ભચાઉમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મારી છરી વડે હુમલો
ખેતીની જમીનનો ૧૧ લાખમાં સોદો થયા બાદ આરોપીઓએ બાકીના ૧૦ લાખ પણ ન આપ્યા અને પાવર ઓફ એટર્ની કરવા માટે આચર્યું કૃત્ય
ભચાઉ : શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર કારિયાધામ વિસ્તારમાં આધેડનું અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર મરાયો હતો. જેમાં ફરિયાદ થઈ છે. ફરિયાદી ભચાઉમાં રહેતા અરવિંદભાઈ ટોકરશીભાઈ ગડાના જણાવ્યા પ્રમાણે આરોપી લાકડિયાના મદારસિંહ અલિયાજી જાડેજા સાથે ફરિયાદીએ ખેતીની જમીન સર્વે નં. ૩૭૬નો ૧૧ લાખમાં સોદો કર્યો હતો. ૧૦૦ રૂપિયા સ્ટેમ્પ પેપર પર લખાણ કરી તે સમયે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ૧૦ લાખ રૂપિયા આપવાના બાકી હતા. તે રૂપિયા આપ્યા નહીં તેમ છતાં જમીનનો પાવર ઓફ એટર્ની કરવા માટે આરોપી મદારસિંહે લાકડિયાના સિદ્ધરાજસિંહ બળુભા જાડેજા, ભચાઉના આનંદગર વેલગર બાવાજી, ભરત મારાજ સાથે મળી ક્રેટા ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી સિદ્ધરાજસિંહની વાડીએ લઈ જઈ ત્યાં ઢોર માર મારવામાં આવ્યો હતો. લીલા બાવળના ધોકાથી માર મારવામાં આવ્યો હતો. તેમજ ડાબા હાથ પર છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી સારવાર લીધા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments