ભુજના ગોરેવલી નજીક ફોરેસ્ટના ગોડાઉનમાં આગ : ઘાસનો જથ્થો ખાખ
ઘાસની અછત વચ્ચે ગોડાઉનમાં સંગ્રહિત ઘાસનો મોટો જથ્થો બળી ગયો : સ્થાનિક માલધારીઓએ આગના કારણોની તપાસ માટે કરી માંગ
ભુજ : તાલુકાના બન્ની વિસ્તારમાં ઘાસના જથ્થાના સંગ્રહ માટે બનાવાયેલા ગોડાઉનમાં આગ લાગતાં ઘાસનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો. ઘાસની વ્યાપક અછત વચ્ચે આગના કારણે ઘાસનો જથ્થો સળગી જતાં સ્થાનિક માલધારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ગોરેવલી નજીક આવેલા ફોરેસ્ટના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના પગલે ગોડાઉનમાં સંગ્રહ કરાયેલ ઘાસનો જથ્થો બળીને ખાખ થયો હતો. પશુપાલકોની બહોળી વસતી ધરાવતા બન્ની પંથકમાં પશુઓ માટે ઘાસ સંગ્રહ કરવા ફોરેસ્ટ દ્વારા ઘાસનું ગોડાઉન બનાવાયું છે. આ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરો ધસી આવ્યા હતા. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગમાં ગોડાઉનમાં સંગ્રહિત ઘાસ બળીને ખાખ થયું હતું. સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું કે, સરકારી તંત્રએ પોતાની ગેરેરીતિ છુપાવવા આગનું નાટક કર્યું છે. ઘાસના વાવેતરના નામે થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા આગ લગાડવામાં આવી છે. ગોડાઉનની આસપાસ આગ લાગે તેવું કોઈ કારણ નથી તેથી આ ઘટનાની તટસ્થ તપાસ કરવા માલધારીઓએ વહિવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

Comments