ટી- ર૦ વર્લ્ડકપ - ર૦ર૪ વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા હોટ ફેવરીટ : કચ્છમાં સટ્ટા બજાર ગરમ સુપર-૮ મુકાબલાના પ્રારંભે ખુલ્યા ભાવ
ટી-ર૦ વિશ્વ કપ જીતવાનું ૧૭ વર્ષ જુનં સ્વપ્ન સાકાર કરવા રોહિત સેના સજ્જ : સટ્ટાબજારમાં ટાઈટલ જીતવાના દાવેદારોમાં ભારત મોખરે : ઓસ્ટ્રેલિયા બીજા અને ઈંગ્લેન્ડ ત્રીજા ક્રમે ફેવરીટ
ભુજ : અમેરિકા - વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાઈ રહેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડકપનો ખરો રોમાંચ સુપર -૮ મુકાબલાઓની શરૂઆત સાથે ચરમસીમાએ પહોંચ્યો છે. ટી-ર૦ વિશ્વકપની નવમી આવૃતિમાં લીગ સ્ટેજની ર૦ ટીમો પૈકી ૮ ટીમો સુપર-૮માં ક્વોલિફાય થઈ છે. ટી-ર૦ વિશ્વકપ સ્પર્ધાનો પ્રારંભ વર્ષ ર૦૦૭માં થયો હતો., પ્રથમ વિશ્વકપ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે જીત્યો હતો. જો કે, ત્યારબાદ રમાયેલી સાત સ્પર્ધાઓમાં ભારત ખિતાબ જીતી શકયું નથી, પરંતુ આ વર્ષે ભારતની ટીમ ટાઈટલ જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે. લીગ સ્ટેજના મુકાબલામાં ભારતે તેની એક વરસાદના કારણે અનિર્ણિત રહેલી મેચ સિવાય તમામ મુકાબલાઓ જીત્યા હતા. પરંપરાગત હરિફ પાકિસ્તાનને પણ ધુળ ચટાડી ભારત પોતાના ગ્રુપમાં ટોચના સ્ટાને રહ્યું હતું. આ વર્ષે વિશ્વ કપ જીતવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર બની ઉભરી છે. તો આંતરરાષ્ટ્રીય સટ્ટાબજારમાં પણ ભારત જ હોટ ફેવરિટ મનાય છે. બીજીતરફ ક્રીકેટ પર સટ્ટો ખેલાવનાર કચ્છના સટ્ટોડીયા, પંટરો અને સટ્ટાબજાર પણ ઘેલમાં જ આવી ગયુ છે અને અનુમાનો અને દાવો લગાડવાનુ અહી પણ શરૂ થવા પામી ગયુ છે.
જાણકારોની વાત માનીએ તો વર્ષ ર૦રરના ટી-ર૦ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન થયું હતું. ફાઈનલમાં પાકિસ્તાનને હાર આપી ઈંગ્લેન્ડ ટીમ બે ટી - ર૦ વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ પછીની બીજી ટીમ બની હતી. જો કે, ટીમ ઈન્ડિયાને પોતાના બીજા ટી-ર૦ ટાઈટલનો ૧૭ વર્ષથી ઈંતજાર રહ્યો છે. આ ઈંતજાર આ વર્ષે પુરો થશે તેવો આશાવાદ ખેલપ્રેમીઓ રાખી રહ્યા છે. ટી-ર૦ વિશ્વકપની અમેરિકામાં રમાયેલી લીગ સ્ટેજની મેચોમાં ભારતનો દેખાવ સંતોષજનક રહ્યો હતો. ટી-ર૦ની મેચો તખ્તો હવે વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ખસેડાયો છે. વેસ્ટ ઈન્ડિઝની પીચ પર સ્પીનરોની બોલબાલા રહેશે તેવું ક્રિકેટ પંડિતો જણાવી રહ્યા છે. ભારતની ટીમમાં ઉચ્ચ દર્જાના ચાર સ્પીનર બોલર હોવાથી ભારતની ટીમ હરિફોને હંફાવશે તેવું આકલન છે. આંતરરાષ્ટ્રીય સટ્ટાબજારમાં સુપર એઈટમાં પહોંચેલી આઠેેય ટીમોમાંથી ભારતની ટીમ સૌથી ફેવરીટ મનાય છે. બીજાક્રમે ઓસ્ટ્રેલિયા જયારે ૩જા ક્રમે ઈંગ્લેન્ડની ટીમ ફેવરીટ મનાય છે. સટ્ટાબજારમાં ભારતનો ભાવ ૩, ઓસ્ટ્રેલિયાનો ૪, ઈંગ્લેન્ડનો ૬, સાઉથ આફ્રિકનો ૭.પ૦, વેસ્ટઈન્ડિઝનો ૭.પ૦, અફઘાનિસ્તાનનો ર૪, બાંગ્લાદેશનો ૮૧ અને પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી યુએસએની ટીમનો ભાવ ૧૦૧ ચાલી
રહ્યો છે. ગઈકાલે રમાયેલી સુપર ૮ની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિનો મુકાબલો યુએસએ સાથે થયો હતો. જેમાં અપેક્ષિત રીતે સાઉથ આફ્રિકાની ટીમે જીત મેળવી સેમિફાઈનલ ભણી પ્રથમ ડગ માંડ્યું છે. જયારે આજે સવારે સુપર એઈટની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી બંને બળુકી ટીમો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હાર આપી હતી. આજે સાંજે ભારત સુપર એઈટમાં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે. સુપર એઈટની દરેક મેચની સાથે દરેક ટીમના ભાવમાં મોટો ઉલટફેર થવાની શકયતા સટ્ટોડિયા વ્યક્ત કરી રહ્યા છે.
........
આંતરરાષ્ટ્રીય સટ્ટા બજારમાં ભાવનું લિસ્ટ
દેશ ભાવ
ભારત ૩.૦૦
ઓસ્ટ્રેલિયા ૪.૦૦
ઈંગ્લેન્ડ ૬.૦૦
સાઉથ આફ્રિકા ૭.પ૦
વેસ્ટ ઈન્ડિઝ ૭.પ૦
અફઘાનિસ્તાન ર૧.૦૦
બાંગ્લાદેશ ૮૧.૦૦
યુએસએ ૧૦૧.૦૦
.....

Comments