Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત રાશનની કાળાબજારીમાં સિન્ડીકેટ સક્રિય 

19 June

એકલદોકલ દુકાનધારકને દંડવાથી શું થશે ? 



ગાંધીનગરથી આવેલી પુરવઠા વિભાગની ટીમે કરેલી તપાસ અને ત્યારબાદ થયેલી દંડાત્મક કાર્યવાહીના પગલે કચ્છમાં રાશનની કાળાબજારીનો મુદ્દો ફરી બન્યો લોકચર્ચાનું કેન્દ્ર 



સરકાર દ્વારા અપાતું રાશન સાચા લાભાર્થી સુધી પહોંચવાના બદલે કારોબાર ઓપન માર્કેટમાં દેવાય છે વેચી : વ્યાપક બનેલી ગેરરીતિમાં માત્ર લાલચુ રેશનીંગ દુકાનદારો જ નહીં, સરકારી તંત્રના કેટલાક ભ્રષ્ટકર્મીઓની પણ સંડોવણીની આશંકા : કાળા બજારીના કૌભાંડમાં બોટમ ટુ ટોપ ચોક્કસ સિન્ડેકેટ સક્રિય : કચ્છમાં રાશનનો ઓછો જથ્થો મળતો હોવાની વ્યાપક ફરિયાદો છતા તંત્રની નિભરતા સામે તકાઈ શંકાની સોય : ગાંધીનગરની ટીમ ગેરરીતિ પકડી શકે તો સ્થાનિક તંત્રને કોની નડે છે શરમ ? પુર્વ - કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ રાશનકાર્ડ ધારકને અનાજનો જથ્થો ઓછા મળતો હોવાની ફરિયાદો અવાર - નવાર ચર્ચામાં આવતી હોય છે...



