ખારીરોહરમાં પારિવારીક બાબતે ધીગાણું : ૧૩ સામે ફરિયાદ
ઘર પર પથ્થરમારો કરાયો : આધેડ સામે બંદૂક તાકી મારી નાખવાની ધમકી અપાઈ
ગાંધીધામ : તાલુકાના ખારીરોહર ગામે આવેલ પીર કોલોનીમાં ગઈકાલે બપોરે પારિવારીક બાબતે ધીગાણું સર્જાયું હતું. જેમાં ૧૩ જણા સામે ફરિયાદ દાખલ કરવામાં આવ હતી. મહત્ત્વનો છે કે, આરોપીઓ પૈકી એક જણાએ બંદૂક કાઢી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રફીક ઈબ્રાહીમ સાયચાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની બહેન જેનબબાનુ અને ભાણેજીને આરોપી સિદિક કાસમ ટાંક મારકૂટ કરી ઝઘડો કરતો હોવાથી બહેન રિસામણે આવી હતી. તેના તલાક કેમ કરાવતા નથી તે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓ એક સંપ કરી ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. તેમજ નુરમામદ ઉર્ફે નુરો ગોલી દાઉદ ટાંક નામના શખ્સે નાની બંદૂક કાઢી ફરિયાદીના પિતા ઈબ્રાહીમ સામે તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ઝઘડો કર્યો એ દરમિયાન હાજરાબાઈના બીપી લો થઈ ગયા હતા. તેમજ નુરબાઈને પગના ભાગે પથ્થર વાગ્યો હતો. સિદિક અને નુરમામદ તેમજ મામદ કાસમ ટાંક, અલતાફ ઉર્ફે ભલુ હાજી ટાંક, મામદ ઉર્ફે ટેણી નુરમામદ ટાંક, હાજી સિદિક છરેચા, સુલતાન હાજી ટાંક, મૌસીબ સલીમ ટાંક, મુસા દાઉદ ટાંક, કાસમ મુસા ટાંક, નુરા ગોલીની મા સકીનાબેન તેની બહેન અમીનાબેન, ગટ્ટીઆઈ સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં રાયોટીંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments