાકલે, બેન્ટોનાઈ જેવી ખનીજની લીઝ સામે મોરચો માંડ્યો છે. ગુજરાત સ્ટેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેક એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા ખનન પ્રવૃત્તિ પહેલા એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ (ઈસી) મેળવવાનું અનિવાર્ય છે પરંતુ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મોટાભાગના લીઝધારકો ઈસી ધરાવતા નથી જેથી આવનાર દિવસોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તેવી તમામ લીઝને બંધ કરી દેવામાં આવશે. ખાણ ખનીજ વિભાગે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં લીઝધારકોની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે હવે ગણતરીના જ સમયમાં ઈસી વગરની લીઝ બંધ થવાની તલવાર લટકી રહી છે. તો બીજી તરફ ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફીયાઓને મોકળું મેદાન મળી જશે તો પણ નવાઈ નહી હોય. રેતી બાદ હવે બિલ્ડિંગ સ્ટોન, બેન્ટોનાઈટ, ચાઈનાક્લે અને બ્લેકટ્રેપ જેવી લીઝ બંધ થશે. તો રોયલ્ટી બંધ થવાના કારણે સરકારી તિજોરીને થશે. કચ્છમાં ખનીજ ખનનની રોયલ્ટી માફરતે સરકારે મોટી આવક થાય છે. જો તમામ લીઝ બંધ થશે તો આવકમાં ઓટ આવશે. આ ઉપરાંત સ્થાનિક રોજગારી મેળવતા લોકોની આજીવિકાને પણ નકારાત્મક અસરો થશે. કચ્છમાં નિકળતી ખનીજ મોટા બાગે કાચા મટીરિયલ્સ તરીકે ઉદ્યોગો ઉપયોગ કરતા હોઈ તેના ઉત્પાદનમા પણ અસર પડશે.માન્ય લીઝ બંધ થવાથી બાંધકામ સહિતના ક્ષેત્રમાં પણ રો-મટેરીયલની મોટી અછત ઊભી થવાની દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં અનેક નાના-મોટા સરકારી પ્રોજેક્ટ હાલે પ્રગતિમાં છે. નેશનલ હાઈવે, બ્રિજના નિર્માણ, પાણી યોજનાના કામો ઉપરાંત સરકારી ભવનોના બાંધકામ પ્રગતિમાં છે. લીઝ બંધ થવાથી મટેરીયલની અછતના કારણે વિકાસ કામોને પણ બ્રેક લાગશે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી હતી. હાલ કચ્છના ખાવડા સહિત સરહદ ઉપર અનેક પ્રોજેકટો ચાલી રહ્યા છે. તો બીજી તરફ ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓની ગેરપ્રવૃત્તિને વેગ મળશે. જિલ્લામાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. કાયદાના ભય વીના ખનીજ માફિયાઓ સરકારી તંત્રને ચૂનો ચોપડી મોટાપાયે કિંમતી ખનીજનું ખનન કરતા રહ્યા છે. માન્ય લીઝ બંધ થવાની ગેરકાયદેસર ધોરણે ચાલતી પ્રવૃત્તિને બખ્ખા થઈ જશે. મટેરીયલની આપૂર્તિ માટે ગોરખધંધા કરતા ભૂમાફિયાઓ એક માત્ર વિકલ્પ બચશે તો તેનો તેઓ જરૂર ગેરલાભ લઈ મોં માંગ્યા દામ વસૂલશે તેવી ભિતિ બાંધકામ ક્ષેત્ર સહિત અનેક ઉદોગો સાથે સંકળાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
........
