અંજારમાં સોની વેપારીએ આપઘાત કરી લેતા અરેરાટી
ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન પાસે ઝેરી દવા પી લીધી : બંગાળી કારીગર ફુલેકુ ફેરવી જતા દેવામાં ડૂબી ગયેલા વેપારીએ માનસિક તણાવમાં આવીને ભર્યું પગલું : પોલીસની ધીમી તપાસના કારણે આ દિવસ જોવાનો વારો આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ
અંજાર : નવા અંજારમાં રહેતા સોની વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ અંગેની વિગતો મુજબ નયા અંજારમાં રહેતા ૫૮ વર્ષિય મનીષ હરીલાલ બુદ્ધભટ્ટી સોના-ચાંદીના વેપારી છે તેઓએ ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન પાસે જઈને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અગાઉ અંજારમાં એક બંગાળી કારીગરે હતભાગી મનીષભાઈ ઉપરાંત અન્ય વેપારીઓનો વિશ્વાસ કેળવી સોના-ચાંદી દાગીનાનો ઓર્ડર મેળવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ભાગી ગયો હતો. જે અંગે જે-તે સમયે પોલીસમાં રજૂઆતો કરવામાં આવી હતી. ડિસેમ્બર મહિનામાં આ પરિવારે અરજી કરી જે બાદ પોલીસે ઠગાઈનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આજ દિન સુધી આ બંગાળી કારીગર પકડાયો નથી. ધંધામાં દેવામાં ઉતરી ગયા અને ફરાર થયેલો બંગાળી કારીગર ન પકડાતા માનસિક હતાશ થયેલા મનીષભાઈએ આ પગલું ભરી લીધું હતું. ગઈકાલે રાત્રે હોસ્પિટલ બહાર પરિવારજનો અને સમાજના લોકો ભેગા થયા અને આક્રોશભેર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. મહિલાઓએ જણાવ્યું કે, અંજારમાં થયેલી ૪૦ લાખની લૂંટ કેસમાં તાત્કાલિક પોલીસે આરોપી પકડી લીધા, પરંતુ અમારા કિસ્સામાં ત્રણ-ચાર મહિના થવા છતા આરોપીઓ પકડાયો નથી. જેના કારણે અમારે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. પોલીસની ધીમી કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, અંજાર પીઆઈએ આક્ષેપોને નકારી તટસ્થ તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આ કેસમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સોની વેપારીએ આપઘાત કરી લેતા અંજાર શહેરના સોની વેપારીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Comments