કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા હાટડાઓને કયા પુરાવાઓના આધારે મળ્યા વીજ જોડાણ ?
જિલ્લાના અબડાસાથી માળિયા સુધીના રાષ્ટ્રીય અને રાજ્યના ધોરીમાર્ગની સમાંતરે સરકારી જમીન પર ધંધાર્થીઓએ કરી છે પેશકદમી : સરકારી જમીન પર ખડકાયેલા કોમર્શિયલ બાંધકામોને રાતોરાત મળી જતા વીજ-પાણીના જોડાણની તપાસ થવી ઘટે : ગાંધીધામ-મુન્દ્રા-અંજાર તેમજ ભચાઉ હાઈ-વે ગેરકાયદેસર ચાલતા હોટલો- ધાબામાં અનેક વખતે ગેરપ્રવૃત્તીઓ પોલીસે પકડી છે : ઝાલાવાડ પંથકમાં વીજ તંત્રની સઘન તપાસ બાદ કચ્છમાં પણ ચકાસણી થવી ઈચ્છનીય : જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો મત
ભુજ : ધોરીમાગ એ કોઈપણ વિસ્તારના વિકાસની પારાશીશી ગણાય છે. કચ્છમાં વર્ષ ર૦૦૧ મા આવેલા વિનાશક ભૂકંપ બાદ થયેલા નવસર્જનમાં સર્વાંગી વિકાસ થયો છે. ઔદ્યોગિક અને બંદરીય ક્ષેત્રના વિકાસના પગલે જિલ્લામાં ધોરીમાર્ગ જેવી માળખાગત સુવિધાઓ પણ વિસ્તરી છે. કચ્છના ધોરીમાર્ગો પર મહાનગરો જેવા ટ્રાફિક અવિરત જોવા મળી રહ્યો છે ત્યારે ધોરીમાર્ગ પર ઠેર ઠેર સરકારી જમીન પર કોમર્શિયલ બાંધકામો પણ ખડકાયા છે. સરકારી જમીનોમાં થયેલા કોમર્શિયલ બાંધકામોમાં પાણી-વીજળી જેવી સુવિધાઓ પણ ઉલબ્ધ છે ત્યારે આવા બાંધકામોને કયા પુરાવાના આધારે રાતોરાત પાણી અને વીજ જોડાણ મળી જાય છે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
કચ્છમાં ખાવડાથી સામખિયાળી, અબડાસા-મુન્દ્રા-માળિયા સુધીના ધોરીમાર્ગોની બન્ને બાજુએ અનેક કોમર્શિયલ બાંધકામો થયા છે. અનેક જગ્યાઓ પર સરકારી જમીનોમાં હાટડીઓ બનાવી દઈ વિવિધ ધંધા રોજગાર શરૂ કીર દેવામાં આવ્યા છે. આવા બાંધકામોમાં કયા પુરાવાના આધારે વીજ કનેકશન અપાયા હશે તેવું ઝાલાવાડ હાઈવે વિસ્તારમાં સરકારી જમીનમાં વીજ જોડાણના મામલાની શરૂ થયેલીત તપાસ બાદ સપાટીએ આવ્યું છે. ધ્રાંગધ્રા ડિવિઝન દ્વારા તપાસના આદેશ થતા વીજતંત્રની ટીમો પુરાવાઓની ચકાસણી સહિતની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. કચ્છ જિલ્લામાં પણ ધોરીમાર્ગને સમાંતરે અનેક નાના-મોટા ધંધા-રોજગાર સરકારી જમીનો પર હાટડાઓ બાંધી શરૂ કરી દેવામાં આવ્યા છે. આવા ધંધાર્થીઓને વીજળી અને પાણીના જોડાણ કયા આધારે આપ્યા છે તેની તપાસ થાય તે ઈચ્છનીય છે. બીજી તરફ જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર કચ્છમાં મુન્દ્રા-કંડલા-ભચાઉ હાઈવે પર ધમધમતી કેટલીક હોટલોમાં ગેરપ્રવૃત્તિઓ પણ થતી હોય છે. ડ્રગ્સ, દારૂ જેવા દુષણો હાઈવેના ઢાબાઓ પર વધ્યા છે. આ ઉપરાંત ગાડીઓમાંથી ચોરીનું પ્રમાણ મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા હાઈવે વિસ્તારમાં વિવિધ મોરચે તપાસ થાય તો ગેરપ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેવું જાણકારવર્ગ જણાવે છે.

Comments