સ્થાનિક ડોક્યુમેન્ટના અભાવે કચ્છમાં પરપ્રાંતિય વિદ્યાર્થીઓ નમો લક્ષ્મી યોજનાથી વંચિત
મજૂરી કે અન્ય રોજગાર માટે કચ્છમાં આવેલા પરપ્રાંતિયોની દીકરીઓ યોજના માટે લાયક હોવા છતા નહીં મેળવી શકે લાભ
ભુજ : કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી ર૭થી ર૯ જૂન દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંયુક્ત રીતે ઉજવાશે. આ અન્વયે પ્રવેશપાત્ર તમામ બાળકોની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે શાળાઓને સૂચિત કરવામાં આવી છે. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થિનીઓ પ્રોત્સાહિત થાય તે માટે નમો લક્ષ્મી યોજના અમલમાં આવી છે. જોકે, આ અંતર્ગત કચ્છ જિલ્લામાં વસતા પરપ્રાંતિય પરિવારોની બાળકીઓ આ યોજનાના લાભથી વંચિત રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે નમો લક્ષ્મી યોજના દ્વારા સહાય આપવાનું નિર્ધારિત કરાયું છે. આ યોજનામાં નબળી આવક જુથના કુટુંબોની બાળકીઓને આગળ અભ્યાસની પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પણ આ યોજનાનો લાભ રોજગારી માટે કચ્છમાં આવી વસેલા પરપ્રાંતિય પરિવારની દીકરીઓને ન મળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવા કુટુંબના ડોક્યુમેન્ટ અન્ય સભ્યોના હોવાથી તેઓ સ્થાનિક કક્ષાએથી આવકનો દાખલો મેળવી શકતા નથી. જેના લીધે તે પરિવારની વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળી શકતો નથી. ખાસ કરીને મજૂરી કામ માટે કચ્છમાં વસવાટ કરતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારો આ યોજનાનો લાભ મેળવવા પૂરતી પાત્રતા ધરાવતા હોવા છતાં આવકના દાખલાની એકમાત્ર અધુરાશના કારણે તેમણે યોજનાનો લાભ મળતો નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને ધો.૯ અને ૧૦ માટે કુલ રૂા.ર૦ હજાર અને ધો. ૧૧ અને ૧ર માટે કુલ રૂા. ૩૦ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજનાની અરજી કરવા માટે વિદ્યાર્થિનીના આધાર કાર્ડની નકલ, માતાના આધારકાર્ડ અને બેંક ખાતાની પાસબુકની નકલ, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ જરૂરી બને છે. જોકે, પરપ્રાંતિય શ્રમજીવીઓને સ્થાનિક સ્તરેથી આવકનો દાખલો ન મળવાના કારણે આવા પરિવારની દીકરીઓ નમો લક્ષ્મી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી હોવા છતાં શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકતી નથી. જિલ્લા કક્ષાએ યોજનામાં કોઈ ફેરફાર શક્ય ન હોવાથી સ્થાનિક શિક્ષણ વિભાગ કોઈ સુધાર કરી શકતું નથી.

Comments