Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં શાળા સલામતી મુદ્દે કોઈ બાંધછોડ નહીં : સંજય પરમાર

12 June

આવતીકાલથી શરૂ થશે શાળાઓ





રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ અનુસાર જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી માટે તંત્રની કવાયત : સીઆરસી-બીઆરસીને શાળા સલામતીની તપાસ કરવા સોંપાઈ જવાબદારી : નવા પરિપત્ર અનુસાર જીપ્લસ વન શાળાઓમાં પણ ફાયર ઓનઓસી મેળવી લેવા અપાયા નિર્દેશ 



ભુજ : આવતીકાલ તા.૧૩ મી જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની છે. કચ્છની રપ૦૦ જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કલશોરથી ગાજી ઉઠશે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું. શાળાઓની શરૂઆત પૂર્વે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર સેફટી અંગેની ચકાસણી કરવા શિક્ષણ વીભાગને આદેશ કર્યો હતો. જેના પગલે કચ્છ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એનઓસીની ચકાસણી હાથધરવામાં આવી છે. શ્રી પરમારે જણાવ્યું હતું કે, કચ્છની તમામ શાળાઓને સરકારશ્રીના પરિપત્ર અનુસાર જરૂરી સૂચનાઓ પહોંચતી કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ સીઆરસી અને બીઆરસીને શાળા સલામતીની ચકાસણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા તમામ બીઆરસી, સીઆરસી સભ્યોને શાળા સલામતી અને ફાયર સેફટી અંગેની તાલીમ જરૂરી ડેમોન્સ્ટ્રેશન સાથે આપી દેવામાં આવી છે. સીઆરસી અને બીઆરસી સભ્યો દ્વારા શાળાઓની સલામતી સુનિશ્ચિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
શ્રી પરમારે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં અગાઉથી જ જીપ્લસ ટુ બાંધકામ ધરાવતી સરકારી શાળાઓમાં ફાયર એનઓસી લેવામાં આવી છે. સરકારના નવા પરિપત્ર અનુસાર જીપ્લસ વન અને ૧ હજાર સ્કવેર મીટરથી વધુ બાંધકામ ધરાવતી શાળાઓને ફાયર સેફટીની જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી ફાયર એનઓસી મેળવી લેવા આદેશ કરાયા છે. સરકારી શાળાઓમાં સાધનોની ખરીદી માટે જરૂરી ગ્રાન્ટ માટે સરકારને દરખાસ્ત કરવામાં આવશે. જયારે ખાનગી શાળાઓને જરૂરી પૂર્તતા કરી લેવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલ વાન અને સ્કૂલ બસની સેવા આવતી શાળાઓને પણ ફિટનેશ અંગેની પૂર્તતા કરવા આદેશ કરાયો છે. ખાનગી વાહનોમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓને પણ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. આરટીઓના નિયમ વિરૂદ્ધ માન્ય સંખ્યાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડતા હોય તેવા વાહનોમાં બાળકોને ન મોકલવા અનુરોધ કર્યો હતો. 
આ ઉપરાંત શ્રી પરમારે તા. ર૭થી ર૯ સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનું અને ધોરણ ૯થી ૧ર સુધીની છાત્રાઓને નમો સરસ્વતી યોજનાનો લાભ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવું વધુમાં ઉમેર્યું હતું. 

......

શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીની તપાસ કચ્છ યુનિવર્સિટી સહિત સાત જેટલી સંસ્થાઓને પાઠવાઈ નોટીસ : અમુક શાળાઓ અને કોલેજો દોડતી થઈ 

ભુજ : રાજકોટના ગેમઝોનમાં થેલા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા જાહેર સ્થળો પર ફાયર સેફટીની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભુજમાં હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, બહુમાળી ઈમારતો વગેરેની તપાસ સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર એનઓસીની તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રની સંયુક્ત ટીમે ગઈકાલે કચ્છ યુનિવર્સિટી સહિત ૭ શૈક્ષણીક સંસ્થાઓને નોટીસ ફટકારી હતી. આજે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ આગળ ધપી હતી. ભુજની ચાણક્ય એકેડમીમાં ફાયર સેફટીની કોઈ અધુરાશ જણાઈ ન હતી. તંત્રની સંયુક્ત ટીમ દ્વારા આજે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ આગળધ ધપાવવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM