મુંદરામાં ખનિજચોરી કરી સરકારી દંડ ભરપાઈ ન કરતાં વાહન માલિકો સામે ફલાઈંગ સ્કવોર્ડનો સપાટો
સાદી રેતીનું ખનન અને વહન કરવા સંદર્ભે ડમ્પર અને લોર્ડરના ૯ વાહન માલિક / ચાલક સામે મુંદરા પોલીસમાં નોંધાવાયો ગુનો : શેખડિયાના શખ્સે સીઝ કરેલું ડમ્પર ભગાડી જઈ સરકારી ફરજમાં રૂકાવટ કરી
મુંદરા : પશ્ચિમ કચ્છ જિલ્લામાં અવાર નવાર ગેરકાયદે ખનિજ ચોરીના મામલા સામે આવે છે. ખાણ ખનિજ વિભાગ ખનિજ ચોરી સામે કાર્યવાહી કરવામાં નબળુ પુરવાર થયું છે. ત્યારે ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા અવાર નવાર ચેકિંગ સાથે ઘટનાના મૂળ સુધી જઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગત મહિને ફલાઈંગ સ્કવોર્ડની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે સાદી રેતીના પરિવહન સંદર્ભે વાહનો અટકાવી રોયલ્ટી પાસ માંગતા મળી આવ્યા ન હતા. જેથી ગેરકાયદે ખનિજચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેથી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, દંડની રકમ ભરપાઈ ન કરી એક ડમ્પર ચાલક સીઝ કરેલું ડમ્પર તંત્રની જાણ બહાર ઉપાડી જતાં સમગ્ર મામલાને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. ફલાઈંગ સ્કવોર્ડના રોયલ્ટી ઈન્સ્પેકટર ખુશાલીબેન ગરવાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓ દ્વારા સાથે મળીને સાદી રેતી ખનિજનું ગેરકાયદે રીતે ખનન અને વહન કરવામાં આવતું હતું. ખનિજચોરી કરી સરકારની રોયલ્ટીની આવકમાં ગાબડુ પાડી નાણાંકીય નુકશાન કરવામાં આવતા વાહન માલિકોને દંડની રકમ ભરપાઈ કરવા માટે પુર્તિ તક આપવામાં આવી હતી. તેમ છતાં રકમ ભરપાઈ ન કરી મંગરા (શેખડિયા)ના ડમ્પર નંબર જી.જે. ૦૬ વીવી પપ૪૪ના માલિક ચંદ્રસિંહ વિરામજી જાડેજાએ પોતાનું વાહન ભગાડી લીધું હતું. સરકારી કામમાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી છે. નિયત સમય મર્યાદામાં દંડ ભરપાઈ ન કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવા સંદર્ભે મુંદરાના મંગરાના ડમ્પર નંબર જી.જે. ૧૬ ડબલ્યુ ૧૯૯૭ અને લોડર નંબર જી.જે. ૧ર સીએમ ૬૧૬૦ના માલિક અનુપસિંહ રાઠોડ, લોડર નંબર જી.જે ૧ર સીએમ ૬૧૬૦ના માલિક તુંબડી મોટીના જાડેજા અજીતસિંહ ગુમાનસિંહ, ડમ્પર નંબર જી.જે. ૧૬ ડબલ્યુ ૧૯૯૭ના માલિક ખાખર મોટીના ગઢવી નાગજણ માણશી, ડમ્પર નંબર જી.જે. ૧ર એટી ૭૮૬પના માલિક મોટા કપાયાના વિરાટસિંહ ચેતનસિંહ પઢિયાર, ડમ્પર નંબર જી.જે. ૧ર એટી ૭૮૬પના માલિક બારોઈના જયેશકુમાર જાદવભાઈ બરાડ, ડમ્પર નંબર જી.જે. ૧ર એટી ૭૮૬પના ચાલક કપાયા મોટાના નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સમા, ડમ્પર નંબર જી.જે. ૧૬ ડબલ્યુ ૧૯૯૭ના ચાલક કપાયા મોટાના રમેશભાઈ હરિભાઈ ચૌધરી અને લોડર નંબર જી.જે ૧ર સીએમ ૬૧૬૦ના ચાલક મંગરાના કરણસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંદરા પીએસઆઈ એમ.એન. આદરેજીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

Comments