ફરી ડ્રગ્સનો દરીયો બનતું કચ્છ : બિનવારસુ પેકેટસ ઝડપાય છે, તો મુકનારાઓ કેમ આબાદ?
અબડાસા-લખપતના કાંઠેથી મળી આવેલા ર૧ કિલો
ચરસ કેસમાં મૂળ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ
ખારીરોહર-મીઠીરોહરના ૯૩૦ કરોડના કોકેઈન કેસમાં પણ કોઈ અતોપતો નહીં : આજના યુગમાં કોઈ એક રૂપિયો પણ ન મુકે ત્યાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ બિનવારસુ કેમ છોડી જાય ? સળગતો સવાલ
છુટાછવાયા પેકેટ મળવાનો સિલસિલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘૂસાડવાની નિશાનીનું ટ્રેલર : છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં એક કિલોના એક એવા ત્રણ હજારથી વધુ કેફી દ્રવ્યના પેકેટ મળી આવ્યા છતા મૂળ સુધી પહોંચવામાં એજન્સીઓ નિષ્ફળ
ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાતો વચ્ચે સ્થાનિક વચેટીયા, ખરીદનારા સુધી તપાસનો રેલો નહીં પહોંચે ત્યાં સુધી કચ્છ, દ્વારકા, પોરબંદર, વેરાવળના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સની ભરતી યથાવત
ભુજ : રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં ત્રણ સરહદો લાગુ પડે છે. રણ સરહદે પાકિસ્તાન તરફથી આવતા ઘૂસણખોરોનો ખતરો હોય છે. અવાર-નવાર અહીં ઘૂસણખોરો ઝડપાયા છે. આ સિવાય હવાઈ સરહદે સતત પેટ્રોલિંગ હોય છે. તેમજ દરિયાઈ સરહદે જખો, લક્કીનાળા સહિતના ક્રીક વિસ્તારમાંથી માછીમારી સિઝન દરમિયાન પાકિસ્તાની માછીમારી બોટ અને માછીમારો પકડાઈ જાય છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં આવવાના હોય અથવા મુલાકાત થયા બાદ મોટે ભાગે પાકિસ્તાની માછીમારો પકડાતા હોય છે. તે વચ્ચે હવે ઉત્તર ભારતના રાજ્યમાં ડ્રગ્સ પહોંચાડવા માટે કચ્છનો દરિયો સોફ્ટ ટાર્ગેટ બન્યો છે. રાજ્યના ૧૬૦૦ કિલોમીટરના દરિયામાં કચ્છનો હિસ્સો ૪૦૦ કિલોમીટરનો છે. વિશાળ દરિયામાં દરેક સ્થળોએ એજન્સીનો પહેરો રહે તે શક્ય નથી. જેથી પાકિસ્તાન દ્વારા દરિયાઈ મારફતે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવેછે. ચાલુ સિઝનમાં અત્યાર સુધી બિનવારસુ ર૧ પેકેટ મળી આવ્યા છે અને હજુ આ આંકડો વધશે. જોકે, પોલીસ સહિતની એજન્સીઓ મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
આ અંગેની વિગતો મુજબ ચાલુ સિઝનમાં આઠ જૂનના લખપત તાલુકાના રોડાસર પાસેથી બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસુ ચરના પેકેટ મળી આવ્યા હતા. જે બાદ નવ જૂનના કોઠારા પોલીસને કડુલી-પિંગલેશ્વરના દરિયામાંથી બિનવારસુ ચરસના ૧૦ પેકેટ શોધવામાં સફળતા મળી હતી. જેની કિંમત પ.