Trending News
સ્થાનિક સમાચાર

અંજારના બંગાળી કારીગર સામે વધુ એક ૩૪ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ 

22 June

સોની વેપારીના આપઘાત બાદ માછલા ધોવાતા રહી રહીને અંજાર પોલીસ જાગી


નવેમ્બર-ર૦ર૩ મા થયેલી છેતરપીંડીની ફરિયાદ પોલીસે હવે નોંધી : બંગાળી કારીગરની પત્ની અંજારમાં જ રહેતી હોવા છતા બાહોશ પોલીસ તેના પતિ સુધી ન પહોંચી શકતા પોલીસ શંકાના દાયરામાં 


અંજાર : અંજારમાં બંગાળી કારીગરે સોના-ચાંદીના વેપારીઓનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવતા દેવામાં ડૂબી ગયેલા વેપારી મનીષભાઈ બુદ્ધભટ્ટીએ રેલવે સ્ટેશને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે અંજાર પોલીસની સ્પષ્ટ બેદરકારી સામે આવી છે. મામલો પોલીસ વડા સુધી પહોંચતા અંજાર પોલીસ હવે હવાતીયા મારી રહી છે ત્યારે નવેમ્બર-ર૦ર૩ મા થયેલી છેતરપીંડીની વધુ એક ફરિયાદ બંગાળી કારીગર સામે દાખલ કરીને રહીસહી ઈજ્જત બચાવવાનો પ્રયાસ કર્યો છે. અંજારના પ્રભાતનગરમાં રહેતા અમ્રતબેન દેવરામભાઈ બાંભણીયા (સોરઠીયા)ના જણાવ્યા પ્રમાણે અંજારના સોરઠીયા ફળિયામાં રહેતા બંગાળી કારીગર તપન શાહુનો ઘનશ્યામ વર્કશોપ નામથી સોના-ચાંદીના દાગીના બનાવવાનું વર્કશોપ હોવાથી ત્યાં દાગીના બનાવવા માટે આપ્યા હતા. આ કારીગર સાથે સાતેક વર્ષથી કામ કરતા હોઈ પારિવારીક સંબંધો હતા. આ તપન શાહુને પાંચ હાર બનાવવા અને એક હાર આસરે સાડા છ તોલાનો બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. હાર બનાવવા માટે ૧૮ લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ સોનાનો ૬૦ ગ્રામ વજન ધરાવતો હાર, રપ ગ્રામની વીંટી, રપ ગ્રામની પીન સહિતના ઘરેણા આપ્યા હતા. તેમજ મોટી દીકરી માટે હાથમાં પહેરવાના પાટલા બનાવવાના હોવાથી ૧૦ લાખ રૂપિયા બેન્ક મારફતે આઠ મહિના પહેલા ટ્રાન્સફર કર્યા હતા. સાત મહિના પહેલા તપનને સોનાના દાગીના બનાવવા અને રિપેરીંગ માટે આપ્યા હતા. દાગીના માંગતા તપને વાયદા કર્યા હતા. બાદમાં તેનો ફોન આવ્યો તેના ઘરે ગયા તો રીના શાહુ એકલી હતી. તપન ઘરે હાજર ન હતો. તેની પત્નીને કહ્યું કે, મારો પતિ તમારા જેવા કેટલાયના દાગીના લઈ ગયો છે. હવે તમે તમારા દાગીના ભુલી જાજો અને બીજી વખત માંગવા આવ્યા તો કેસ કરી નાખીશ. મારા પતિ વિરૂદ્ધ કોઈએ ફરિયાદ કરી તો જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. તપન શાહુ અંજારના ઘણા માણસોના સોનાના દાગીના અને રોકડા લઈ ભાગી ગયો છે. ફરિયાદી મહિલાના ૩૪ લાખના દાગીના અને રોકડ લઈ ભાગી જતા બન્ને દંપત્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે મહત્ત્વનો છે કે, બે દિવસ પહેલાં આપઘાત કરનાર વેપારી મનીષભાઈએ તપન સામે પ૩ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. તેમના ભાઈએ એક કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. સોની સમાજના આક્રોશ બાદ તપન અને તેની પત્ની સામે મરવા માટે મજબૂર કરવાની કલમ તળે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ચોથી ફરિયાદ દાખલ થઈ છે

Comments

COMMENT / REPLY FROM