રાજ્યના પા. પુ. મંત્રી કુંવરજીભાઈએ કચ્છના વિવિધ કામોનું કર્યું નિરીક્ષણ
રાપર તાલુકાના બાલાસર, ગઢડા, નાની હમીરપર ઉપરાંત ભુજ તાલુકાના ખાવડા, કુકમા, કુરન ગામની લીધી મુલાકાત : ભુજ ફિલ્ટર પ્લાન્ટ એમઈએસ પાણી પુરવઠા સંપનું કર્યું નિરીક્ષણ : સબંધિત અધિકારીઓને આપ્યા જરૂરી દિશા- નિર્દેશ
ભુજ : લોકસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આદર્શ આચારસંહિત હટાવી લેવામાં આવી છે, ત્યારે કચ્છ સહિત રાજ્યભરમાં વિકાસકામોનો ધમધમાટ પુનઃ શરૂ થયો છે. દરમ્યાન જ રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કચ્છ જિલ્લાની મુલાકાત લઈ વિવિધ કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કચ્છ જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન તેમણે રાપર તાલુકાના બાલાસર હેડવર્કસ, ગઢડા પાણી પુરવઠા સ્ટોરેજ, નાની હમીરપર ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ભુજ તાલુકાના ખાવડા પાણી પુરવઠા હેડવર્કસ, કુકમા હેવર્કસ, ભુજ ફિલ્ટર પ્લાન્ટ, એમઈએસ પાણી પુરવઠા સંપ, ખાવડા - કુરન ગામ ખાતે નિર્માણ થનારા નવા ચેકડેમ બનાવવાના સ્થળની જાત મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થાનિક કર્મચારીઓ હાજર
રહ્યા હતા.’
........
કેબિનેટ મંત્રીની આકસ્મિક
મુલાકાતથી તંત્રમાં દોડધામ
પાણી પુરવઠા તંત્રએ મંત્રી મુલાકાત જ મીડિયામાં જાહેર થવા ન દીધી
ભુજ : ગત સોમવારે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓની આકસ્મિક મુલાકાતે પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત વેળાએ પ્રચાર - પ્રસારના માધ્યમો અને સ્થાનિકોને અજાણ રખાયા હતા. સામાન્ય રીતે રાજ્યના કેબીનેટ મંત્રી પ્રવાસે આવતા હોય તે પૂર્વે તેની સતાવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. આચારસંહિતાનું ગ્રહણ હટી ગયા બાદ કચ્છ પ્રવાસે આવેલા કેબીનેટ મંત્રીની મુલાકાત વખતે પાણી પુરવઠા વિભાગના ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ જ હાજર રહ્યા હતા. પાણી પુરવઠા વિભાગના કામોમાં લીપાપોતી, ગેરરીતિની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહેતી હોય છે. સબંધિત વિભાગના મંત્રી આવતા હોય ત્યારે સ્થાનિક રજૂઆતકર્તાઓ દ્વારા તેમને લેખિત કે મૌખિક રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ કુંવરજીભાઈ બાવળિયાની સમીક્ષા પ્રવાસથી સ્થાનિકો અજાણ રહ્યા હતા. વિવિધ વર્કસની સમીક્ષા કર્યા બાદ કેબીનેટ મંત્રીનો કચ્છ પ્રવાસ નિવિઘ્ન પૂર્ણ થતાં મંત્રીશ્રીની મુલાકાતથી સ્તબ્ધ બની ગયેલા કેટલાક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

Comments