ભુજ : ગાંધીનગરથી આવેલી પુરવઠા વિભાગની ટીમે કચ્છની રેશનીંગની દુકાનોમાં કરેલી તપાસ અને ત્યારબાદ થયેલી દંડાત્મક કાર્યવાહીના પગલે કચ્છમાં રેશનીંગના અનાજની કાળાબજારીનો મુદ્દો ફરી એકવખત લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. સરકાર દ્વારા ગરીબોને મફત કે રાહતદરે અપાતા રાશનના જથ્થાને સાચા લાભાર્થી સુધી પહોંચાડવાના બદલે બારોબાર ઓપન માર્કેટમાં વેચી દેવામાં આવે છે. કચ્છભરમાં વ્યાપક બનેલી આ ગેરરીતિમાં માત્ર કેટલાક લાલચુ સસ્તા અનાજના દુકાનદારો જ નહીં પણ સરકારી તંત્રના કેટલાક ભ્રષ્ટકર્મીઓની પણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જાણકારોના કહેવા અનુસાર, સરકારી રાશનની કાળાબજારીમાં બોટમ ટુ ટોપ ચોક્કસ સિન્ડિકેટ સક્રિય છે. સરકાર તરફથી જિલ્લા પુરવઠા વિભાગને ફાળવતો અનાજનો એફસીઆઈના ગોડાઉનોમાંથી જથ્થો પુરવઠાના ગોડાઉનો સુધી પહોંચે અને ત્યારબાદ રેશનિંગની દુકાનો પરથી લાભાર્થીના રસોડા સુધી પહોંચે તે પહેલાં જ મોટો જથ્થો ચાંઉ થઈ જતો હોય છે. કોઈ એકદોકલ રેશનીંગ દુકાનદાર સમગ્ર ગેરરીતિને અંજામ આપી ન શકે. જો એકાદ દુકાન પર આવી ગેરરીતિ થતી હોય તો સ્થાનિક પુરવઠા તંત્ર સુધી ફરિયાદ પહોંચે કે તરત જ જરૂરી પગલાં લેવાઈ જાય પરંતુ કચ્છમાં લાંબા સમયથી રેશનીંગના જથ્થામાં ઘટ આવતી હોવાની અને કાર્ડધારકોને પુરતું રાશન મળતું ન હોવાથી વ્યાપક ફરિયાદો સમ્યાંતરે ઉઠતી રહે છે. આજે સોશિયલ મીડિયા ખુબ વાયરલ બન્યું છે ત્યારે કોઈ દુકાનદાર ઘાલમેલ કરતા હોય તો ઘડીના છઠ્ઠાભાગમાં જ તેની જાણ પુરવઠા તંત્રને થઈ જતી હોય છે. થોકબંધ ઉઠતી ફરિયાદો છતા સ્થાનિક તંત્ર દ્વારા ભાગ્યે જ કાર્યવાહી થતી હોયછે. જેથી સરકારી અનાજની કાળાબજારીના મહાકૌભાંડમાં ભ્રષ્ટ સરકારી બાબુઓ સામેલ હોવાનું પ્રમાણ મળી રહ્યું છે. મોટા ભાગના રાશનકાર્ડ ધારકને ખબર જ નથી કે સરકાર તેમના કેટલો જથ્થો આપે છે. આ જ પ્રશ્નના કારણે દુકાનદાર પોતાનો કૌભાંડ આચરી જાય છે. સરકાર તરફ અલગ - અલગ યોજના હેઠળ જથ્થો ફરવાતો હોય છે પરંતુ સૌથી ઓછા અનાજનો જથ્થા આપવાની યોજનાને અનુસરવામાં આવે છે, બાકીનો ચાઉ કરી દેવામાં આવે છે, તેવી ફરિયાદો ઉઠવા પામી છે. ગાંધીનગરની તપાસ ટીમે બોલાવેલા સપાટા બાદ હવે કચ્છમાં લાંબા સમયથી રેશનીંગ દુકાનો પર ગરીબોને થઈ રહેલા અન્યાય મામલે સ્થાનિક તંત્રની નિંભરતા સામે સોય તકાઈ છે. પુરવઠા તંત્રના ગોડાઉન પરથી જે-તે દુકાનદારને કાર્ડધારકોની સંખ્યાના હિસાબે ઓનલાઈન પાસ બનાવી રાશનનો જથ્થો પહોંચાડવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરા, જીપીએસ સિસ્ટમની દેખરેખ હેઠળ થતી હોવા છતાં રેશનીંગના દુકાનદારો પુરતો જથ્થો મળતો ન હોવાથી વાત કરે છે. તાજેતરના ભૂતકાળમાં જ્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ફિક્સ કમિશન માટે રાજ્યવ્યાપી લડત ચલાવી હતી ત્યારે પણ રેશનીંગ દુકાનદારોને જથ્થામાં આવતી ઘટનો મુદો સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. સસ્તા અનાજના દુકાનદારોએ કહ્યું હતું કે, તેમની દુકાન પર નોંધાયેલા કાર્ડધારકોને આપવાના થતા કુલ જથ્થા સામે પુરવઠા નિગમના ગોડાઉન પરથી મળતા જથ્થામાં મોટી ઘટ આવતી હોય છે. કાર્ડધારકને પુરતું અનાજ ન મળે તો લોકોના રોષનો ભોગ સસ્તા અનાજના દુકાનદારો જ બનતા હોય છે. સરકારશ્રી દ્વારા સાચા લાભાર્થીને જ રાશન મળે તે માટે થમ્બીંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ ભ્રષ્ટ સિન્ડિકેટ તમામ વ્યવસ્થાઓને બાયપાસ કરી ગરીબોના ભાગનું અનાજ ચરી ખાય છે. જિલ્લામાં ખરેખર કેટલા પરિવારો સરકારી મફત અનાજનો લાભ મેળવી રહ્યા છે અને કેટલા બોગસ રાશનકાર્ડ બન્યા છે તેની તટસ્થ તપાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તો સરકારી રાશનના કાળાબજારના મોટા કૌભાંડમાં તંત્રના જ કેટલાક મોટા ભ્રષ્ટ અધિકારીઓ નીચે રેલો આવે તેવું કચ્છભરમાં ચર્ચાઈ રહ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM