બીયુ પ્રમાણપત્રની ચકાસણીમાં બિલ્ડરોની ‘લાલચ’ અને જવાબદાર તંત્રોની ‘લાપરવાહી’ની ખુલી પોલ
રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છના શહેરી વિસ્તારમાં
કોમર્શિયલ બિલ્ડિંગોના અન્ડરગ્રાઉન્ડમાં અનધિકૃત બાંધકામોનું ઉપયોગ આવ્યા સપાટીએ : બિલ્ડરોએ નાણાંની લાલચે અનામત પ્લોટનો કરી લીધો કોમર્શિયલ ઉપયોગ : શહેરી વિકાસ વિસ્તાર સત્તા મંડળોએ બીયુ પ્રમાણપત્ર ઈસ્યુ કર્યા બાદ થયેલ પેશકદમીની શા માટે ન લીધી હતી દરકાર ? : કચ્છના જાગૃત નાગરિકોએ કર્યો વેધક સવાલ
ભુજ : રાજકોટના અગ્નિકાંડ બાદ ઉંઘમાંથી સફાળી જાગેલી રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં ફાયર સેફટી, એનઓસી અને બીયુ પ્રમાણપત્રની ચકાસણી શરૂ કરી છે. કચ્છના શહેરી વિસ્તારોમાં તંત્રએ હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરેન્ટ, ખાનગી હોસ્પિટલ, સિનેમાઘર, કોચિંગ કલાસ વગેરેની ચકાસણી કરી ફાયર સેફટીની અધુરાશો જણાઈ ત્યાં નોટીસની બજવણી કરી છે. જિલ્લા મથક ભુજમાં કોમર્શિયલ બિલ્ડિંગોના અન્ડરગ્રાઉન્ડમાં ચાલતા વાણિજય એકમોને સીલ કરી દીધા છે. જો કે, કોમર્શિયલ બિલ્ડિંગોના અંડર ગ્રાઉન્ડમાં ચાલતી વાણિજય પ્રવૃતિઓ અગાઉથી જ વિવાદાસ્પદ રહી છે.
વિનાશક ભૂકંપ બાદ નવનિર્માણ અને પુનઃવર્સન વખતે રાજ્ય સરકારે કચ્છના શહેરી વિસ્તારોમાં એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી હતી. આવા સતા મંડળોને શહેરના નવનિર્માણ, રિલોકેશન સાઈટ, માર્ગ - રસ્તાઓની ડિઝાઈન સાથે શહેરમાં નવા બાંધકામોને મંજૂરી અને કમ્પલેશન સર્ટિફિકેટ આપવાની સતા સોંપાઈ હતી. છેલ્લા બે અઢી દાયકામાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ સહિત કચ્છભરમાં બહુમાળી ઈમારોતાના નિર્માણ પર રોક સાથે જી પ્લસ ટૂ બિલ્ડિંગના બાંધકામો માટે પણ ચોક્કસ નિયમો બનાવાયા હતા. કચ્છ એ સંભવિત ભૂકંપ ક્ષેત્ર હોઈ બિલ્ડિંગના નિર્માણમાં કેટલીક જગ્યાઓને અનામત રાખવાનો નિયમ અમલી છે. ખાસ કરીને કોમર્શિયલ બિલ્ડિંગમાં અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગની જોગવાઈ રાખવામાં આવે છે, પરંતુ બિલ્ડરોએ પાર્કિંગની જગ્યા પર અનધિકૃત બાંધકામ કરી કોમર્શિયલ ઉપયોગ કરી લીધો છે. હાલમાં જયારે ફાયર સેફટી સાથે બીયુ પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે બિલ્ડરોને ગેરપ્રવૃતિ સાથે સાથે ભાડા જેવા જવાબદાર તંત્રની લાપરવાહી સામે આવી છે.
સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં કોઈ બાંધકામ દારૂ થાય તે પૂર્વે જ વિવિધ પ્રકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. બિલ્ડિંગના પ્લાન - નકશાને મંજૂરી મેળવ્યા બાદ બાંધકામ પૂર્ણ થયા બાદ બીયુ પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. ભુજમાં કેટલાક બિલ્ડરોએ બીયુ પ્રમાણપત્ર મેળવ્યા નથી તો કેટલાક સ્થળો પર બીયુ પ્રમાણપત્ર મેળવ્યા બાદ બાંધકામમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. રાજકોટની દુર્ઘટના બાદ શરૂ થયેલી તપાસમાં આવી વિસંગતતાઓ સામે આવી છે. ભુજ શહેરની કેટલીક બિલ્ડિંગોમાં અન્ડર ગ્રાઉન્ડમાં ચાલતા વાણિજય એકમોને સીલ કરી દેવાયા છે. ત્યારે જાગૃત શહેરીજનો પુછી રહ્યા છે કે, રાજકોટની ઘટના બાદ સફાળુ જાગેલું તંત્ર તપાસ માટે મેદાને ઉતર્યું ત્યારે લાપરવાહીનો ખુલાસો થયો છે. સામાન્ય સંજોગોમાં તંત્ર દ્વારા હોઈ તપાસ થતી જ ન હોવાથી અનધિકૃત બાંધકામ કરનારાઓને મોકળું મેદાન મળી જતું
હોય છે.
..........
બેવડી નીતિ : શહેરમાં સક્રિયતા પણ ગ્રામ્યમાં ગંભીર નિષ્ક્રીયતા
ભુજ : કચ્છના શહેરી વિસ્તારોમાં ફાયર સેફટીની સઘન તપાસ થઈ રહી છે. સિલિંગ અને નોટીસોનો વણથંભ્યો દોર યથાવત રહ્યો છે. નવાઈની વાત એ છે કે, નગરપાલિકા વિસ્તારમાં થતા બાંધકામના નિયમોમાં ફાયર સેફટી છે. જયારે ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષ ૧૯૯૪ના પંચાયત ધારામાં બાંધકામ મંજૂરી માટે ફાયર સેફટીની કોઈ જોગવાઈ જ નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફટીનો અભાવ હોય તેવી બિલ્ડિંગોને સીલ મારવામાં આવતા નથી.
નગરપાલિકા - મહાનગરપાલિકા વિસ્તારોમાં બાંધકામના નિયમોમાં વખતોવખત ફેરફાર થતા રહ્યા છે. બાંધકામ આસપાસ માર્જિન, વૃક્ષારોપણ, ઉંચાઈ સહિતના નિયમો સમયાંતરે ઉમેરાતા રહે છે. આ પ્રમાણે જ સરકારે કોમર્શિયલ કોમ્પલેક્ષ, બહુમાળી ઈમારતો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ વગેરેમાં લોકોની સલામતી માટે ફાયર સેફટી અને એનઓસીના નિયમો બનાવ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સલામતી માટે સરકારને કોઈ ચિંતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે.
છેલ્લા થોડા વર્ષોથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહાનગરો જેવી સુવિધાઓ શરૂ થઈ છે. સદ્ધર ગામોમાં હોસ્પિટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ- રેસ્ટોરન્ટ, વોટરપાર્ક, ગેમઝોન, રિસોર્ટ વગેરે ધમધમી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોની વધુ અવર જવર ધરાવતા સ્થળો પર ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોય તો પણ તંત્ર કોઈ કાર્યવાહી કરી શકતું નથી, તેથી કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ સરકાર નિયમમાં બદલાવ કરશે કે કેમ તેવો સવાલ જાગૃતજનો કરી રહ્યા છે.
......
ત્રણ દાયકાથી કાયદામાં કોઈ સુધાર નહીં
ભુજ : વર્ષ ૧૯૯૩માં ગુજરાત પંચાયત ધારો બન્યો હતો. અને બીજા વર્ષથી અમલમાં આવ્યો હતો. આ ધારામાં ગ્રામ્ય વિસ્તારોમાં થતા બાંધકામના પ્લાન મંજૂરીના નિયમોમાં ફાયર સેફટી બાબતે જે તે સમયે કોઈ જોગવાઈ ન હતી. આ ધારાને ૩૦ વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ સુધીમાં તેમાં કોઈ સુધારો કરી ફાયર સેફટીનો કોઈ ઉમેરો કરવામાં આવ્યો નથી.
.......
પંચાયત ધારામાં માત્ર મકાન બાંધકામને મંજૂરી
ભુજ : ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ની કલમ ૧૦૪માં બાંધકામ પ્લાન મંજૂરીની જોગવાઈ છે એટલે કે, માત્ર મકાન બાંધકામની જ મંજૂરી આપવામાં આવે છે. પંચાયત ધારામાં કારખાના, રિસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા કે, કોમર્શિયલ કોમ્પ્લેક્ષને મંજૂરી આપવાના સ્પષ્ટ નિયમો નથી. પંચાયત ધારામાં ફાયર એનઓસીનો કોઈ ઉલ્લેખ જ નથી, જેના કારણે કચ્છમાં મોટા ગામોમાં વાણિજય પ્રતિષ્ઠાનો માત્ર બાંધકામની મંજુરી મેળવી ધમધમતા જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વધુ અવર જવર રહેતી હોય તેવા સાર્વજનિક સ્થળો માટે ફાયર એનઓસી લેવાનો કોઈ જ નિયમ નથી.

Comments