મંજૂરીની જટીલ પ્રક્રિયા
કચ્છ જિલ્લાના માન્ય લીઝધારકોએ જણાવ્યું કે, ગુજરાત સ્ટેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરિટી પાસેથી ઈસી મેળવવાની પ્રક્રિયા ખુબ જટીલ છે. સરકારે વર્ષ ર૦૧૬ મા ડિસ્ટ્રીક્ટ કમિટી પાસેથી ઈસી મેળવવાનો નિયમ બનાવ્ય હતો. જે-તે સમયે અનેક લીઝ ધારકોએ ડિસ્ટ્રીક્ટ કમિટી પાસેથી પર્યાવરણીય મંજૂરી મેળવી હતી. હવે નિયમમાં બદલાવ ફરી સ્ટેટ કમિટી પાસેથી ઈસી મેળવવાની રહે છે. આ પ્રક્રિયા ખૂબ જટીલ અને લાંબી છે. અનેક લીઝધારકોએ ઈસી મેળવવા અરજી કરેલ છે. ભૂતકાળમાં તંત્ર ઈસી મેળવવા કરેલ અરજીને ગ્રાહ્ય રાખતું હતું પરંતુ હવે અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. પર્યાવરણીય મંજૂરી મેળવવામાં ઘણી વખત અમુક તત્ત્વો પણ બાધક બનતા હોય છે. લીઝધારકો માટે સ્ટેટ કમિટી પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા સમાન કઠીન બની છે. તંત્ર દ્વારા મંજૂરી મેળવવા માટે પૂરતો સમય આપવામાં આવે તેવી માંગ પણ લીઝધારકો કરી રહ્યા છે.
.......
કચ્છમાં ૩૦૦થી વધુ લીઝ પર અટકશે ખનન
પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારિયાએ જણાવ્યું હતુંકે, પૂર્વ કચ્છમાં અંદાજીત ૧૦૦ અને પશ્ચિમ કચ્છમાં ર૪૦ જેટલા લીઝધારકો સાથે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. નિયમાનુસાર ખનન શરૂ કરતા પૂર્વે જ પર્યાવરણીય મંજૂરી લેવાની થતી હોય છે તેથી ઈસી મેળવવા માટે કોઈ મુદ્દત આપી શકાય નહીં. લીઝ ધારકોની સુનાવણી બાદ આવનાર દિવસોમાં મંજૂરી વિનાની લીઝ પર ખનન બંધ કરાવવાના પગલાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ખાણ ખનીજ વિભાગના આકરા તેવરને જોતા આવનાર દિવસોમાં કચ્છમાં ૩૦૦થી વધુ લીઝ બંધ થવાની તલવાર લટકી રહી છે.
..........
સ્થાનિક રોજગારીને માઠી અસર
ખાણ ખનીજ વિભાગ દ્વારા એન્વાર્યમેન્ટ કિલયરન્સ રજૂ ન કરનાર લીઝ પર ખનન બંધ કરાવવામાં આવશે તો સ્થાનિકોને ખાણ પર મળતી રોજગારી પણ છીનવાઈ જશે. કચ્છ જિલ્લાની નાની-મોટી ખાણ પર હજારો શ્રમજીવીઓ, ડ્રાઈવરો રોજગાર મેળવી રહ્યા છે. ખનન પ્રવૃત્તિ પર રોક લાગતા શ્રમજીવી વર્ગની રોજગારી છિનવાઈ જશે.
મટેરીયલના ભાવમાં થશે ભડકો
કચ્છ જિલ્લાની બિલ્ડિંગ સ્ટોન, બ્લેકટ્રેપ, બેન્ટોનાઈટ વગેરે જેવી માન્ય લીઝ પર ખનન બંધ થવાથી રો-મટેરીયલની ભારે અછત ઊભી શથે. કચ્છમાં હાલે અનેક નાના-મોટા સરકારી અને ખાનગી પ્રોજેક્ટમાં છે. માન્ય લીઝ બંધ થઈ જતા પ્રોજેક્ટ માટે જરૂરી રો-મટેરીયલની અછત સર્જાશે. જેનાથી રો-મટેરિયલના ભાવમાં તોતીંગ વધારો થશે તેવી ભીતિ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
......

Comments