વીજ વપરાશ વધુ હોવા છતાં લોડ વધારવા અરજી ન કરનાર ગ્રાહકો દંડાશે
પીજીવીસીએલની ટીમો સ્થળ તપસ કરી લોડ વધારવા મુદ્દે ઉદાસીન વલખ દાખવતા વીજ ગ્રાહકોને ‘લોડ પેનલ્ટી’ રૂપે આપશે કરંટ :
શહેરી વિસ્તારમાં છાસવારે થતા વીજ ધાંધિયા પાછળ વીજ વપરાશ વધ્યો હોવાનું તારણ
ભુજ સિટીમાં તંત્રએ ૬૦૦ ગ્રાહકોને લોડ વધારાની ફટકારી નોટીસ ર૧૪ ગ્રાહકોએ લોડ વધારો કરવા વીજ તંત્રને કરી અરજી
ભુજ : ગત માર્ચ મહિનાથી કચ્છ જિલ્લામાં વીજ ખપતમાં ક્રમશઃ સતત વધારો થયો છે. આ વર્ષે ઉનાળા દરમિયાન કાળઝાળ ગરમી પડતા ગરમીથી રાહત આપતા વીજ ઉપકરણોનો વપરાશ ખુબ વધ્યો હતો જેથી દૈનિક વીજ ખપતમાં પણ વધારો થયો હતો. વીજ વપરાશ અચાનક જ વધી જતા વોલ્ટેજમાં વધ-ઘટ, ફીડર બેસી જવા જેવી અનેક ફરિયાદો રોજિંદી બની ગઈ હતી. ખાસ કરીને ભુજ સહિતના શહેરી વિસ્તારમાં વીજ વિભાગને મળતી ફરિયાદોની સંખ્યા ત્રણ ગણી વધી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભુજ ડિવિઝનના અધિકારી એન.જે.મેએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોથી વીજ ગ્રાહકો દ્વારા નવા વીજ ઉપકરણોનો વપરાશ વધ્યો છે. લોકો પોતાના ઘરમાં નવા-નવા વીજ ઉપકરણો વધારતા હોય છે પરંતુ જે પ્રમાણે વીજ વપરાશ વધે છે. તે પ્રમાણે વીજ લોડ વધારવાની અરજી કરવા આગળ આવતા નથી. કોઈપણ વિસ્તારમાં વીજ વપરાશ વધે તો ટ્રાન્સફોર્મરમાં લોડ વધારવાની જરૂર પડતી હોય છે પરંતુ વીજ ગ્રાહકો સ્વયંભૂ વીજ લોડ વધારવાની અરજી કરવા આગળ આવતા નથી. ભુજ સીટી વિસ્તારમાં પીજીવીસીએલ તંત્રએ ૬૦૦ વીજ ગ્રાહકોને વીજ લોડ વધારવાની પ્રક્રિયા કરવા નોટીસ ફટકારી છે. જે પૈકીના ર૧૪ વીજ ગ્રાહકોએ લોડ વધારવા અરજી કરી છે. ગ્રાહકોની અરજી મળતા વીજ તંત્ર દ્વારા વીજ લોડ વધારવાની કામગીરી આગળ વધારવામાં આવી છે. ભુજ સિટી વિસ્તારમાં રપ ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ગ્રાહકો વીજ લોડ વધારવા અરજી કરવા આગળ નહીં આવે તો આવનાર દિવસોમાં વીજ તંત્રની ટીમો દ્વારા સ્થળ તપાસ કરી લોડ વધારાની પેનલ્ટી ફટકારવાની કામગીરી કરવામાં આવશે. વીજ ગ્રાહકો પેનલ્ટી જેવી દંડનીય કામગીરીથી બચવા ઝડપથી લોડ વધારવા અરજી કરે તવો તેમણે અનુરોધ કર્યો હતો.
........
વીજ ઉપકરણોના વેચાણમાં તોતીંગ વધારો નોંધાયો
ભુજ : આ વર્ષે કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી પડતા ગરમીથી રાહત આપતા ફ્રિજ, એસી, એરકુલર અને વોટરકુલર જેવા વીજ ઉપકરણોનું વેચાણ ખુબ વધ્યું હતું. જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, અંજાર વગેરે શહેરી વિસ્તારોમાં ઈલેકટ્રોનિકસના શો-રૂમ પર એરકન્ડીશનનું વેચાણ ખુબ વધ્યું છે. આ વર્ષે એસીનું ઈન્સ્ટોલેશન અને સર્વિસિંગ કરતા કારીગરો ખુબ વ્યસ્ત બન્યા હોવાથી લોકોને ઈન્સ્ટોલેશન કે સર્વિસ માટે દિવસો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. ઈલેકટ્રોનિક્સના શો-રૂમો પર એસી ઉપરાંત એરકુલર, ફ્રીજનું પણ ધૂમ વેચાણ નોંધાયું હતું. લોકોએ નવા વીજ ઉપકરણો ખરીદી કર્યા હોવાથી વીજ ખપતમાં પણ મોટો વધારો થયો છે.

Comments