માંડવીનો રીઢો બુટલેગર માધાપરમાં દારૂ આપવા આવતા ઝડપાયો
૮૪ હજારની ર૪૦ બોટલો કબ્જે કરાઈ : ડીલીવરી મેળવનાર માધાપરનો શખ્સ હાજર ન મળ્યો : દારૂના ૩૬ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ બાદ તેના મોઢા પર રેલાયું સ્મિત
ભુજ : એલસીબીની ટીમ માધાપરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાપા દયાળુનગર ખાતે માંડવીના રીઢા બૂટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતો. માંડવીના બાબાવાડી રહેતો વિનોદ ઉર્ફે વિનિયો અજીતસિંહ ચુડાસમા પોતાની કારમાં માધાપરના હાર્દિક ઉમેદગર ગોસ્વામીને દારૂ આપવા માટે આવ્યો હતો. ત્યારે રંગે હાથ ઝડપી લેવાયો હતો. ગાડીમાંથી દારૂની ર૪૦ બોટલ કિ.રૂા. ૮૪ હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો. આ સાથે રીઢા બૂટલેગર વિનોદની ધરપકડ કરવામાં આવી છે. ર૦૧૭થી આજદિન સુધીમાં વિનોદ સામે માંડવી, મુંદરા, ભુજ બી ડિવિઝન, હિંમતનગર, વડાવદર, એ ડિવિઝન, માંડવી મરીન, નખત્રાણા, માનકૂવા પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ૩૬ ગુનાઓ નોંધાયેલા છે. જયારે હાર્દિક સામે ભુજ એ, બી ડિવિઝન, પદ્ધર અને માધાપર દારૂના ૯ ગુના નોધાયેલા છે. સામાન્ય રીતે આરોપી પકડાય ત્યારે તેના ચહેરા પર માયુસી અથવા તો ખેલદિલી જોવા મળતી હોય છે, પરંતુ અહીં તો આરોપી પકડાયો ત્યારે ફોટો સેશનમાં તેના ચહેરા પર સ્મિત રેલાતું જોવા મળ્યું હતું.

Comments