૩પ કરોડ આંકવામાં આવી હતી. જે બાદ ૧૧ જૂનના અબડાસાના સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસુ ૯ પેકેટ જખૌ મરીન પોલીસને મળી આવ્યા હતા. કચ્છના દરિયાકાંઠે બિનવારસુ મળી આવતા પેકેટ મોટે ભાગે ચરસ હોય છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કિલોની પ૦ લાખ થવા જાય છે. આ સિલસિલો આ વખતનો નથી. કોરોના વખતે કચ્છમાં એસપી તરીકે સૌરભ તોલંબિયા હતા ત્યારથી બિનવારસુ પેકેટ મળી રહ્યા છે તે સમયે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકીને સર્ચ કરવામાં આવતા એક દિવસમાં ર૦૦થી વધુ પેકેટો મળતા હતા. જે બાદ એસપી તરીકે સૌરભસિંગ આવ્યા ત્યારે પણ આ પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. દર વખતે જ્યારે ચોમાસાની સિઝન નજીક હોય ત્યારે જ પેકેટ મળી આવે છે. એવું માનવામાં આવે છે કે, જૂન અને જુલાઈ મહિનામાં માછીમારી પર પ્રતિબંધ હોય છે જેથી દરિયામાં બોટ જોવા મળતી નથી. પાકિસ્તાની ડ્રગ્સ પેડલરો દ્વારા ચરસના પેકેટ એકદમ હવા ચૂસ્ત પેકિંગમાં પેક કરી દરિયામાં બોટ મારફતે હેરાફેરી કરવામાં આવે છે. જો કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સી રસ્તામાં મળી આવે તો આ કોથડા દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને કિનારાપર પહોંચે છે. દરિયાની માટી અને બાવળોની ઝાડીમાં ફસાઈ જવાના કારણે આ પેકેટ સ્થિર થઈ જાય છે. આમ તો અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રાના નિર્જન દરિયાઈ વિસ્તારમાં સ્થાનિકો સિવાય અન્ય કોઈ જતા નથી. ભૂતકાળમાં જખૌના માછીમારોને આ પેકેટ મળ્યા ત્યારે બારોબાર વેચી નાખ્યા હતા. બે વખત તો તેઓ પકડાઈ ચૂક્યા છે ત્યારે હાલમાં મળી આવતા પેકેટો બાબતે મૂળ સુધી પહોંચવામાં આવે તે જરૂરી બની રહે છે.
ચાલુ સિઝનમાં અબડાસા-લખપતના કાંઠેથી અત્યાર સુધી ૧૧ કરોડના ચરસના ર૧ પેકેટ મળી આવ્યા છે એ ઉપરાંત ગાંધીધામના ખારીરોરહર પાસેથી કોકેઈનના ૧૩૦ કરોડના ૧૩ અને ગત વર્ષે મીઠીરોહર પાસેથી ૮૦૦ કરોડના ૮૦ પેકેટ મળી આવ્યા હતા. જે કેસમાં અત્યાર સુધી કોઈ કડી મળવા પામી નથી. આજના યુગમાં કોઈ એક રૂપિયો પણ ન મુકે ત્યાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ બિનવારસુ કેમ છોડી જાય છે તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. જાણકારો માને છે કે, દરિયાકાંઠે છુટાછવાયા પેકેટ મળી આવતા તમામ એજન્સીઓએ તેને શોધવામાં પરોવાયેલી તે સમયગાળામાં મોટું ડ્રગ્સ ઘૂસાડી દેવામાં આવે છે. ભૂતકાળમાં આ પ્રમાણે કન્સાઈનમેન્ટ ઘૂસાડવામાં આવ્યા છે જેથી નજીકના ભવિષ્યમાં કચ્છ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોટા પ્રમાણમાં કેફી દ્રવ્ય પકડાય તો નવાઈ નહીં. એક તરફ ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે. ડ્રગ્સ પકડાય છે તેને લેનારા, મોકલનારા, વચેટીયાઓ પકડાતા નથી. જ્યાં સુધી આ લોકો સામે સંકજો કસાસે નહીં ત્યાં સુધી આ પ્રમાણેનો સિલસિલો યથાવત રહેવા પામશે જે પણ એક
હકીકત છે.

Comments