ગરમી અને ઉકળાટ વચ્ચે મુન્દ્રા પંથકમાં વરસાદ
ભુજપુર, મોટી તુંબડી, વવાર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાંથી વહી નીકળ્યા પાણી : ભુજ તાલુકાના કુકમા અને રેહા (હાજાપર)ના ઉપરના પટ્ટામાં ઝાપટા રૂપે હાજરી પુરાવી હતી : હવામાન વિભાગે રાજ્યમાં થંડરસ્ટોર્મ સાથે ચાર દિવસ વરસાદી માહોલની કરી આગાહી : ગત રાત્રિએ માંડવીનો બિદડા વિસ્તારમાં થયો હતો વરસાદ
ભુજ : ગરમી અને ઉકળાટથી ત્રસ્ત કચ્છવાસીઓ હવે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે થંડરસ્ટોર્મ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. ગત રાત્રિએ માંડવીના બિદડા, તલવાણા પંથકમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જ્યારે આજે સવારે મુન્દ્રા તાલુકાના વવાર, ભુજપુર વગેરે ગામોમાં વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે. મુન્દ્રા પંથકના સમાઘોઘા, ભુજપુર, વવાર સહિતના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. કચ્છ જિલ્લામાં વાદળોની અવરજવર વચ્ચે મહત્તમ તાપમાન ઉચું રહેતા બફારા સાથે પ્રમખર ગરમીથી લોકો ત્રસ્ત થયા છે. જુન માસના મધ્ય ભાગે નૈઋત્ય ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી આશા કચ્છવાસીઓ રાખી રહ્યા છે. રાજ્યના ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
........
વરસાદના આગમન સાથે વીજ ધાંધિયા
મુન્દ્રા : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી પરોઢથી વરસાદનું આગમન થતા ગરમીથી આકુળ વ્યાકુળ થયેલા લોકોને ટાઢક મળી હતી તો બીજી તરફ વરસાદ શરૂ થતા જ રાબેતા મુજબ વીજ ધાંધિયા શરૂ થઈ ગયા હતા. ભુજપુર, ઝરપરા, પ્રતાપગર વગેરે ગામોમાં વરસાદથી માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. સાથે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વરસાદના ચાર છાંટા પડે કે વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
......
ખારેકના પાકને નુકશાનની ભીતિ
મુન્દ્રા : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી ક્ષેત્રે ખુબ વિકાસ થયો છે. કચ્છી મેવો ગણાતી ખારેકની જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન મુન્દ્રા તાલુકામાં થાય છે. મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ખારેકના બગીચાઓમાં ખારેકનો ફાલ તૈયાર થયો છે. ખારેકની સિઝન હજુ માંડ શરૂ થઈ છે. બગીચાઓમાંથી ખારેકનો પાક ઉતારવાની શરૂઆત થઈ છે. તેવામાં જ વરસાદ થતા ખારેકના પાકનેનુકશાન થવાની ભીતિ કિસાનો વ્યક્ત કરી રહ્યા છે.
મુન્દ્રા-બારોઈ રોડનું અધુરૂં કામ જોખમી બનશે
મુન્દ્રા : શહેરના બારોઈ તરફ જતા રસ્તાનું કામ હાલે પ્રગતિમાં છે. ચોમાસાની સિઝને દસ્તક દઈ દીધી છે ત્યારે રસ્તાનું અધુરૂં કામ વરસાદ વખતે જોખમરૂપ બનશે તેવું મુન્દ્રાવાસીઓ જણાવી રહ્યા છે. વરસાદના દિવસોમાં શહેરીજનોને અધૂરા કામના લીધે ભારે હાલાકી ભોગવવી પડશે. નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસાના પ્રારંભે પૂર્વે શરૂ કરવામાં આવેલું માર્ગ સુધારણાનું કામ સત્વરે પૂરું નહીં થાય તો વરસાદના દિવસોમાં શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડશે તેવું શહેરીજનો જણાવી રહ્યા છે.

Comments